Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કાશ્મીરમાં જવાનોમાં ડિપ્રેશન આઠ માસમાં ૧૮ આત્મહત્યા

સતત ફરજ કરવાથી જવાનો તાણ અનુભવી રહ્યા છે : જમ્મુ કાશ્મીરમાં તૈનાત જવાનોને તણાવમુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગના સેશન ચલાવવામાં આવી રહ્યા છે

જમ્મુ, તા. ૩૧ : કાશ્મીરમાં સુરક્ષા દળોના જવાનોમાં આત્મહત્યા અને પોતાના સાથીદારની હત્યા કરવાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં કાશ્મીરમાં ૧૮ જવાનોએ આત્મહત્યા કરી છે. જ્યારે ૬ જવાન પોતાના જ સાથીદારે કરેલા હુમલામાં મરી ગયા છે. ગયા વર્ષમાં કાશ્મીરમાં ૧૯ જવાનોએ આત્મહત્યા કરી હતી. ગયા વર્ષે એક વર્ષમાં આટલા જવાનોએ આત્મહત્યા કરી હતી. આ કિસ્સાઓમાં કારણ એ છે કે, સુરક્ષા કર્મચારીઓને જરૃરથી વધુ રોજિંદી ડ્યુટી કરવી પડી રહી છે. તેઓ પરિવારથી લાંબા સમયથી દૂર રહેવા મજબૂર છે. આથી તેઓ તણાવ અને ડિપ્રેશનનો ભોગ બન્યા છે. એ જવાન વધુ પરેશાન છે, જે સીધી રીતે આતંક વિરોધી અભિયાનોમાં તૈનાત છે. અનેક વખત તેમની ધીરજ તુટી જાય છે.

આ વર્ષે આત્મહત્યાઓનું એક મોટું કારણ કોરોના સંકટ પણ કહેવાય છે. ખાસ કરીને સીઆરપીએફના બે કેસમાં આ વાત સ્પષ્ટ થઈ છે. ૧૨ મેના રોજ અનંતનાગ જિલ્લાના અક્રુર્ણ મટ્ટન વિસ્તારમાં સીઆરપીએફના એક સબ ઈન્સ્પેક્ટરે પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એ જ દિવસે શ્રીનગરના કરણનગર વિસ્તારમાં સીઆરપીએફના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરે પણ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ કેસ પણ કોરોનાના ડર સાથે જોડાયેલો કહેવાય છે. શ્રીનગરમાં સીઆરપીએફના જનસંપર્ક અધિકારી પંકજ સિંહે કહ્યું કે, જવાનોને તણાવમુક્ત કરવા માટે સતત કાઉન્સેલિંગ સેશન ચલાવાઈ રહ્યા છે. આ ઉપરાંત સવારે કસરતમાં એ ગતિવિધિઓ પર ભાર મુકાય છે, જેનાથી માનસિક આરોગ્યને ફાયદો થાય. બીજા એક અધિકારીએ કહ્યું કે, ટોચના અધિકારી એવી વ્યવસ્થા કરે કે તેમના સાથીદારો લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવા મજબૂર ન થાય. તેઓ પરિવાર સાથે પુરતો સમય પસાર કરી શકે. કાશ્મીરના મનોચિકિત્સક ડો. યાસિર હસન રાથરે કહ્યું કે, દર મહિને તેમની પાસે અનેક જવાન માનસિક સમસ્યાઓના ઈલાજ માટે આવે છે.

(12:00 am IST)