Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મોંઘવારીમાં પ્રજાના ગજવા ખાલીઃ GSTમાં સરકારની તિજોરી છલકાઇ

જુલાઇનું જીએસટી કલેકશન ૧.૪૯ લાખ કરોડ : રેકોર્ડ સર્જાયો : સતત ચોથા મહિને કલેકશન ૧.૪૦ લાખ કરોડથી ઉપર : ગ્રોસ આવક (જુલાઇ) ૧,૪૮,૯૯૫ કરોડ : ગત વર્ષના મુકાબલે ૨૮ ટકા વધારો

નવી દિલ્‍હી તા. ૧ : GST કલેક્‍શનને લઈને ફરી એકવાર સારા સમાચાર આવ્‍યા છે. સતત પાંચમા મહિને જીએસટી કલેક્‍શન રૂ. ૧.૪૦ લાખ કરોડથી વધુ રહ્યું છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર જુલાઈ મહિનામાં જીએસટી કલેક્‍શન રૂ. ૧,૪૮,૯૯૫ કરોડ હતું. ગયા વર્ષના જુલાઈની સરખામણીએ આ વખતે કલેક્‍શન ૨૮% વધુ છે. આપને જણાવી દઈએ કે, સરકારી ડેટા અનુસાર, ગયા વર્ષે આ મહિનામાં GST કલેક્‍શન ૧,૧૬,૩૯૩ કરોડ રૂપિયા હતું.
જુલાઈનું જીએસટી કલેક્‍શન એપ્રિલ પછી સૌથી વધુ છે. આ વર્ષે એપ્રિલમાં સરકારે GST કલેક્‍શન દ્વારા ૧.૬૮ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. પહેલીવાર GST કલેક્‍શન ૧.૫૦ લાખ કરોડ રૂપિયા હતું.
જુલાઈના GST કલેક્‍શનમાં CGST રૂ. ૨૫,૭૫૧ કરોડ, SGST રૂ. ૩૨,૮૦૭ કરોડ અને IGST રૂ. ૭૯,૫૧૮ કરોડ હતો. જયારે સેસ ૧૦,૯૨૦ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્‍યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે, સતત પાંચમા મહિને જીએસટી કલેક્‍શન ૧.૪૦ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે. GST કાઉન્‍સિલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની અસર સ્‍પષ્ટ દેખાઈ રહી છે. દર મહિને જીએસટી કલેક્‍શનમાં સતત વધારો થઈ રહ્યો છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન માલની આયાતથી થતી આવકમાં ૪૮ ટકાનો વધારો થયો છે. સ્‍થાનિક વ્‍યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) આવક પાછલા વર્ષના સમાન મહિના કરતાં ૨૨ ટકા વધુ હતી.

એપ્રિલ ૨૦૨૨    રૂ. ૧,૬૭,૫૪૦ કરોડ
જુલાઈ ૨૦૨૨    રૂ. ૧,૪૮,૯૯૫ કરોડ
માર્ચ ૨૦૨૨    રૂ. ૧,૪૨,૦૯૫ કરોડ
જાન્‍યુઆરી ૨૦૨૨    રૂ. ૧,૪૦,૯૮૬ કરોડ
મે ૨૦૨૨    રૂ. ૧,૪૦,૮૮૫ કરોડ

 

(3:24 pm IST)