Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

ચીનની નફફટાઇ : પૈંગોંગ તળાવ પાસે ચીની સૈનિકો કર્યા તૈનાત

લદ્દાખમાં ફરી તણાવ : ભારતીય સેનાએ એલએસી પાસે જવાનોનો ખડકલો કર્યો

નવી દિલ્હી તા. ૧ : એકતરફ ભારત સાથે સેના પાછી ખેંચી તણાવ ઘટાડવાની વાતો કરી રહેલા ચીનના બતાવવાના અને ચાવવાના દાંત અલગ અલગ છે. ૧૪મી જુલાઈએ કમાન્ડર સ્તરના અધિકારીઓ વચ્ચે સેના પાછી ખેંચવાની સમજૂતી પછી પણ ચીને પેંગોંગ ત્સો લેક વિસ્તારમાં વધારાની સેનાની ટુકડીઓ અને બોટ તહેનાત કરી દીધાં છે. પેંગોંગમાં ચીને નવા કેમ્પ બનાવવાનું શરૂ કર્યું છે. આ કેમ્પમાં વધારાની સૈનિક ટુકડીઓ પણ તહેનાત કરાઈ છે. તે સાથે ચીન વધારાની બોટ ઉતારી રહ્યો છે. ચીનની નવી ચાલ સેટેલાઇટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સેટેલાઇટ ઇમેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચીની સેના હજુ ફિંગર પાંચ અને ફિંગર ૬ વિસ્તારમાં ડેરા જમાવીને બેઠી છે. ફિંગર પાંચ ખાતે પીએલએની ૩ બોટ અને ફિંગર ૬ ખાતે પીએલએની ૧૦ બોટ નજરે પડે છે. દરેક બોટમાં ૧૦ જવાન સવાર છે ૧૫ જૂનની સેટેલાઇટ ઇમેજમાં ફિંગર ૬ ખાતે પીએલએની ૮ બોટ હતી જે હવે વધીને ૧૦ થઈ છે. ફિંગર પાંચ ખાતે ચીની નૌકાસેનાનો બેઝ નજરે પડી રહ્યો છે જેમાં ૪૦ કેમ્પ છે. સેટેલાઇટ ઇમેજમાં ૪૦ પ્રીફેબ્રિકેટેડ કેમ્પ અને ૧૫ ટેન્ટ જોઈ શકાય છે. તે ઉપરાંત ૪ વધારાના ટેન્ટ બોટ ક્રૂ માટે તૈયાર કરાયાં છે. પ્રીફેબ્રિકેટેડ કેમ્પ પરથી સંકેત મળે છે કે ચીની સેનાએ કાતિલ શિયાળાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટેન્ટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ભારત ખાતેના ચીની રાજદૂત સૂન વેઇડોંગે જણાવ્યું હતું કે, ચીની સેના પેંગોંગ લેકમાં અમારી સેના અમારા વિસ્તારમાં જ છે. ચીને પેંગોંગ લેકમાં કોઈ વધારાના વિસ્તાર પર દાવો કર્યો નથી. ચીન આશા રાખે છે કે ભારતીય સેના મહત્ત્વની દ્વિપક્ષીય સમજૂતીઓ અને પ્રોટોકોલનું પાલન કરશે અને ગેરકાયદેસર રીતે એલએસી પર ચીની વિસ્તારમાં પ્રવેશ નહીં કરે.

ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે, અમારા J-20 વિમાનો સામે ભારતના રાફેલ ટકી શકે તેમ નથી. રાફેલ કરતાં ચીનના J-20 ફાઇટર જેટ અનેકગણા સારા છે. ત્રીજી પેઢીનું યુદ્ઘવિમાન રાફેલ ચીનના ચોથી પેઢીના ફાઇટર જેટ J-20 સામે કયાંય ટકી શકે તેમ નથી. રાફેલ સુખોઇ-૩૦ કરતાં સારા વિમાન છે પરંતુ ભારતીય એરફોર્સમાં સુખોઇ-૩૦ મોટી સંખ્યામાં છે.

(11:44 am IST)