Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પ્રેત કલ્‍યાણમ - કર્ણાટકની મૃત્‍યુ પછી લગ્નની અનોખી પરંપરા

શોભા અને ચાંદપ્‍પાનાં લગ્ન તેમના મૃત્‍યુનાં ૩૦ વર્ષ બાદ થઈ રહ્યાં છે : આ સમાજનું માનવું છે કે આ પ્રથા દ્વારા તેઓ મરનારના આત્‍માનું સન્‍માન કરી રહ્યા છે

બેંગ્‍લોર તા. ૧ : કર્ણાટક અને કેરલાના કેટલાક વિસ્‍તારોમાં એક પરંપરા છે પ્રેત કલ્‍યાણમ, એટલે મરનારનાં લગ્ન. આ પરંપરામાં જે બાળકોનું જન્‍મ વખતે એટલે કે માતાની પ્રસૂતિ દરમ્‍યાન મૃત્‍યુ થયું હોય તેનાં લગ્ન કરાવવામાં આવે છે.

યુટ્‍યુબર એની અરૂણે ટ્‍વિટર પર કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં ગુરૂવારે શોભા અને ચાંદપ્‍પાનાં લગ્નની વિગતો શેર કરી છે. શોભા અને ચાંદપ્‍પાનાં લગ્ન તેમના મૃત્‍યુનાં ૩૦ વર્ષ બાદ થઈ રહ્યાં છે. આ સમાજનું માનવું છે કે આ પ્રથા દ્વારા તેઓ મરનારના આત્‍માનું સન્‍માન કરી રહ્યા છે.

 એની અરૂણે લગભગ ૩૦ જેટલી શ્રેણીબદ્ધ ટ્‍વીટ કરીને આ લગ્નની વિગતો શેર કરી છે. લગ્નની બધી વિધિ સામાન્‍ય લગ્ન જેવી જ હોય છે, માત્ર વર-કન્‍યાના સ્‍થાને તેમનાં પૂતળાં બેસાડવામાં આવે છે.

અહીં આ પરંપરાને ઘણી ગંભીરતાથી લેવામાં આવે છે. જન્‍મ સમયે મૃત્‍યુ પામેલા એક બાળકનું લગ્ન અન્‍ય એવા જ એક બાળક સાથે કરવામાં આવે છે, જેનું મૃત્‍યુ પણ જન્‍મ સમયે જ થયું હોય. લગ્નની તમામ વિધિઓનું પાલન કરવામાં આવે છે. બન્ને પરિવાર એકબીજાના ઘરે જઈને સંબંધ પાકો કરે છે. લગ્નની વિધિમાં વરઘોડા અને સપ્તપદી પણ સામેલ હોય છે. માત્ર લગ્નવિધિ જ નહીં, ફિશ ફ્રાય, ચિકન સૂકા, કડલે બલ્‍યાર, ઇડલી સાથે મટન ગ્રેવીનો જમણવાર પણ થાય છે.

(11:36 am IST)