Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ભારત-ચીન સરહદનું સીમાંકન મોટી સમસ્યા છે : હંમેશા મુશ્કેલીઓ આવશે: ચીનના વિદેશ પ્રધાન

ફ્રાન્સમાં ચીની વિદેશમંત્રીએ કહ્યું અમે ભારતીય સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થાપવા કટિબદ્ધ

પેરિસ : ચીનના વિદેશ પ્રધાન (ચીન) વાંગ યીએ કહ્યું છે કે ભારત-ચીન સરહદનું સીમાંકન એક મોટી સમસ્યા છે. આને કારણે હંમેશા મુશ્કેલીઓ રહેશે. તેમણે કહ્યું કે બંને દેશોએ તેમના નેતૃત્વ વચ્ચેના કરારનો અમલ કરવો જોઇએ અને મતભેદો વધવા ન દેવા જોઈએ.

હાલમાં જ 29 અને 30મી ઑગષ્ટની રાત્રે આશરે બસો ચીની સશસ્ત્ર સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંખમાં તેલ આંજીને સરહદો સાચવી રહેલા ભારતીય લશ્કરના જવાનોએ એ લોકોને ખદેડી કાઢ્યા હતા. આ ઘટના પછી તેવર બદલાયેલા દેખાઈ રહ્યા છે. એટલે દુનિયા સમક્ષ ચીન વાટાઘાટોની વાત કરી રહ્યું હતું. હાલ ફ્રાન્સના પ્રવાસે ગયેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ફ્રાન્સની ધરતી પર એવો દાવો કર્યો હતો કે અમે ભારતીય સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થાપવા કટિબદ્ધ છીએ.

વાંગ યી કહે છે કે ચીન હંમેશાં ભારતની સરહદ પર શાંતિ સ્થાપિત કરવા કટિબદ્ધ છે. ચીન તે દેશ નહીં હોય જેની પહેલથી આ સ્થિરતાને કોઈ નુકસાન થશે. આ સમય દરમિયાન, ચીનના વિદેશ પ્રધાને સ્વીકાર્યું કે ચીન અને ભારત વચ્ચે કેટલાક સ્થળોએ સરહદ વિવાદો છે. ચીન પોતાની પ્રાદેશિક સીમા અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા કટિબદ્ધ છે. ભારત સાથેના તમામ મતભેદો વાટાઘાટ દ્વારા નિવારી લેવા ચીન તૈયાર હતું. બીજી તરફ, ચીની સેનાએ ભારતને અપીલ કરી છે કે તે સરહદ પર તણાવ ઓછો કરવા માટે તેની સેનાને તાત્કાલિક ઘટાડે.

(9:22 pm IST)