Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

૧ મહિનામાં ૨૦ લાખ ભારતીયોને કોરોના

ઓગષ્ટ ભયાનક રહ્યોઃ ભારતે નવા કેસમાં વિશ્વના દેશોને પાછળ રાખ્યાઃ જો કે અમેરિકા-બ્રાઝીલમાં ભારત કરતાં વધુ મૃત્યુ નોંધાયા

નવી દિલ્હી, તા.૧: ભારતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ૨ મિલિયન કેસ નોંધાયા, આ મહામારી દરમિયાન પાછલા મહિનાઓ દરમિયાન નોંધાયેલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મૃત્યુઆંકમાં પણ ઉછાળો આવ્યો જેમાં ૨૮,૮૫૯ લોકોના ઓગસ્ટમાં મોત થઈ ગયા, જે પાછલા મહિના કરતા ૫૦%નો ઉછાળો આવ્યો છે.

રાજય સરકારો દ્વારા મોકલાતા આંકડા મુજબ ભારતમાં ઓગસ્ટ મહિના દરમિયાન ૧૯,૮૭,૭૦૫ કેસ નોંધાયા. આ કોઈ બીજા દેશમાં નોંધાયેલા કેસના આંકડા કરતા વધુ છે. આ જુલાઈ મહિનામાં અમેરિકામાં નોંધાયેલા ૧૯,૦૪,૪૬૨ કરતા પણ વધુ કેસ છે.

જોકે મૃત્યુઆંકની દૃષ્ટીએ અમેરિકા અને બ્રાઝિલમાં ભારત કરતા વધુ મૃત્યુ ઓગસ્ટમાં નોંધાયા છે. અમેરિકામાં ૩૧,૦૦૦ મૃત્યુ ઓગસ્ટ ૩૦ સુધીમાં અને બ્રાઝિલમાં ૨૯,૫૬૫ના મૃત્યુ નોંધાયા છે.

ભારતમાં કુલ કેસનો આંકડો ૩૬.૮ લાખ પર પહોંચ્યો છે, જેમાંથી ૨૮.૩ લાખ લોકો સાજા થઈ ગયા છે અને ૭.૯ લાખ એકિટવ કેસ છે. અમેરિકામાં એકિટવ કેસનો આંકડો ૨૫.૬ લાખ છે જે પછી બીજા નંબર પર ભારત છે.

ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ ૬૫,૩૭૩ લોકોના જીવ ગયા છે, અમેરિકા (૧.૮૭ લાખ) અને બ્રાઝિલ (૧.૨ લાખ)ના મૃત્યુ બાદ ભારતનો નંબર આવે છે.

સોમવારે ભારતમાં નવા કેસમાં ઘટાડો નોંધાયો અને ૬૫,૯૬૮ નવા કેસ આવ્યા. જયારે ૮૨૪ લોકોના મોત થયા, જે ઓગસ્ટ ૩ પછીનો સૌથી નીચો આંકડો છે. વિકએન્ડ દરમિયાન અને રવિવારની રજા હોવાથી ટેસ્ટની સંખ્યામાં દ્યટાડો થવાથી નવા કેસમાં પણ ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકામાં દેશના મોટાભાગના કેસ છે, નવા કેસમાં આ ત્રણ રાજયોમાં ૪૫.૭% કેસ થાય છે. રવિવારે નોંધાયેલા મૃત્યુઆંકમાં આ ત્રણ રાજયોની ટકાવારી ૫૦% જેટલી થાય છે, જેમાં મહારાષ્ટ્રની ટકાવારી ૨૧% છે.

(10:02 am IST)