Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સોનાના ઉંચા ભાવની અસર : ગોલ્‍ડ રિસાઇક્‍લિંગમાં ૭૫ ટકાનો વધારો

લોકો સોનું વેચીને કેશ મેળવે છે અને તેની સામે નવા સોનાની ખરીદી ઘટે છે : અમદાવાદમાં રોજના ૭૦ કિલોથી વધારે સોનાને રિસાઇકલ કરવામાં આવે છેઃ ૨૦૧૯-૨૦માં રોજના ૪૦ કિલો સોનુ રિસાઇકલ થતુ હતુ

નવી દિલ્‍હી,તા.૧ : સોનાની આયાત ઘટાડવા માટે સરકારે ઇમ્‍પોર્ટ ડ્‍યૂટીમાં તગડો વધારો કર્યો છે, જેના કારણે લોકો સોનાના રિસાઈક્‍લિંગ તરફ વળ્‍યા છે. અમદાવાદમાં ગોલ્‍ડ રિફાઈનર્સ અને જવેલર્સના અંદાજ પ્રમાણે એકલા અમદાવાદમાં રોજના ૭૦ કિલોથી વધારે સોનાને રિસાઈકલ કરવામાં આવે છે. ૨૦૧૯-૨૦માં રોજના ૪૦ કિલો સોનું રિસાઈકલ થતું હતું. એટલે કે બે વર્ષની અંદર તેમાં ૭૫ ટકા ટકા જેટલો વધારો થયો છે.

ઈન્‍ડિયા બુલિયન એન્‍ડ જવેલર્સ એસોસિયેશન (IBJA)ના ડિરેક્‍ટર હરેશ આચાર્યએ જણાવ્‍યું કે, ‘સોનાના ભાવમાં જયારે ભારે વધારો થાય ત્‍યારે તેમાં રિસાઈક્‍લિંગ થતું હોય છે. લોકો સોનું વેચીને કેશ મેળવે છે અને તેની સામે નવા સોનાની ખરીદી ઘટે છે. કારણ કે લોકો જૂના સોનાની સામે ખરીદી કરે છે. કોવિડના કારણે ઘણા લોકોએ પોતાની જોબ ગુમાવી હતી અને તેમની આવકના ્વોત બંધ થઈ ગયા હતા. તેવામાં ઘણા લોકોએ ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાનું સોનું વેચવાનો વારો આવ્‍યો હતો. સોનાના ભાવ રૂ. ૫૦,૦૦૦ની ઉપર ચાલતા હતા અને તેના કારણે લોકોને સારું વળતર મળ્‍યું હતું.'

વર્લ્‍ડ ગોલ્‍ડ કાઉન્‍સિલ (WGC)ના અંદાજ પ્રમાણે ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગોલ્‍ડ રિસાઈક્‍લિંગમાં વધારો થયો છે અને ભારત અત્‍યારે ચોથા ક્રમે સૌથી વધારે સોનાને રિસાઈકલ કરતો દેશ છે. અમદાવાદ સ્‍થિત જવેલર્સે ઈન્‍ટરનલ ગોલ્‍ડના રિસાઈક્‍લિંગનું પ્રમાણ વધારી દીધું છે. એટલે કે તેઓ સોના પર નવી ડિઝાઈન ચઢાવતા નથી જેથી તેમને સોનું ખરીદવું પડતું નથી.

અમદાવાદમાં ગોલ્‍ડ રિફાઈનરી ધરાવતા નિશાંત સોની જણાવે છે કે, કોવિડ પછી સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. મોટી સંખ્‍યામાં લોકો નવી જવેલરી ખરીદવા માટે જૂના ઘરેણાને એક્‍સચેન્‍જ કરે છે. તેના કારણે રિસાઈક્‍લિંગમાં વધારો થયો છે. અમદાવાદમાં રોજના ૬૦થી ૭૦ કિલો જવેલરીને રિસાઈકલ કરવામાં આવે છે. જવેલર્સ પણ તહેવારોની અને લગ્નની સિઝન માટે નવા ઘરેણા બનાવવા ૪૦ ટકા જવેલરીને રિસાઈકલ કરે છે. શનિવારે અમદાવાદમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ. ૫૩,૫૦૦ હતો.

જવેલર્સ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ રોહિત ચોક્‍સીએ જણાવ્‍યું કે હાલમાં ગ્રાહકો દ્વારા ૨૫ ટકા ગોલ્‍ડ રિસાઈકલ કરાવવામાં આવે છે. અગાઉ આ પ્રમાણ ૧૦ ટકા હતું.

(5:15 pm IST)