Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

એટીએફની કિંમતમાં ઘટાડાને લીધે મુસાફરી સસ્તી થવા સંકેત

હવાઈ મુસાફરો માટેસારા સમાચાર : નવા મહિનાની શરૃઆતમાં એવિયેશન ટર્બાઇન ફ્યુલની કિંમત પ્રતિ કિલોલીટર ઘટીને ૧,૨૧,૯૧૫.૫૭ થઈ

નવી દિલ્હી, તા.૧ : હવાઈ મુસાફરો માટે નવા મહિનાની શરૃઆતમાં જ સારા સમાચાર આવ્યા છે. આગામી દિવસોમાં ફ્લાઈટના ભાડામાં ઘટાડો થઈ શકે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણ એટલે કે એટીએફની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ બાદ એટીએફમાં ૧૧.૭૪ ટકાનો મસમોટો ઘટાડો કરવામાં આવ્યો છે.  નવા મહિનાની શરૃઆતમાં એવિયેશન ટર્બાઇન ફ્યુલ(એટીએફ)ની કિંમત ઘટીને ૧,૨૧,૯૧૫.૫૭ રૃપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. આજથી તેમાં પ્રતિ કિલોલીટર ૧૬,૨૩૨.૩૫ રૃપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ દિલ્હીમાં એટીએફની કિંમત ૧,૩૮,૧૪૭.૯૩ રૃપિયા હતી. ગત મહિનાની ૧૬ તારીખે પણ ૨.૨ ટકા એટલે કે ૩૦૮૪.૯૪ રૃપિયાનો કાપ કરવામાં આવ્યો હતો.

આ ઘટાડા પછી એટીએફની કિંમત કોલકાતામાં ૧,૨૮,૪૨૫.૨૧ રૃપિયા, મુંબઈમાં ૧,૨૦,૮૭૫.૮૬ રૃપિયા અને ચેન્નાઈમાં ૧૨૬૫૧૬.૨૯ રૃપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે. જોકે સ્થાનિક કરવેરાને કારણે દર રાજ્ય-રાજ્યમાં બદલાઈ શકે છે. કોઈપણ એરલાઈનના સંચાલન ખર્ચમાં એટીએફનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે. તેથી તેની કિંમતમાં વધઘટ હવાઈ ભાડાને સીધી અસર કરે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની ૧લી અને ૧૬મી તારીખે એટીએફની કિંમતમાં ફેરફાર કરે છે. આ ફેરફાર આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતના આધારે કરવામાં આવે છે. એરલાઈન્સની કામગીરી ખર્ચમાં લગભગ ૫૦ ટકા એટીએફનો હિસ્સો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. તે એક સમયે ૧૩૯ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં ઈંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. આ કારણે દેશમાં એટીએફની કિંમતમાં અનેક ગણો વધારો થયો અને તે રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

પરંતુ તાજેતરના દિવસોમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં નરમાઈ આવી છે. અત્યારે તે ૧૦૦ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો ૧.૧ ટકા અથવા ૧.૧૯ ડોલર ઘટીને ૧૦૨.૭૮ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ પણ ૧.૫ ટકા ઘટીને ૯૭.૧૯ ડોલર પ્રતિ બેરલ પર હતું. હવે એટીએફસસ્તું થવાથી એરલાઇન કંપનીઓ પણ ભાડામાં ઘટાડો કરી શકે છે અને મુસાફરોને તેનો લાભ મળી શકે છે.

 

(8:02 pm IST)