Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

મંદિર નિર્માણ પહેલા અયોધ્યામાં પ્રભુ રામના ૭ અલગ-અલગ રૂપોની મૂર્તિઓ સ્થપાશે

રામ મંદિરના નકશા અંગે કાલે બેઠકઃ ત્યારબાદ વિકાસ શુલ્કની ગણના થશે : આ રૂપોમાં વનવાસ, ધનુષધારી, રાજારામ, શિકાર કરતા, ઉપદેશક, વિચારક પ્રભુના દર્શન થશે

અયોધ્યા તા. ૧: ભવ્ય રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન બાદ હવે મંદિર નિર્માણ માટેની ઔપચારીકતાઓ ચાલી રહી છે. તો બીજી તરફ મંદિર નિર્માણથી પહેલા અયોધ્યામાં ભગવાન રામની સાત મોટી મૂર્તિઓ લગાવાની તૈયારી છે. આ મૂર્તિઓ એવી જગ્યાએ લગાડાશે જયાં વધુમાં વધુ ભકતો-શ્રધ્ધાળુઓ દર્શન કરી શકે.

ભગવાન રામની આ મૂર્તિઓ અલગ-અલગ રૂપમાં હશે. જેમાં વનવાસ, ધનુષધારી, રાજા રામ, શિકાર કરતા, ઉપદેશક, વિચારક જેવા રૂપના દર્શન થશે. જયારે રામ મંદિર નિર્માણ માટે ૭૦ એકર જમીનનો નકશો રામજન્મભૂમિ ટ્રસ્ટે અયોધ્યા વિકાસ પ્રાધિકરણને મોકલી દીધો છે. માહિતી મુજબ નવા નકશામાં કેટલાક મોટા ભાગ સાથે નાના ભાગ પણ છે. જેમાં ભગવાન રામ સાથે જોડાયેલી તમામ વસ્તુઓનું નિર્માણ થનાર છે.

અયોધ્યામાં રામ મંદિરના પાયાનું ખોદકામ આ અઠવાડીયામાં શરૂ થવાની ધારણા છે. મંદિર નિર્માણ પહેલા સમગ્ર રામજીની નગરીને પ્રભુમય બનાવાની યોજના છે. ટ્રસ્ટે આખા ૭૦ એકર જમીનનો નકશો રજુ કર્યો છે. આવી સ્થિતિમાં સમગ્ર જમીન ઉપર વિકાસ શુલ્ક લેવાશે. જે ફકત એક જ વખત દેવાનું રહેશે. ટ્રસ્ટ ચેરીટેબલ સંસ્થા તરીકે આવકવેરામાં નોંધાયેલ છે જેથી વિકાસ શુલ્કમાં વધુમાં વધુ ૬પ ટકા છુટ દેવાની પણ જોગવાઇ છે. કેટલા ટકા છુટ આપવી તે બોર્ડના નિર્ણય બાદ ખબર પડશે.

એએફડીએ તરફથી કોઇપણ ભવનનો નકશો સ્વીકૃત કરાવતા પહેલા જે વિભાગના એનઓસીની જરૂર પડે છે તે તમામ વિભાગના અધીકારી પ્રાધિકરણ બોર્ડના સભ્યો છે. જેથી બોર્ડ દ્વારા નકશાની સ્વીકૃતીની સાથે જે તે વિભાગના એનઓસી પણ મળી જશે. જો કે એએસઆઇનો મામલો કેન્દ્રીય સંસ્કૃતિ ખાતા અંતર્ગત પ્રક્રિયામાં છે. (૭.૧પ)

મંદિરના નકશા અંગે કાલે બેઠક

રામજન્મ ભૂમિમાં બીરાજમાન રામલલાના પ્રસ્તાવિત મંદિર સહિત સમગ્ર ૭૦ એકર જમીન પરિસરના નકશાની સ્વીકૃતિ એએફીડીએના માધ્યમથી થશે. કેમ કે રપ હજાર વર્ગ મીટરથી વધુની જમીનના નકશાની સ્વીકૃતિ બોર્ડ કરે છે. આ અંગે કાલે ર સપ્ટેમ્બરના રોજ નાણા અને લેખાધીકારી અને કાર્યકારી સચીવ પી. કે. સિંહના જણાવ્યા મુજબ મંડલાયુકત એમ. પી. અગ્રવાલની અધ્યક્ષતામાં મળશે. નકશાની સ્વીકૃતિ બાદ સંબંધીત શુલ્કની ગણના થશે.

(2:48 pm IST)