Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

કોરોનાના કહેર વચ્ચે પ્રજાને મોંઘવારીનો મારઃ તેલીબિયાં અને કઠોળના ભાવ 10 ટકા વધ્યા

ભારે વરસાદ અને પાક ઉપર જીવાતનો હુમલાથી ભાવમાં ઉછાળો

મુંબઇઃ એક બાજુ કોરોના મહામારી અને લોકડાઉનની પ્રતિકુળ અસરોને કારણે લોકોની કમાણી ઘટી છે બાજી બાજુ જીવન જરૂરી ચીજોના ભાવ સતત વધતા લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદ અને પાક ઉપર જીવાતનો હુમલાથી વિતેલા સપ્તાહમાં કઠોળ અને તેલીબિયાંના ભાવમાં સરેરાશ 10 ટકાનો ઉછાળો આવ્યો છે. ઓલ ઇન્ડિયા દાળ મિલ એસોસિએશનના પ્રમુખ સુરેશ અગ્રવાલનુંકહેવુ છે કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ કર્ણાટકમાં ભારે વરસાદથી મગ અને અડદના ભાવ 10 ટકા વધીને 62 રૂપિયા પ્રતિ કિગ્રા એ પહોંચી ગયા છે. આ કારણે અન્ય કઠોળના પણ ભાવ ઉંચકાયા છે.

તેમણે કહ્યુ કે, ખેતરોમાં પાણી ભરાઇ જવાથી થોડાક સમય માટે કઠોળના ભાવ મજબૂત રહેશે. સરકાર જો અડદની આયાતની તારીખ ડિસેમ્બર સુધી લંબાવે તો ભાવ સ્થિર થઇ શકે છે.

સોયબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ચેરમેન ડેવિશ જૈનનું કહેવુ છે કે મધ્યપ્રદેશમાં સોયાબીનના પાકને નુકસાન થવાના અહેવાલથી તેના ભાવ છેલ્લા એક સપ્તાહમાં છ ટકા વધીને 41 રૂપિયા પ્રતિ કિગ્રા થઇ ગયા છે. ભારે વરસાદથી તેમજ તાપમાનમાં મોટા તફાવતને લીધે મધ્યપ્રદેશમાં સોયાબીનના પાકને 10-12 ટકા નુકસાન થવાની સંભાવના છે. આવી જ રીતે પંજાબ અને હરિયાણામાં કપાસના પાક પર કિટકોના હુમલાથી નુકસાન થવાના અહેવાલ છે તેમજ કપાસના ભાવ છેલ્લા એક સપ્તાહમાં પાચ ટકા વધ્યા છે.

(9:18 pm IST)