Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

વેઈટલીફટીંગમાં ભારતનો દબદબોઃ અચિંત શેઉલીએ જીત્યો ગોલ્ડ

પશ્ચિમ બંગાળના ૨૦ વર્ષના યુવા વેઈટલિફટરે ૩૧૩ કિલો વજન ઉપાડી રેકોર્ડ સર્જયોઃ ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ સહિત કુલ ૬ મેડલો : તમામ મેડલ વેઈટલિફટર્સોએ અપાવ્યા, માત્ર એક ઈવેન્ટમાં આપણા હાથ ખાલી રહ્યા

નવી દિલ્હીઃ ભારતીય વેઈટલિફ્ટર્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. બે દિવસમાં પાંચ મેડલ જીતી ચૂકેલા વેઈટલિફ્ટર્સે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. આ વખતે પુરૂષોની ૭૩ કિગ્રામાં ભારતના અચિંત શુલેઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પશ્ચિમ બંગાળના આ ઉભરતા ૨૦ વર્ષીય વેઈટલિફ્ટર અચિંત  શેઉલી તેની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં ૩૧૩ કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં ભારત માટે ત્રીજો ગોલ્ડ પણ જીત્યો. આ રીતે તેણે ભારતના સફળ વેઈટલિફ્ટિંગ અભિયાનમાં યોગદાન આપ્યું.
એનઈસી એરેના ખાતે વેઈટલિફ્ટિંગ ઈવેન્ટ્સમાં શનિ- રવિ ભારત માટે સારો રહ્યો અને દેશના ખાતામાં બે ગોલ્ડ આવ્યા. દિવસની જેરેમી લાલરિનુંગા અને અચિંતે ગોલ્ડ જીત્યો હતો. ભારતીય સૈન્યના જવાન અચિંત સ્નેચથી કલીન એન્ડ જર્ક સુધીના ૬ પ્રયાસોમાં માત્ર એક જ વાર ચૂકી ગયા હતો. પરંતુ તેનાથી તેમના મનોબળને અસર થઈ નહીં અને પછી પરિણામ પણ તેમના અને દેશને અનુરૂપ હતું.
૨૦૧૯ અને ૨૦૨૧માં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બે વખત ગોલ્ડ જીતનાર અચિંત  શેઉલીએ ગેમ્સમાં પણ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. અચિંતે ૧૩૭ કિગ્રા વજન સાથે સ્નેચમાં સફળ પદાર્પણ કર્યું અને પછી ત્રીજા પ્રયાસમાં તેને વધારીને ૧૪૩ કિગ્રા કરી દીધું. જે ગેમ્સ માટે નવો રેકોર્ડ પણ બન્યો. આ રીતે તે સ્નેચ સ્ટેજ બાદ જ નંબર વન પર આવી ગયો હતો. અચિંતનું પરાક્રમ કલીન અને જર્કમાં પણ ચાલુ રહ્યું અને તેના પ્રથમ પ્રયાસમાં તેણે ટોચ પર તેની લીડને વધુ મજબૂત કરવા માટે ૧૬૬ કિલો વજન ઉપાડ્યું. પછી તેને કોઈ હરાવી શક્યું નહીં.
જોકે તે બીજા પ્રયાસમાં ૧૭૦ કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેણે તેની અસર પોતાના પર પડવા ન દીધી અને છેલ્લા પ્રયાસમાં તેને સફળતાપૂર્વક ઉપાડ્યો અને કુલ ૩૧૩ કિલો વજન સાથે ગોલ્ડ જીત્યો. આ પણ ૩૧૩ કિલોની રમતનો નવો રેકોર્ડ છે.
ભારતે શનિવારે  એક જ દિવસમાં ચાર મેડલ જીત્યા હતા. જેમાં સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ તમામ અપેક્ષાઓ પર ખરા ઉતરતા દેશ માટે ગેમ્સનો પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. તેમના સિવાય બિંદિયારાની દેવીએ સિલ્વર જ્યારે ગુરૂરાજા પૂજારીએ બ્રોન્ઝ જીત્યો હતો.

 

 

(10:59 am IST)