Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રોજ સવારે ૮ વાગે જે સાયરન વાગે છે તે બંધ થઈ ગયુ

શિંદેએ સંજય રાઉતની ધરપકડ પર કટાક્ષ કર્યો

મુંબઇ, તા.૧: મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદેએ સંજય રાઉતની ધરપકડ પર કટાક્ષ કર્યો છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે દરરોજ સવારે ૮ વાગ્‍યે વાગતી સાયરન બંધ થઈ ગઈ છે. જણાવી દઈએ કે, સંજય રાઉતની પાત્રા ચાલ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે કેટલાક કલાકો સુધી ચાલેલી પૂછપરછ બાદ EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી હતી. પત્રચાલ કૌભાંડના મની લોન્‍ડરિંગ કેસમાં રવિવારે સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી હતી. EDએ આરોપ લગાવ્‍યો હતો કે સંજય રાઉત તપાસમાં સહકાર નથી આપી રહ્યા. જે બાદ EDની ટીમ રવિવારે તેના ઘરે પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે, રવિવારે જ્‍યારે ચ્‍ઝ સંજય રાઉતની પૂછપરછ કરી રહી હતી ત્‍યારે પણ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદેએ સંજય રાઉત પર નિશાન સાધ્‍યું હતું. સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે જો શિવસેનાના નેતા સંજય રાઉત નિર્દોષ છે તો તેમણે તેમની સામે EDની કાર્યવાહીથી ડરવું જોઈએ નહીં.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે સંજય રાઉતે કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. જો એમ હોય તો તમે તપાસથી શા માટે ડરો છો? થવા દો. જો તમે નિર્દોષ છો તો તમને ડર શેનો ? જણાવી દઈએ કે મની લોન્‍ડરિંગના એક મામલામાં EDએ રવિવારે મુંબઈમાં સંજય રાઉતના ઘરની સર્ચ કરી હતી.

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્‍ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા નેતાઓએ પણ કહ્યું કે જો સંજય રાઉતે કંઈ ખોટું કર્યું નથી, તો તેમને ડરવાની જરૂર નથી. પૂર્વ મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, રાઉત બિનજરૂરી રીતે સ્‍વર્ગસ્‍થ બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી રહ્યા છે અને શિવસેનાના કાર્યકરોને કેન્‍દ્ર સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યા છે. જો તેઓએ કંઈ ખોટું કર્યું નથી, તો તેમને ડરવાની જરૂર નથી.

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ કહ્યું કે સંજય રાઉત હજુ તપાસ હેઠળ છે અને તેમની સામે આરોપો ઘડવામાં આવ્‍યા નથી. જો તે દોષિત સાબિત થશે તો તેને કાર્યવાહીનો સામનો કરવો પડશે.

(3:29 pm IST)