Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ લગાવી સૌથી મોટી બોલી: ટેલિકોમ મંત્રીએ આપી જાણકારી

5G સ્પેક્ટ્રમની હરાજી રૂ. 1.5 લાખથી વધુની કુલ બિડ સાથે સમાપ્ત:40 રાઉન્ડ થયા. આમાં 10 બેન્ડમાં ઓફર કરાયેલા 72,098 MHz સ્પેક્ટ્રમનો સમાવેશ:તેમાંથી 71 ટકા અથવા 51,236 મેગાહર્ટ્ઝ બેન્ડ વેચાયા .

મુંબઈ : 5G સ્પેક્ટ્રમની હરાજી આજે સમાપ્ત થઈ છે. ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે હરાજી પૂરી થયા બાદ કહ્યું છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોની બોલી સૌથી વધુ રહી છે. પીટીઆઈના અહેવાલ મુજબ વૈષ્ણવે કહ્યું કે રિલાયન્સ જિયોની બોલી 88,078 કરોડ રૂપિયા છે, જે સૌથી વધુ છે.

 અદાણી જૂથે 5G સ્પેક્ટ્રમની હરાજીમાં 212 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. 5G સ્પેક્ટ્રમની હરાજી રૂ. 1.5 લાખથી વધુની કુલ બિડ સાથે સમાપ્ત થઈ અને 40 રાઉન્ડ થયા. આમાં 10 બેન્ડમાં ઓફર કરાયેલા 72,098 MHz સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. તેમાંથી 71 ટકા અથવા 51,236 મેગાહર્ટ્ઝ બેન્ડ વેચાયા હતા. હરાજીમાં પ્રથમ દિવસે એટલે કે 26 જુલાઈએ રૂ. 1.45 લાખ કરોડની બોલીઓ મળી હતી. ત્યારપછીના દિવસોમાં કેટલાક સર્કલમાં માંગમાં થોડો વધારો જ જોવા મળ્યો હતો.

રિલાયન્સ જિયોએ 700 મેગાહર્ટ્ઝ બેન્ડ સહિત અનેક બેન્ડમાં સ્પેક્ટ્રમ મેળવ્યું છે, જે 6થી 10 કિમીની સિગ્નલ રેન્જ આપે છે અને તે દેશના તમામ 22 વર્તુળોમાં 5G માટે સારો આધાર છે. જો 700 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરવામાં આવે તો ટાવર વધુ વિસ્તાર આવરી શકે છે. અદાણી ગ્રુપે 26GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું છે, જે જાહેર નેટવર્ક માટે નથી. ટેલિકોમ દિગ્ગજ સુનીલ ભારતી મિત્તલની ભારતી એરટેલે વિવિધ બેન્ડના 19,867 MHz એરવેવ્સ ખરીદ્યા છે. તેણે આ માટે 43,084 કરોડ રૂપિયા ચૂકવ્યા.

 

બીજી તરફ, વોડાફોન આઈડિયા લિમિટેડે રૂ. 18,784 કરોડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું. ટેલિકોમ મંત્રી વૈષ્ણવે કહ્યું કે કુલ મળીને 1,50,173 કરોડ રૂપિયાની બિડ મળી છે. તેમણે કહ્યું કે સરકારને પ્રથમ વર્ષમાં સ્પેક્ટ્રમ માટે 13,365 કરોડ રૂપિયા મળશે. તેમણે એમ પણ કહ્યું કે ઓક્ટોબર સુધીમાં 5જી સેવાઓ શરૂ થઈ શકે છે.

હરાજી પૂરી થયા બાદ મોબાઈલ કંપનીઓએ તેમની બિડના પૈસા જમા કરાવવા પડશે. આ પછી સરકાર એરવેવ્સ ફાળવશે, જેના માટે કંપનીઓને સ્પેક્ટ્રમ મળ્યું છે. આ પછી કંપનીઓ સેવા શરૂ કરશે. મોબાઈલ કંપનીઓ પહેલાથી જ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. જો કે, 5G સેવા સમગ્ર દેશમાં એકસાથે ઉપલબ્ધ થશે નહીં, કારણ કે જ્યાં પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, ત્યાં આ સેવા શરૂ થશે. આ યાદીમાં દેશના 13 મોટા શહેરોના નામ છે.

(8:24 pm IST)