Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

મુંબઈમાં જુલાઈમાં ઘરોનું થયુ રેકોર્ડ બ્રેક ખરીદ-વેચાણ :છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : 7,856 મકાનો વેચાયા

સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિની મુદ્દત પુરી થયા બાદ પણ ગૃહનિર્માણના ઉદ્યોગમાં હજુ પણ તેજી

મુંબઈલ મુંબઈના અન્ય ધંધામાં કોરોનાની અસર પડી છે  પરંતુ કોરોના ઘર ખરીદનારાઓ માટે સારા દિવસો લાવ્યો છે. જુલાઈ મહિનામાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આ મહિનામાં લગભગ 7,856 મકાનો વેચાયા છે. મુંબઈમાં કોરોનાના નિયંત્રણ માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોને અમુક અંશે હળવા કરવામાં આવ્યા છે.

આની અસર વિવિધ વ્યવસાયો પર પડી છે. બાંધકામ ઉદ્યોગને વેગ આપવા માટે રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ લાગુ કરી હતી. તેનો ફાયદો પણ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ મકાનો ખરીદ્યા અને વેચ્યા હતા. સરકાર દ્વારા અપાયેલી સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિની મુદ્દત પુરી થયા બાદ પણ મુંબઈના આ ગૃહનિર્માણના ઉદ્યોગમાં હજુ પણ એવી જ તેજી છે. રાજ્યના સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન વિભાગના આંકડાઓથી નવા હાઉસિંગ પ્રોજેક્ટમાં તેજીની સાથે-સાથે ઘરના વેચાણ અને ખરીદીમાં પણ તેજી સ્પષ્ટ જોવા મળે છે.

 

29 જુલાઈ 2021 સુધીમાં 8,939 મકાનોની ખરીદી માટે નોંધણી કરાઈ હતી. જે છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ સૌથી વધારે છે. છેલ્લા કેટલાક વર્ષોનો રેકોર્ડ જોઈએ તો જુલાઈ 2020માં 2,662, જુલાઈ 2019માં 5,748, જુલાઈ 2018માં 6,437, જુલાઈ 2017માં 6,095, જુલાઈ 2016માં 5,725, જુલાઈ 2015માં 5,832, જુલાઈ 2014માં 5,253 , 2013માં 5,139, જુલાઈ 2012માં 7,367 મકાનો નોંધાયા હતા.

(12:00 am IST)