Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા, રાજ્યસભાના સાંસદ અને ઘૂરંધર રાજકારણી અમરસિંહનું સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું : છેલ્લા 6 મહિનાથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા

નવી દિલ્હી, તા.૧ : દેશના ચર્ચાસ્પદ મહાનુભવ અને રાજ્યસભાના સાંસદ અમરસિંહનું ૬૪ વર્ષની વયે અવસાન થયું છે. અમરસિંહ છેલ્લા કેટલાક વર્ષોથી સિંગાપુરની એક હોસ્પિટલમાં દાખલ હતા. તેમની કિડની ટ્રાન્સપ્લાટન્ટ કરાઈ હતી. સમાજવાદી પાર્ટીના કદાવર નેતા રહેલા અમરસિંહ છેલ્લા છ મહિનાથી સિંગાપુરમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. અમરસિંહ સમાજવાદી પાર્ટીના વડા રહેલા મુલાયમસિંહ યાદવના અંગત વિશ્વાસુઓમાં સામેલ હતા. એ વર્તમાનમાં ઉત્તરપ્રદેશથી રાજ્યસભાના સાંસદ હતા, તેમને ૨૦૧૬માં સંસદના ઉપલાગૃહ માટે પસંદ કરવામાં આવ્યા હતા. તેમની રાજકીય સફરની શરુઆત ૧૯૯૬માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાવા સાથે શરુ થઈ હતી.

            કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શોક વ્યક્ત કરતાં કહ્યું કે,'વરિષ્ઠ નેતા અને સાંસદ શ્રી અમરસિંહના અવસાનના સમાચારથી દુખની અનુભૂતિ થઈ છે. જાહેર જીવન  દરમિયાન તેમની તમામ પક્ષોમાં મિત્રતા હતી. સ્વભાવથી વિનોદી અને હંમેશા ઉર્જાવાન રહેનાર અમરસિંહજીને ઇશ્વર પોતાના ચરણોમાં સ્થાન આપે. તેમના શોકાતુર પરિવાર પ્રત્યે મારે સંવેદના. અહીયા એ પણ નોંધવું રહ્યું કે માર્ચમાં તેમના અવસાનની અફવા ઉડી હતી, જે અંગે તેમણે જવાબ આપતો વીડિયો પ્રગટ કર્યો હતો કે ટાઈગર અભી જિંદા હૈ. વીડિયો પ્રગટ કરતા પોતાના ખાસ અંદાજમાં અમરસિંહ કહ્યું હતું કે સિંગાપુરથી અમરસિંહ બોલી રહ્યો છું. હું બિમાર છું, ત્રસ્ત છું, પરંતુ ડર્યો નથી. કહેવાય છે કે વર્ષ ૧૯૯૬માં ફ્લાઈટ દરમિયાન અમરસિંહની તત્કાલીન સંરક્ષણમંત્રી મુલાયમ સિંહ સાથે મુલાકાત થઈ હતી,ત્યારબાદ તેઓ રાજનીતિમાં આવ્યા. જોકે, એ પહેલાં પણ અમરસિંહ મુલાયમસિંહને મળી ચૂક્યા હતા. પરંતુ ફલાઈટની મુલાકાત બાદ મુલાયમસિંહ તેમને પાર્ટીના મહાસચિવ બનાવવાનો નિર્ણય લીધો હતો.

            જોકે, સમાજવાદી પાર્ટીમાં પારીવારિક વિવાદને પગલે અમરસિંહની કાઢી મૂકવામાં આવ્યા હતા. અમરસિંહ અંગે કહેવાય છે કે એ રાજનીતિ,ફિલ્મ અને બિઝનેસનું કોકટેલ છે. સમાજવાદી પાર્ટીમાં રહેતા તેમણે આ બાબત સાબિત કરી હતી. જયા બચ્ચનને રાજનીતિમાં લાવવાનું કામ અમરસિંહ કર્યું અને અમિતાભ બચ્ચનના મુશ્કેલ સમયે અમરસિંહે ખૂબ મદદ કરી હતી, તે અમિતાભ બચ્ચનના ખાસ મિત્ર હતા.

(9:30 pm IST)