Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દેશમાં ૭ દિવસનો રાષ્ટ્રીય શોક

પ્રણવ મુખર્જીના અંતિમદર્શન માટે લાંબી લાઇન લાગીઃ બપોરે સંપૂર્ણ માન - સન્માન સાથે અંતિમ સંસ્કાર

વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજો એ સદ્ગતને આપી શ્રધ્ધાંજલિ

નવી દિલ્હી તા. ૧ : પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આજે બપોરે અંતિમ વિદાય અપાશે. બપોરે ૨.૩૦ કલાકે દિલ્હીના લોધી સ્મશાન ઘાટ પર તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર થશે. બપોરે ૧૨ સુધી તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રખાયો છે. આજે સવારે વડાપ્રધાન મોદીએ તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પી હતી.

આર્મી હોસ્પિટલથી તેમનો પાર્થિવ દેહ તેમના સરકારી નિવાસે લઇ જવાયો હતો જ્યાં ૧૨ સુધી અંતિમ દર્શન માટે રખાયો છે. મોટી સંખ્યામાં લોકો સદ્ગતને શ્રધ્ધાંજલિ આપી રહ્યા છે.

આજે બપોરે સંપૂર્ણ રાજકીય માન અ સન્માન સાથે તેમના પાર્થિવ દેહની અંતિમવિધિ કરવામાં આવશે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજીના નિધન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રણવ મુખર્જીનું સોમવારે દિલ્હીની આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં નિધન થયું. આ વાતની જાણકારી તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને આપી હતી. પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેઓ ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતના ૧૩માં રાષ્ટ્રપતિ રહ્યા. પ્રણવ મુખર્જીને ૨૦૧૯માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. પ્રણવદાનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ પશ્ચિમ બંગાળના મિરીટી ગામમાં થયો હતો.

(11:18 am IST)