Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ઈલોરા ગુફા સંકુલમાં ઈલેક્ટ્રિક કાર, સેલ્ફી પોઈન્ટ સહિત અનેક સુવિધાઓ ઊભી કરાશે : મિલન કુમાર ચૌલે

યુનેસ્કોની વિશ્વ હેરિટેજ સાઈટ ઈલોરા ગુફાઓમાં હાઈડ્રોલિક લિફ્ટ બનાવવા તંત્રે મંજૂરી આપતા લિફ્ટ મેળવનાર દેશનું પ્રથમ સ્મારક બનશે

મુંબઈ તા.01 : મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 30કિમી દૂર સ્થિત એલોરાનું એક પુરાતાત્વિક સ્થળ છે. સાથે જ તે ત્રણ ધર્મોનું સંગમ પણ છે. ત્યારે યુનેસ્કોની વિશ્વ હેરિટેજ સાઈટ ઈલોરા ગુફાઓમાં હાઈડ્રોલિક લિફ્ટ બનાવવા સરકારે મંજૂરી આપી છે. જે નિર્ણયથી ગુફાઓ હાઈડ્રોલિક લિફ્ટ મેળવનાર દેશનું પ્રથમ સ્મારક બનશે. જે અંગેની માહિતી ASIનાં વરિષ્ઠ અધિકારીએ આપી છે.

ઔરંગાબાદ શહેરથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું ઈલોરા વિશ્વમાં ખડકમાંથી બનાવાયેલું સૌથી મોટા મંદિર સંકુલ પૈકી એક છે જેમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન શિલ્પો છે અને આ વિસ્તારમાં અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. ૫૦૦ મીટરમાં ફેલાયેલી ઈલોરા ગુફાઓને પ્રવાસીઓ માટે અનુરૂપ બનાવવા ધી આર્કિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI)એ અનેક નાના પ્રોજેક્ટો હાથ ધર્યા છે. આમાંથી કેટલાક પ્રોજેક્ટો મંજૂરીની પ્રક્રિયામાં છે તો કેટલાક પર અમલ થઈ રહ્યો છે એવી જાણકારી ASIના ઔરંગાબાદ વિભાગના સુપરીન્ટેન્ડન્ટ આર્કિયોલોજીસ્ટ મિલન કુમાર ચૌલેએ જણાવ્યું.

સંકુલમાં આવેલી ૩૪ ગુફાઓમાંથી ગુફા નં. ૧૬, જેને કૈલાશ ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બે માળનું માળખું છે અને પ્રવાસીઓએ ઉપરથી દ્રશ્ય જોવા માટે પગથિયા ચડીને જવું પડે છે અથવા તો રેમ્પ પરથી ચાલીને જવું પડે છે. રેમ્પ પરથી વ્હીલચેર જઈ શકે છે પણ ASIએ અહીં માળખાની બંને બાજુ નાની લિફ્ટ બેસાડવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

ASIના અધિકારીએ જણાવ્યું કે, આ લિફ્ટ બેસાડવા માટે કોઈ બાંધકામ પ્રવૃત્તિ નહિ કરવી પડે. આ યંત્રણા ખૂબ નાની હશે જેમાં ૯ ચોરસ ફીટ એરિયામાં વ્હીલચેર પર બેસેલી વ્યક્તિ સરળતાથી પહેલા માળે જઈ શકશે. આ પગલાથી ઈલોરા લિફ્ટ ધરાવનાર દેશની સૌ પ્રથમ હેરિટેજ સાઈટ બનશે. ચૌલેએ જણાવ્યું કે પ્રશાસને આ બાબતે મંજૂરી આપી દીધી છે. ASIના વધુ એક પગલાથી તમામ પ્રવાસીઓ ડુંગરોથી ઘેરાયેલા સિંગલ મોનોલિથિક માળખા કૈલાસ સંકુલને ટોચ પરથી જોઈ શકશે અને તેના માટેનો રસ્તો ઉપરના ડુંગર પર બનાવવમાં આવશે.

ASI કેટલાક ચિત્રો માટે લાઈટો પણ બેસાડવા માગે છે. જ્યારે કેટલાક ભાગોમાં સંરક્ષણ કાર્ય કરવા માગે છે. આ બાબતે થનાર ખર્ચનો વિચાર થઈ રહ્યો છે એવી માહિતી અધિકારીએ આપી છે. ASI ઈલોરાના ગુફા સંકુલમાં અનેક નાના સુધારા કરી રહ્યું છે. આ સ્થળે સામાન્ય દિવસે પણ બેથી ત્રણ હજાર મુલાકાતીઓ આવે છે.

ચૌલેએ જણાવ્યું કે, અમે ઈલોરા ખાતે ટીકીટ કાઉન્ટરોની સંખ્યા પણ વધારવા માગીએ છીએ. સંકુલ મટે પ્રવેશ અને બહાર જવાનો એક જ રસ્તો રહેશે અને પ્રવાસીઓ માટે આ અનુભવ યાદગાર રહે તેના માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવાની યોજના છે. ASI સેનિટરી પેડ ડિસ્પોસલ મશીનો સહિત ત્રણથી ચાર શૌચાલય બ્લોક પણ બનાવવા માગે છે. ચૌલેએ જણાવ્યું કે, ગુફા સંકુલમાં ઈલેક્ટ્રિક વાહનની સેવા પણ આગામી મહિનાથી શરૂ થઈ જશે. આ તમામ પ્રોજેક્ટો મંજૂરી અને અમલીકરણના વિવિધ તબક્કામાં છે અને તેને પૂર્ણ થતા એક વર્ષનો સમય લાગી શકે છે એમ તેમણે જણાવ્યું હતું.

(8:27 pm IST)