Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ભારતીય મહિલા ટીમે ઇતિહાસ રચ્યો :લૉન બૉલ્સ સેમિ ફાઇનલમાં જીત: હવે ગોલ્ડ માટે થશે મુકાબલો

વિમેન્સ ફોરની સેમી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવ્યું

કોમનવેલ્થ ગેમ્સ 2022 બર્મિંગમમાં યોજાઈ રહી છે. તેના ચોથા દિવસે ભારતીય મહિલા ટીમે લૉન બોલમાં ઈતિહાસ રચ્યો હતો. વિમેન્સ ફોરની સેમી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 16-13થી હરાવ્યું હતું. આ મેચમાં ભારત તરફથી લવલી ચૌબે, પિંકી, નયનમોની અને રૂપા રાની રમી રહ્યા હતા અને તમામે સારું પ્રદર્શન કરીને ભારતને જીત અપાવી હતી.

લૉન બૉલ્સની વિમેન્સ ફોરની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ મેડલ નિશ્ચિત કરી લીધો છે. પરંતુ હવે તે ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા કરશે. ભારતીય મહિલા ટીમે આ મેચ 16-13થી જીતી હતી. અગાઉ તે પાછળ ચાલતો હતો. પરંતુ તે પછી તેણે આગેવાની લીધી અને જીત મેળવી. ટીમ લીડ લવલીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેની સાથે પિંકી, નયનમોની અને રૂપા રાનીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.

 ભારત હાલમાં મેડલ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે. તેણે કુલ 6 મેડલ જીત્યા છે. ભારતે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. તેણે અત્યાર સુધીમાં 22 ગોલ્ડ, 14 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ઓસ્ટ્રેલિયાના કુલ મેડલની સંખ્યા 54 થઈ ગઈ છે. આ મામલામાં ઈંગ્લેન્ડ 35 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે ન્યુઝીલેન્ડ ત્રીજા સ્થાને છે.

(7:04 pm IST)