Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પંજાબમાં નકલી દારૂથી કુલ મૃત્યુઆંક ૮૦ થયો

મામલામાં બે વ્યક્તિની ધરપકડ કરાઈ : આપ પાર્ટીએ મુખ્યમંત્રી અમરિંદરસિંહનું રાજીનામું માંગ્યું

ચંદીગઢ, તા.૧ : પંજાબમાં નકલી દારૂ પીવાથી મરનાર લોકોની સંખ્યા વધીને ૮૦ થઈ ગઈ છે. પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, તરણાતારણ અને બટાલામાં નકલી દારૂ પીવાથી આ લોકોના મોત થયા છે. પંજાબના પોલીસના કહેવા અનુસાર નકલી દારૂ વેચનાની ઘટનામાં અમૃતસારથી વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબ પોલીસે જણાવ્યું છે કે નકલી દારૂના મોતના પ્રથમ પાંચ મામલા ૨૯ જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામથી સામે આવ્યા હતા. ત્યારબાદ સતત મરનાર લોકોની સંખ્યા વધી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજીસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. જાણકારી અનુસાર, નકલી દારૂ પીવાથી સૌથી મોત તરણતારણમાં થયા છે.

           અહીંયા મરનાર લોકોની સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે. કહેવાય છે કે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વધુ મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે કેટલાય પીડિતોના પરિવારો પોતાના નિવેદન નોંધાવવા આગળ આવી રહ્યા નથી, પરંતુ તેમને આવું કરવા મનાવી લેવાયા છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે મોટાભાગના પરિવારો આ મામલે ફરિયાદ નોંધાવવા કે નિવેદન આપવા આગળ આવી રહ્યા નથી અને કાર્યવાહીથી બચી રહ્યા છે. નકલી દારૂ પીવાથી જે લોકોના મોત થયા છે, એ પૈકીના કેટલાકના તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ થયા નથી. આ દરમિયાન ગુરૂદાસપુરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ ઇશ્કાફે કહ્યું કે કેટલાક પરિવારો આ વાત માનવાથી ઈનકાર કરી દીધો છે કે તેમના પરિવારના સભ્યોના મોત દારૂ પીવાથી થયા છે.

           બીજી તરફ, પંજાબની મુખ્ય વિપક્ષી પાર્ટી આમ આદમી પાર્ટીએ નકલી દારૂની ઘટનામાં ૮૦ લોકોના મોત થવા મામલા રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહનું રાજીનામું માંગી લીધુ છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે મેજીસ્ટ્રેટી તપાસથી કામ ચાલશે નહીં. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અમન અરોડાએ કહ્યું કે પાર્ટી મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરે છે. આમ આદમી પાર્ટીના સાથે સાથે શિરોમણી અકાલી દળે પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વર્તમાન જજની તરફથી ન્યાયિક તપાસની માંગ કરી છે. નકલી દારૂના વેચાણ મામલે કેટલાક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

(9:36 pm IST)