Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોનાને કારણે ઘરઘંટીની ડીમાન્ડમાં મોટો ઉછાળો

જેવું લોકડાઉન ખૂલ્યું કે તુરત જ ઘરઘંટીના મેન્યુફેકચરર્સ તથા વેપારીઓને તડાકો પડયોઃ ઘરઘંટીની ખરીદીમાં વેઇટીંગ જોવા મળ્યું . વિવિધ ઘરઘંટીઓ વિશે કસ્ટમર્સ સતત પૂછપરછ કરી રહ્યા છે . પથ્થરવાળી, કટરવાળી તથા ઓટોમેટીક એમ ત્રણ ટાઇપની ઘરઘંટી માર્કેટમાં ઉપલબ્ધ . લોકડાઉનના કારણે તૈયાર લોટની અછત થઇ ગઇ હતીઃ સાથે-સાથે ફલોરમીલ માલિકો પાસે મેનપાવરની પણ અછત હતીઃ ફીલ્ડ વર્કર ગોત્યા જડતા નહતા . ધીમે-ધીમે હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે . કવોલિટીયુકત પસંદગીની ઘરઘંટી ખરીદવા માટે બે થી ત્રણ દિવસ રાહ જોવી પડે છે . રાજકોટ તથા આસપાસમાં ૩૦૦ થી ૪૦૦ જેટલા વેપારીઓ-મેન્યુફેકચરર્સ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઘરઘંટી પુરી પાડી રહ્યા છે : ૧૦ હજારથી રર હજાર સુધીની રેન્જ

રાજકોટ તા.૧ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID   19) એ લોકોની જીવનશૈલી, રહેણી-કરણી, ખાણીપીણીની રીત વિગેરેમાં ધડમૂળથી પરિવર્તન લાવી દીધું  છે. સમગ્ર દુનિયા બદલાઇ રહી છે. ખાવાપીવાની કે પછી કોઇપણ અન્ય બહારની વસ્તુઓને શકય હોય ત્યાં સુધી લોકો કોરોના સામેની તકેદારીરૂપે એવોઇડ કરી રહ્યા છે.

આ બધી જ બાબતો વચ્ચે હાલમાં કોરોનાના સમય દરમ્યાન ઘરઘંટીની ડીમાન્ડમાં મોટો ઉછાળો આવ્યો હોવાનું જાણવા મળે છે. સતત લોકડાઉન પછી જેવી માર્કેટ ખૂલી કે તુરત જ ઘરઘંટીના મેન્યુફેકચરર્સ તથા વેપારીઓને તડાકો પડયો હતો. ઘણાં લોકોએ કોરોના શરૂ થયો ત્યારબાદ લોકડાઉન નિમિતે પ્રથમ ખરીદી ઘરઘંટીની કરી હતી. ઘરઘંટીની ખરીદીથી ગૃહિણીઓને પણ રાહત થઇ હતી. હાલમાં પણ બજારમાં વેપારીઓ સમક્ષ વિવિધ ઘરઘંટીઓ વિશે કસ્ટમર્સ સતત પુછપરછ કરી રહ્યા છે.સાથે-સાથે પસંદગીની ઘરઘંટીની ખરીદી પણ કરે છે.

એવું પણ જાણવા મળે છે કે સતત લોકડાઉનને કારણે બજારમાં તૈયાર લોટની ભારે અછત થઇ ગઇ હતી. સાથે-સાથે ફલોરમીલમાં કામ કરતા કર્મચારીઓ પોતાના વતન ચાલ્યા ગયા હતા.પરિણામે ફલોરમીલ માલિકો પાસે મેનપાવર પણ હતો નહીં. ફીલ્ડ વર્કર ગોત્યા જડતા નહતા. આ બધી બાબતોને કારણે પણ લોકો ઘરઘંટીની ખરીદી કરવા તરફ વળ્યા. જો કે અનલોક ૧,ર,૩ અને ૪ થતાં હવે ધીમે-ધીમે બજારમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. લોકડાઉન પછી તુરત જ તો પસંદગીની ઘરઘંટી ખરીદવામાં પણ આઠ-દસ દિવસનું વેઇટીંગ જોવા મળી રહ્યું હતું.

