Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

૬ વર્ષની બાળકીના 'મનની વાત', મારા પેન્સિલ-રબર, મેગી આટલા મોંઘા કેમ? ભ્પ્ને કરી ફરીયાદ

માસૂમ બાળકીએ પીએમ મોદીને પત્ર લખીને ફરિયાદ કરી પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે લખ્યુ છે કે 'મોદીજી તમે ખુબ મોંઘવારી કરી નાખી છે'

નવી દિલ્હી, તા.૧: મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે. ખાવા પીવાની વસ્તુઓથી માડીને ભણવાની સાધન સામગ્રી, કપડાં સહિત અનેક જીવન ઉપયોગી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેની અસર લોકોના ખિસ્સા પર પડી છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશની ૬ વર્ષની બાળકીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં બાળકીએ પેન્સિલ, રબર, મેગી જેવી વસ્તુઓના ભાવ વધવાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ બાળકીએ આ સામાનથી વધેલા ભાવના કારણે થઈ રહેલી પરેશાનીઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

યુપીના કન્નૌજ જિલ્લાના છિબરામઉ કસ્બાની બાળકી કૃતિ દુબેએ મોંઘવારીના કારણે થઈ રહેલી સમસ્યાઓ અંગે પીએમ મોદીને એક પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે આ ૬ વર્ષની બાળકી હજુ તો પહેલા ધોરણમાં ભણે છે. હાલમાં જ પુસ્તકો, નોટ, રબર અને પેન્સિલ મોંઘા થયા છે તેનાથી પરેશાન થઈને કૃતિએ પીએમ મોદીને પત્ર લખીને પોતાના મનની વાત કરી અને મમ્મીના ગુસ્સા વિશે પણ જણાવ્યું. કૃતિના પપ્પા એક વકીલ છે જે પુત્રીની લખેલી ચાર લાઈનના કારણએ હાલ તો આખા યુપીમાં મશહૂર થઈ ગયા છે.

પીએમ મોદીને લખેલા પત્રમાં બાળકીએ જણાવ્યું છે કે 'મારું નામ કૃતિ દુબે છે. હું પહેલા ધોરણમાં ભણું છું. મોદીજી તમે ખુબ મોંઘવારી કરી નાખી છે. એટલે સુધી કે પેન્સિલ, રબર, સુદ્ધા મોંઘા કરી નાખ્યા છે અને મારી મેગીના ભાવ પણ વધારી નાખ્યા છે. હવે મારી માતા પેન્સિલ માંગુ તો મારે છે. હું શું કરું? બીજા બાળકો મારી પેન્સિલ ચોરી લે છે.' આ પત્ર પરિવારે પોસ્ટ કરી નાખ્યો. વાત બહાર આવતા પત્ર વાયરલ થઈ ગયો.

બાળકીના પિતા વિશાલ દુબે વ્યવસાયે વકીલ છે. બાળકી દ્વારા પીએમ મોદીને પત્ર લખાયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આ મારી પુત્રીની મનની વાત છે. હાલમાં જ જ્યારે તેની માતાએ તેને શાળામાં પેન્સિલ ગૂમ થઈ જવાની વાત પર ગુસ્સો કર્યો તો તે વખતે બાળકી નારાજ થઈ ગઈ.

આ પત્ર પર નિવેદન આપતા ઉન્નાવ જિલ્લાના છિબરાઉ તહસીલના એસડીએમએ કહ્યું કે તેમને બાળકીના આ પત્ર વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખબર પડી. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું કોઈ પણ રીતે બાળકીની મદદ કરવા તૈયાર છું અને એ સુનિશ્ચિત કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ કે તેનો પત્ર સંબંધિત અધિકારીઓ સુધી પહોંચે.(

(3:14 pm IST)