Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોના મહામારી ઝૂમ એપ્પને ફળી: CEOની સંપત્તિ થોડા કલાકોમાં 4 .2 અબજ ડોલર વધી

ત્રિમાસિક આવકમાં ઉછાળો:એક જ સત્રમાં ભાવ 26 ટકા વધીને 410 ડોલરે પહોંચી ગયો

નવી દિલ્હીઃ કોરોના મહામારી ઝૂમ એપના સીઇઓ એરિક યુઆનને ફળી છે કોરોનાના કારણે રિમોટથી કામ અને વર્ક ફ્રોમ હોમ તથા બિઝનેસ મીટિંગ અને શિક્ષણ ઓનલાઇન થવાના લીધે વિડીયોની સોફ્ટવેર એપ ઝૂમની માંગ વધી છે. તેના પગલે કંપનીએ સારા ત્રિમાસિક પરિણામ નોંધાવતા સોમવારે ગણતરીના કલાકોમાં ઝૂમ વિડીયો કમ્યુનિકેન્સના સીઇઓ ઓફિસર એરિક યુઆનની સંપત્તિ 4.2 અબજ ડોલર વધી ગઈ. કંપનીએ તેની ત્રિમાસિક આવકમાં ઉછાળો નોંધાવતા અને તેની વિસ્ફોટક વૃદ્ધિ જારી રહેશે તેમ કહેતા ગઇકાલે અમેરિકામાં એક જ સત્રમાં તેનો ભાવ 26 ટકા વધીને 410 ડોલરે પહોંચી ગયો હતો. આમ હવે યુઆનની સંપત્તિ 20 અબજ ડોલરને વટાવી ગઈ છે.

આમ ટેક વર્લ્ડમાં માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ, એપલના સ્ટીવ જોબ્સ, એમેઝોનના જેફ બેઝોસ અને ટેસ્લાના એલન મસ્ક પછી વધુ એક ટેક માંધાતાની સંપત્તિ ઝડપથી વૃદ્ધિ પામી રહી છે. જુલાઈમાં જેફ બેઝોસે એક જ દિવસમાં તેની સંપત્તિમાં 13 અબજ ડોલરનો ઉછાળો નોંધાવ્યો હતો. જ્યારે ટેસ્લાના એલન મસ્કે ગયા મહિને 24 કલાકમાં તેની સંપત્તિમાં 8 અબજ ડોલરનો ઉછાળો નોંધાવ્યો હતો. બંને જણાની સંપત્તિ વિક્રમજનક સ્તરે પહોંચી ગઈ છે. બેઝોસની સંપત્તિ 200 અબજ ડોલરને વટાવી ગઈ છે તે મસ્કની સંપત્તિ ગયા સપ્તાહે 100 અબજ ડોલરને વટાવી ગઈ હતી.

કોરોના વાઇરસનો ફાયદો ઝૂમને થયો છે. બિઝનેસીસ અને શૈક્ષણિક સંસ્થાઓએ હવે સર્વિસ ટુ વર્ક અને ટીચિંગ રિમોટથી કરવા માંડ્યુ છે. સોફ્ટવેર ઉત્પાદક કંપનીનું વેચાણ સોમવારે 355 ટકા વધીને 66.35 કરોડ ડોલર થયુ હતુ. તેનો શેર નાસ્ડેક 100 ઇન્ડેક્સમાં છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ વધનારો બીજા નંબરનો શેર હતો. તે ફક્ત બાયોટેક ફર્મ મોડર્ન ઇન્ક.થી જ પાછળ છે, એમ બ્લૂમબર્ગના આંકડા દર્શાવે છે. ઝૂમે જણાવ્યું હતું કે વેચાણ જાન્યુઆરીમાં પૂરા થનારા નાણાકીય વર્ષમાં 2.39 અબજ ડોલરે પહોંચી જશે. આનો અર્થ એમ થાય કે એક જ વર્ષમાં તેની આવક ચાર ગણી વધી જશે.

કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત કંપનીના સ્થાપકની નેટવર્થ મુખ્યત્વે ઝૂમના પાંચ કરોડથી વધારે શેરની જ છે. તેમા આ વર્ષે નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. 50 વર્ષના યુઆનની સંપત્તિ સોમવાર સુધી 12.5 અબજ ડોલર વધી હતી અને તેનો શેર પાંચ ગણો વધ્યો છે.

અગાઉ ઝૂમના રોકાણકારો લિ કા-શિંગ અને સેમ્યુઅલ ચેનને પણ આ તેજીથી ફાયદો છે. તેઓ હજી પણ આ કંપની સાથે છે તે માન્યતાના આધારે જોઈએ તો લિ એક જ દિવસમાં બે અબજ ડોલર અને ચેનની સંપત્તિમાં 65 કરોડ ડોલરનો વધારો થયો છે. તેનો શેર 410 ડોલર પર બંધ આવ્યો હતો, એમ બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સે જણાવ્યું હતું.

(8:42 pm IST)