હાલમાં અમુક સ્પેશ્યલ ફીચર્સવાળી તથા કવોલિટીયુકત-પસંદગીની ઘરઘંટી ખરીદવા માટે કેટલાંક કિસ્સામાં બે થી ત્રણ દિવસ રાહ જોવી પડતી હોવાનું વેપારી સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં અંદાજે ૩૦૦ થી ૪૦૦ જેટલા વેપારીઓ-મેન્યુફેકચરર્સ ઘરઘંટી બનાવી રહ્યા છે અને વેચી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ગુણવતાયુકત ઘરઘંટી રાજકોટથી મોકલવામાં આવી રહી છે. રાજકોટના અમુક ઘરઘંટીના મેન્યુફેકચરર્સને તો 'કવોલિટી પ્રોડકશન' સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વરદ્દ હસ્તે એવોર્ડ પણ મળેલ છે.

બજારમાં વિવિધ ફેસેલિટીઝ-કવોલિટી-કેપેસિટી પ્રમાણે ૧૦ હજારથી માંડીને રર હજાર સુધીની રેન્જમાં (કિંમતમાં)  ઘરઘંટી ઉપલબ્ધ છે. અમુક બ્રાન્ડની ઘરઘંટીમાં સ્પેશ્યલ ડીસ્કાઉન્ટને કારણે ઓછા ભાવ પણ હોઇ શકે છે.

ત્રણ પ્રકારની ઘરઘંટી માર્કેટમાં જોવા મળે છે. જેમાં પથ્થરવાળી, કટરવાળી તથા ઓટોમેટીક આવતી હોય છે. વિવિધ પ્રકારમાં અનાજ દળવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. જરૂરીયાત પ્રમાણે લેવી હિતાવહ છે.મોટેભાગે ઓટોમેટીક ઘરઘંટી વધારે ડીમાન્ડમાં રહેતી હોય છે. જો કે કટરવાળી ઘરઘંટી સાફ કરવમાં સહેલી રહેતી હોવાનું પણ વપરાશકારો કહી રહ્યા છે. ઓટોમેટીકમાં સિંગલ સ્વિચ ઓપરેટીંગ ઘરઘંટી વધુ ચાલે છે.

પ્રાચીન ભારતમાં વર્ષોથી ચાલતી પથ્થરવાળી ઘરઘંટીમાં પણ હાલમાં ઘણું બધું  પરિવર્તન આવી ગયાનું જોવા મળે છે. ઘરઘંટીને કારણે તથા ઘરના અનાજને કારણે લોકોનું આરોગ્ય પણ સારૂ રહે છે. અને તેથી જ કહેવાય છે ક ે''પહેલુ સુખ તે જાતે નર્યા...''

ઘરઘંટીનો ઉપયોગ વધવાના વિવિધ કારણો

. કોરોનાના ભયને કારણે અનાજને ઘરમાંં જ દળવાની લોકોની માનસિકતા વધી

. ફલોરમીલના પ્રમાણમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ પણ જાળવી શકાય

. અનાજને બહારની ચકીમાં દળાવવાના પ્રમાણમાં ઓછો ખર્ચ, શુદ્ધતા અને સાત્વિકતા જોવા મળે છે

. કોરોનાના કારણે મોટાભાગના લોકો બહારનું અનાજ લેવાનું કે ખાવાનું ટાળી રહ્યા છે

. ફલોરમીલ (અનાજ દળવાની ઘંટી-ચકી)માં ભેળસેળ થવાની પણ શકયતા છે. ઘણી વખત ભૂલમાં બહારની ઘંટીમાં હલકું અનાજ પણ આવી શકે છે. અનાજનું પુરેપુરૂ વળતર ન પણ મળે

. બહારના ફલોરમીલ કરતા ઘરઘંટીમાં લોટ પ્રમાણમાં ઓછો ગરમ થાય  છે પરિણામે સાત્વિકતા જળવાય રહે છે

(11:27 am IST)