Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સંજય રાઉત કેસમાં મોટો વળાંક! : સંસદના ઘરેથી મળેલ 10 લાખ રૂ.ના બંડલ પર 'એકનાથ શિંદે અયોધ્યા' લખેલું મળી આવતા ખળભળાટ

10 લાખ રૂપિયાની રકમ પાર્ટી ફંડની-સુનીલ રાઉતનું નિવેદન : શિંદે જૂથે જવાબ આપતા કહ્યું-આ સંજય રાઉતની ચાલાકી પણ હોઈ શકે

મુંબઈ, તા. 01 : મુંબઈના પાત્રા ચાલ કૌભાંડમાં 10 કલાકથી વધુની પૂછપરછ બાદ EDએ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની 11.5 લાખ રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી છે. ત્યારે આ કેસમાં મોટો વળાંક આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય રાઉતના ઘરેથી મળેલી રોકડમાંથી 10 લાખ રૂપિયાના બંડલ પર 'એકનાથ શિંદે અયોધ્યા' લખેલું હતું. જેને લઈ રાજકારણ ગરમાયું છે.

એકનાથ શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું હતું કે, સંજય રાઉત ખૂબ જ હોશિયાર છે અને તેમણે જાણીજોઈને એકનાથ શિંદેના નામે 10 લાખ રૂપિયા રાખ્યા હશે. કેસરકરે કહ્યું હતું કે, 'કદાચ સંજય રાઉત એકનાથ શિંદે વિરુદ્ધ કંઈક કરવા માગે છે. આ માટે તે અયોધ્યા જવા માંગે છે. સંજય રાઉતે આ પૈસા પોતાના માટે અનામત રાખ્યા હશે. આ પૈસાનો સ્ત્રોત દર્શાવવો પડશે. કેસરકરે કહ્યું હતું કે, આ તેમને બતાવો અને રાઉત આ અંગે જાણકારી આપવી પડશે. દીપક કેસરકરે એવી આશંકા વ્યક્ત કરી હતી કે, સંજય રાઉતે આ પૈસા જાણી જોઈને રાખ્યા હશે. સાથે જ આ પૈસા પર જાણીજોઈને એકનાથ શિંદેનું નામ લખવ્યું હોય તો કોઈને ખબર નહીં પડે. કારણ કે, તે ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિ છે. સાથે જ તેઓ કંઈ પણ કરી શકે છે.

દીપક કેસરકરે સ્પષ્ટતા કરી હતી કે, એકનાથ શિંદેને આ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે અમે ગુવાહાટીમાં હતા ત્યારે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ધારાસભ્યોને પૈસા આપવામાં આવ્યા છે. અમે ત્યારે પણ અમારી હોટલના રૂમ અને ઘરોની તલાશી લેવા જણાવ્યું હતું. આ દરમિયાન ઔરંગાબાદમાં એક સભામાં બોલતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, જો સંજય રાઉતના ઘરે મળેલા પૈસામાં મારૂં નામ હોય તો તેમને જ પૂછો. તેમને કહ્યું હતું કે, હું બિનજરૂરી વસ્તુઓમાં પડતો નથી. અહેવાલ અનુસાર, 11.50 લાખ રૂપિયાની રકમમાંથી 10 લાખ પાર્ટી ફંડની છે. જોકે તેમના પર એકનાથ શિંદેનું નામ શા માટે લખવામાં આવ્યું? આ અંગેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

આ દરમિયાન સંજય રાઉતના ભાઈ સુનિલ રાઉતે કહ્યું હતું કે, આ કાર્યવાહી શિવસેનાના અવાજને દબાવવા માટે છે. તેમણે કહ્યું હતું કે, આવી ગતિવિધિઓથી અમારો અવાજ દબાવવામાં નહીં આવે. સુનીલ રાઉતે કહ્યું છે કે, આ કાર્યવાહી બદલો લેવાથી ભાવનાથી કરવામાં આવી છે. સંજય રાઉતનો અવાજ બંધ નહીં થાય. શિવસેનામાં પણ શિવસૈનિકોનો અવાજ એ જ જોશથી સાંભળવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, માત્ર સંજય રાઉત જ લડશે અને શિવસેનાને ફરી એકવાર ગૌરવ અપાવશે.

(11:20 pm IST)