Gujarati News

Gujarati News

News of Sunday, 1st August 2021

અફઘાનિસ્તાનના સૈન્યની કાર્યવાહી :એર સ્ટ્રાઈકમાં ૨૧ આતંકીના મોતઃ ચાર માસમાં ૨૪ હજાર તાલિબાની હણાયા

જવજ્જાન, મુર્ગબ, હસંતાબિન જેવા સ્થળોએ હવાઈ હુમલા કરાયા: છેલ્લાં બે જ દિવસમાં ૧૨૫ કરતાં વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવાયો

કાબુલ : અફઘાનિસ્તાનના સૈન્યએ ઉત્તરી પ્રાંતોમાં તાલિબાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારોમાં થયેલી એર સ્ટ્રાઈકમાં ૨૧ આતંકવાદીઓ ઠાર થયા હતા. અફઘાનિસ્તાનની સરકારે જાહેર કરેલાં આંકડાં પ્રમાણે છેલ્લાં ચાર માસમાં ૨૪ હજાર તાલિબાની આતંકીઓનો ખાતમો બોલ્યો છે.

અફઘાનિસ્તાન સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે ઉત્તરી પ્રાંતોમાં તાલિબાની આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. જવજ્જાન, મુર્ગબ, હસંતાબિન જેવા સ્થળોએ હવાઈ હુમલા કરાયા હતા, જેમાં ૨૧ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા હતા. ૧૦ આતંકવાદીઓ ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન સૈન્યના દાવા પ્રમાણે છેલ્લાં બે જ દિવસમાં ૧૨૫ કરતાં વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવાયો છે અને ૧૦૦ જેટલાં ગંભીર રીતે ઘાયલ થયા છે.

દરમિયાન અફઘાનિસ્તાન સરકારના વાયોલન્સ મોનિટરિંગ વિભાગના કહેવા પ્રમાણે છેલ્લાં ચાર જ માસમાં ૨૪ હજાર તાલિબાની આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવાયો છે. અફઘાનિસ્તાન સૈન્ય અને અમેરિકન સૈન્યની એર સ્ટ્રાઈકમાં અંદાજે ૨૪થી ૨૫ હજાર તાલિબાની માર્યા ગયા છે. સામે એપ્રિલથી જુલાઈ દરમિયાન તાલિબાને પણ અફઘાનિસ્તાનમાં નાના-મોટાં ૨૨ હજાર હુમલા કર્યા હતા, જેમાં પાંચ હજાર અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.
અફઘાનિસ્તાન સરકારના અધિકારી સૈયદ અબ્દુલ્લા હાશમીએ કહ્યું હતું કે દેશમાં તાલિબાની આતંકવાદીઓમાં ૧૦ હજાર વિદેશી હતા. તેનો ઈશારો પાકિસ્તાન તરફ હતો. અફઘાનિસ્તાનના ઉપપ્રમુખે તાલિબાનને સંબોધીને કહ્યું હતું કે તાલિબાને અફઘાનિસ્તાનમાં આતંક મચાવવાનું બંધ કરીને શસ્ત્રવિરામ કરવો જોઈએ. જો તાલિબાન એવું કરશે તો તેની કેદીઓ મુક્ત કરવાના પ્રસ્તાવ બાબતે બંધારણીય ધોરણે ચર્ચા કરાશે.

(12:10 am IST)