Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સંજય રાઉતની ધરપકડ બાદ ઉદ્ધવ ઠાકરે સાંસદનાં પરિવારને મળવા ગયા : કહ્યું– ‘સંજય મારો નાનો ભાઈ છે’

અમે મરવા તૈયાર છીએ પરંતુ BJPના શરણમાં બિલકુલ નહીં જઈએ, સંજય નમતો શિવસૈનિક નથી, રાઉત મારું ગૌરવ છે : ઉદ્ધવ ઠાકરે

મુંબઈ તા.01 : મુંબઈના પાત્રા ચાલ કૌભાંડમાં 10 કલાકથી વધુની પૂછપરછ બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરી છે. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતની ધરપકડને ખોટી ગણાવી છે. ઠાકરેએ કહ્યું મને સંજય રાઉત પર ગર્વ છે. આજે સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવનારને જેલ મોકલવામાં આવી રહ્યાં છે.

શિવસેનાના સાંસદની ધરપકડને લઈને સંસદના બંને ગૃહોમાં હંગામો થયો હતો અને વિપક્ષી સાંસદોના વિરોધને કારણે ગૃહની કાર્યવાહી પણ ખોરવાઈ ગઈ હતી. બીજી તરફ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખે રાઉતની ધરપકડ પર ભાજપ પર નિશાન સાધ્યું છે.

ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતું કે, આજે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓને જેલમાં મોકલવામાં આવે છે, પરંતુ સમય હંમેશા એકસરખો નથી રહેતો, વિચાર્યું કે આપણો સમય આવશે તો શું થશે. સંજય રાઉતને પોતાનું સમર્થન વ્યક્ત કરતાં તેણે તેને પોતાનો નાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે તે નમતો શિવસૈનિક નથી. ઉદ્ધવે કહ્યું કે અમે મરવા તૈયાર છીએ પરંતુ બીજેપીના શરણમાં બિલકુલ નહીં જઈએ. ઉદ્ધવે કહ્યું કે સંજય રાઉત મારું ગૌરવ છે અને સંપૂર્ણ રીતે તેમના પરિવાર સાથે ઉભા છે.

આ પહેલા ઉદ્ધવ ઠાકરે સંજય રાઉતના ઘરે પહોંચ્યા હતા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. ઉદ્ધવ ભાંડુપમાં રાઉતના નિવાસસ્થાને પહોંચ્યા અને ત્યાં રાઉતની માતાને ગળે લગાવીને સાંત્વના આપી. શિવસેનાના નેતા રાઉતને ઉદ્ધવ ઠાકરેના સૌથી નજીકના માનવામાં આવે છે અને આ જ કારણ છે કે આખો પક્ષ રાઉતના સમર્થનમાં ઉભો છે.

(8:28 pm IST)