Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

દેશમાં ૩૮૪ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના ખર્ચમાં ૪.૬૬ લાખ કરોડનો વધારો

દેશમાં બાંધકામના રો-મટિરિયલની કિંમત વધી : આ એવા પ્રોજેક્ટ છે જેમનું મૂડીરોકાણ ૧૫૦ કરોડથી વધુ છે

નવી દિલ્હી, તા.૧ : વિવિધ માળખાંકીય પ્રોજેક્ટોની કામગીરીમાં વિલંબ અને બાંધકામના રો-મટિરિયલની કિંમત વધતા ૩૮૪ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કુલ ખર્ચમાં રૃ. ૪.૬૬ લાખ કરોડનો વધારો થયો છે. આ એવા પ્રોજેક્ટ છે જેમનું કુલ મૂડીરોકાણ રૃ. ૧૫૦ કરોડથી તેથી વધારે છે.

મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશનના આંકડાઓ મુજબ રૃ. ૧૫૦ કરોડ કે તેથી વધારે મૂડીખર્ચ ધરાવતા ૧૫૧૪ પ્રોજેક્ટનો મૂળભૂત મૂડીખર્ચ કુલ રૃ. ૨૧,૨૧,૪૭૧.૭૯કરોડ હતો અને તેનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ આંકડો રૃ. ૨૫,૮૭,૯૪૬.૧૩કરોડે પહોંચવાની અપેક્ષા છે, જે એકંદરે કુલ ખર્ચમાં ૨૧.૯૯ ટકા કે રૃ. ૪,૬૬,૪૭૪.૩૪કરોડનો વધારો દર્શાવે છે.

જૂન ૨૦૨૨ સુધીમાં આ પ્રોજેક્ટ્સ પાછળ કુલ રૃ. ૧૩,૩૦,૮૮૫.૨૧કરોડનો ખર્ચ કરાયો છે જે કુલ મૂડીખર્ચના અપેક્ષિત ૫૧.૪૩ ટકા છે. હાલ વિલંબિત ૭૧૩ જેટલા પ્રોજેક્ટમાંથી ૧૨૩ પ્રોજેક્ટની કામગીરી ૧થી ૧૨ મહિના જેટલી ધીમી ચાલી રહી છે, તો ૧૨૨ પ્રોજેક્ટમાં ૧૩થી ૨૪ મહિના અને ૩૩૯ પ્રોજેક્ટમાં ૨૫થી ૬૦ મહિના અને ૧૨૯ પ્રોજેક્ટમાં ૬૧ મહિના કે તેથી વધારે સમયનો વિલંબ થયો છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ્સના અમલીકરણમાં વિલંબનું એક કારણ કોવિડ-૧૯ને રોકવા  વિવિધ રાજ્યો અનુસાર લાગુ કરાયેલું લોકડાઉન છે.

તે ઉપરાંત જમની સંપાદન, જંગલ- પર્યાવરણ સંબંધિત મંજૂરીઓ અને માળખાંગત સપોર્ટના અભાવને કારણે પ્રોજેક્ટના અમલીકરણ અને કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે.

(8:01 pm IST)