Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

ડાંગરના વાવેતરમાં ઘટાડો થતાં અને ચોખાની નિકાસ વધતાં 30 ટકાનો ભાવ વધારો નોંધાયો

ડાંગરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ઘણું ઓછું : બાંગ્લાદેશે ભરતમાથી ચોખાની આયાત શરૂ કરતાં ભાવ પ્રભાવિત થયા

નવી દિલ્લી તા.01 : દેશમાં અસાધારણ ચોમાસાના કારણે તેમજ ડાંગરની ખેતીમાં ઘટાડો થતાં અને ચોખાની નિકાસ વધતાં બંનેનાં ભાવોમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ડાંગરના વાવેતર વિસ્તારમાં અત્યાર સુધીમાં 37 લાખ હેક્ટર ઓછા વિસ્તારમાં વાવેતર થયું છે.

કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ વર્ષે તમામ મોટા ડાંગર ઉત્પાદક રાજ્યોએ ડાંગરના વાવેતર હેઠળના વિસ્તારમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે 29 જુલાઇ સુધી ડાંગરનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ ઘણું ઓછું છે. આ ઉપરાંત ઈરાન, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ અને ઈરાકમાંથી ચીવાલની વધુ માંગ આવી રહી છે. જ્યારે મુખ્ય ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને બિહારમાં નબળા વરસાદને કારણે ડાંગરની ખેતીને અસર થઈ છે. જેના કારણે ડાંગરના ઉત્પાદન અંગે ચિંતા વધી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બીવી કૃષ્ણા રાવે કહ્યું કે, બાંગ્લાદેશે ભારતમાંથી ચોખાની આયાત કરવાનું શરૂ કર્યું છે, જેના કારણે સોના મસૂરી જેવી ચોખાની જાતોના ભાવ પ્રભાવિત થયા છે. આ ચોખા ભારતના મોટાભાગના ઘરોમાં પણ પસંદ કરવામાં આવે છે. તેની કિંમતોમાં 20 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ડાંગરના વાવેતર વિસ્તારની વાત કરીએ તો ગત વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં 37 લાખ હેક્ટર ઓછા વિસ્તારમાં વાવેતર થયું છે.

ડાંગરના ક્ષેત્રફળમાં થયેલા ઘટાડાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે સમગ્ર દેશમાં 39.7 મિલિયન હેક્ટરમાં ખરીફ ડાંગરની ખેતી થાય છે. જ્યારે આ વખતે કુલ વિસ્તારના દસમા ભાગનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, જો ઉત્પાદન જોવામાં આવે તો, પ્રતિ હેક્ટર ઉપજ લગભગ 2.6 ટન છે. આ રીતે લગભગ 10 લાખ ટન ઉપજને અસર થવાની ધારણા છે. આ વર્ષે 29મી જુલાઈ સુધી ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં સારો રહ્યો હતો પરંતુ તેનું વિતરણ યોગ્ય રીતે થઈ શક્યું નથી. કારણ કે હવામાન વિભાગના આંકડા મુજબ મોટા ચોખા ઉત્પાદક રાજ્યોને નુકસાન થયું છે. આમાંથી મોટાભાગના રાજ્યો ડાંગરની ખેતી માટે વરસાદ પર નિર્ભર છે.

મુખ્ય ડાંગર ઉત્પાદક રાજ્ય પશ્ચિમ બંગાળમાં 47 ટકા જ્યારે ઉત્તર પ્રદેશમાં 52 ટકા વરસાદ નોંધાયો છે. બિહારમાં 41 ટકા અને ઝારખંડમાં 50 ટકા વરસાદ સાથે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે તેલંગાણામાં કેન્દ્રીય પૂલમાં (FCI અને DCP હેઠળ રાજ્ય દ્વારા) ચોખાની ખરીદીની કામગીરી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય દ્વારા તેની એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી ડાંગરની ખરીદી કરવામાં આવે છે.

 

(12:58 am IST)