Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોંગ્રેસમાં એક પણ એવા નેતા નથી કે જે મોદી સામે બરાબરની બાથ ભીડી શકે

પત્ર લખનાર ૨૩માંથી એકમાં પણ અધ્યક્ષ બનવાની આવડત નથીઃ સંજય રાવત

નવી દિલ્હી,તા. ૧: શિવસેના સાંસદ સંજય રાવતે કહ્યું હતું કે રાહુલ ગાંધીને કોંગ્રેસ નેતૃત્વ સંભાળવાથી અટકાવવા એ દેશની સૌથી જૂની પાર્ટીના અસ્તિત્વને જ નષ્ટ કરી દેવા સમાન છે. રાવતે શિવસેનાની સામના મેગેઝિનમાં છપાયેલા પોતાની સાપ્તાહિક કોલમ રોકટોકમાં લખ્યું હતું કે કોંગ્રેસમાં એક એવા નેતાની અછત છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરાબરની ટક્કર આપી શકે.

સંજય રાવતે ૨૩ કોંગ્રેસી નેતાઓ દ્વારા સોનિયા ગાંધીને સંપૂર્ણ સમય માટેના સક્રિય નેતૃત્વ બાબતે પત્ર લખીને ઉલ્લેખ કરતા પ્રશ્ન કર્યો છે કે  આ નેતાઓને સક્રિય રહેવાથી કોણ રોકી શકે છે. રાહુલ ગાંધીને અધ્યક્ષ બનતા અટકાવવાની સક્રિયતા એ પાર્ટીના અસ્તિત્વને જ બરબાદ કરી દેશે.

રાવતે કહ્યું કે, ગાંધી પરિવારની બહારનું કોઈ વ્યકિત કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ બને તે એક સારો વિચાર છે પરંતુ આવું વિચારનારા ૨૩માંથી એક પણ નેતા એટલા સક્ષમ નથી કે તેઓ પાર્ટીના અધ્યક્ષ બની શકે. કોંગ્રેસ પાર્ટી આજે પણ સમગ્ર દેશમાં પોતાનું નેતૃત્વ કરી રહી છે. ફકત મૂળ ચહેરા પરના મોહરા બદલાઈ ગયા છે. જો તે મોહરાઓને ઉતારીને ફેંકી દેવામાં આવે તો પાર્ટી દેશમાં એક મજબૂત પાર્ટી તરીકે ઉભી રહી શકશે.

(11:28 am IST)