Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચીની હિલચાલ પછી પેંગોંગમાં ભારતે વધારી તાકાત

સુખોઇ-મિરાઝ-જગુઆર જડબાતોડ જવાબ આપવા તૈયાર

નવી દિલ્હી તા. ૧ : લદાખમાં સતર્ક ભારતીય સેનાએ ચીની સૈન્યની હિલચાલને નિષ્ફળ કરવાની સાથેજ સૈન્યની તાકાત વધારે વધારી દીધી છે.ઓફીશ્યલ સૂત્રોએ સોમવારે જણાવ્યું કે પૂર્વ લદાખમાં પેંગોંગત્સો સરોવર આસપાસ બધા રણનીતિક સ્થળો પર સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દેવાઇ છે.

સુત્રો અનુસાર પૂર્વ લદાખમાં ચીન સાથેની એલએસી પર ચોકીદારો વધુ મજબુત અને સતર્ક બનાવી દેવાઇ છે. લદાખમાં ગતિરોધ દુર કરવા બાબતે ચાલી રહેલી વાતચીત વચ્ચે ચીની સેના પીપલ્સ લીબરેશન આર્મી દ્વારા આ ઉશ્કેરવાની કાર્યવાહી કરાઇ છે. સુત્રોનું કહેવું છેકે સૈન્ય અને સુરક્ષા તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પૂર્વ લદાખની સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી છે સૈન્યના વડા જનરલ એમ.એમ. નરવણેએ તાજી ઘટના પછી સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે અલગ મીટીંગ કરી હતી.

સુત્રોનું કહેવું છે કે મોટી સંખ્યામાં ચીની સૈનિકો પેંગોંગ સરોવરના દક્ષિણ કિનારા તરફ આગળ વધ્યા હતા જેથી તે વિસ્તાર પર કબ્જો જમાવી શકાય પણ ચીનની દગાખોરીની રણનીતીથી વાકેફ ભારતીય સેના સતર્ક હતી સેનાએ ચીની સૈનિકોની ગતિવિધિ જોઇને તરત તેમને રોકયા ભારતીય સેનાના સખત વિરોધના કારણે ચીની સૈનિકોને પાછુ ફરવું પડયું સમાચારો છે. કે ચીને હોતાન એરબેઝ પર જે-ર૦ લડાયક વિમાનો અને ઘણાં અન્ય હથિયારો તૈનાત કર્યા છે. આ એરબેઝ પૂર્વ લદાખમાં એલએસીથી ૩૧૦ કિ.મી. દુર છે.તો ભારતીય વાયુસેનાએ સુખોઇ ૩૦ એમ.કે.આઇ., જેગુઆર, મિરાજ ર૦૦૦ જેવા લડાયક વિમાનો લદાખ અને એલએસીના અન્ય અગ્રીમ એરબેઝ પર તૈનાત રાખ્યા છે. વાયુસેના રાત્રી હવાઇ પેટ્રોલીંગ વધારીને ચીનને સંકેત આપી દીધો છે. કે તે પર્વતીય વિસ્તારમાં કોઇપણ દુસાહસનો જવાબ આપવા તૈયાર છે.

(2:47 pm IST)