Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૩૬ રૂપિયાનો ઘટાડો

કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમત ૧૯૭૬ રૂા. થઇ : અત્‍યારે તેની કિંમત ૨૦૧૨.૫૦ રૂા. હતી : ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્‍યો નથી : દિલ્‍હીમાં ઘરેલુ ગેસ ૧,૦૫૩ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર

નવી દિલ્‍હી તા. ૧ : કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્‍ડરની કિંમતમાં આજે ૩૬ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. આ ઘટાડા બાદ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમત પ્રતિ સિલિન્‍ડર ૧૯૭૬ રૂપિયા થઈ ગઈ છે. અત્‍યારે તેની કિંમત ૨૦૧૨.૫૦ રૂપિયા હતી. હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. કિંમતોમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્‍ડર માટે છે.

અગાઉ ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ૮.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો. ગયા મહિનાની શરૂઆતમાં જ તેની કિંમતોમાં મોટો ઘટાડો થયો હતો. જેથી આ સિલિન્‍ડર સસ્‍તું થયું. તે પહેલા કોમર્શિયલ સિલિન્‍ડરની કિંમતમાં ૧૯૮ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો હતો, ત્‍યારબાદ દિલ્‍હીમાં તેની કિંમત ૨૦૨૧ રૂપિયા કરવામાં આવી હતી.

ગયા મહિને જુલાઈમાં ઘરેલુ ગેસ સિલિન્‍ડરના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ ૧૪.૨ કિલોના ઘરેલુ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કર્યો હતો. તે સમયે પેટ્રોલિયમ કંપનીઓના જણાવ્‍યા અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હીમાં ઘરેલુ ગેસ સિલિન્‍ડર (LPG)નો દર હવે ૫૦ રૂપિયા વધીને ૧,૦૫૩ રૂપિયા પ્રતિ સિલિન્‍ડર થઈ ગયો છે.

આ પહેલા દિલ્‍હીમાં ૧૪.૨ કિલોના ઘરેલુ ગેસ સિલિન્‍ડરની કિંમત ૧,૦૦૩ રૂપિયા હતી. દિલ્‍હીમાં છેલ્લા એક વર્ષમાં LPG સિલિન્‍ડરની કિંમતમાં લગભગ ૨૧૫ રૂપિયાનો વધારો થયો છે. તેની કિંમત રૂ. ૮૩૪.૫૦ વધીને રૂ. ૧,૦૦૩ થઈ હતી, જે હવે રૂ. ૫૦ વધી ગઈ છે.

પેટ્રોલિયમ કંપનીઓ દર મહિને નવી રેટ લિસ્‍ટ બહાર પાડે છે. આવી સ્‍થિતિમાં ૧ ઓગસ્‍ટથી ગેસ સિલિન્‍ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ વખતે કંપનીઓએ ઘરેલુ સિલિન્‍ડરના ભાવ સ્‍થિર રાખ્‍યા છે અને કોમર્શિયલ સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ગત વખતે પણ કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર સસ્‍તું થયું હતું જયારે ઘરેલું ગેસ સિલિન્‍ડરમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો હતો.

(11:20 am IST)