Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

યુએસના તાલિબાન સંદર્ભે પ્રસ્તાવથી પાક.માં હલચલ

રિપબ્લિકન પાર્ટીના ૨૨ સાંસદોએ એક બિલ રજુ કર્યું : તાલિબાનને જેણે સમર્થન આપ્યું છે તે તમામ સંસ્થાઓનુ મુલ્યાંકન અને પાક.ની ભૂમિકાની તપાસ કરવા માગ

વોશિંગ્ટન, તા.૩૦ : અમેરિકન સેનાની અફઘાનિસ્તાનમાંથી ઘરવાપસી થઈ ગયા બાદ હવે અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના ૨૨ સાંસદોએ અમેરિકન સેનેટમાં એક બિલ રજુ કર્યુ છે અને તેના પગલે પાકિસ્તાનમાં હલચલ મચી ગઈ છે.

એન્ટી તાલિબાન બિલને લઈને પાકિસ્તાનમાં ભારે નારાજગી છે. આ બિલમાં તાલિબાનને બેન કરવાની સાથે સાથે તાલિબાનને સમર્થન આપતા દેશો પર પણ લગામ કસવાનો પ્રસ્તાવ મુકાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની સામે આપત્તિ વ્યક્ત કરી છે.

બિલમાં કહેવાયુ છે કે, ૨૦૦૧થી ૨૦૨૦ સુધી તાલિબાનને જેણે પણ સમર્થન આપ્યુ છે તે તમામ સંસ્થાઓનુ મુલ્યાંકન થવુ જોઈએ અને તેની સાથે સાથે પાકિસ્તાનની તેમાં શું ભૂમિકા રહી છે તેની પણ તપાસ થવી જોઈએ. કાબુલમાં અશરફ ગનીની સરકારને પાડી દેવામાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ થવી જોઈએ. ઉપરાંત પંજશીર પ્રાંતમાં અહેમદ મસૂદ સામે તાલિબાનને પાકિસ્તાને કયા પ્રકારની મદદ પૂરી પાડી હતી તે પણ જાણવુ જરૂરી છે.

૫૭ પાનાના આ બિલનુ નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈટ એન્ડ એકાઉન્ટિબિલિટી એક્ટ છે. જે પાસ કરવા પાછળનો હેતુ તાલિબાન તેમજ તાલિબાન સમર્થક દેશો પર પ્રતિબંધ મુકવાનો છે.

દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ બિલમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેની બિલકુલ જરૂર નથી. પાકિસ્તાનના મંત્રી શેખ રાશીદે પણ આ બિલ રજૂ થયા બાદ ગભરાઈને સફાઈ આપી છે કે, તાલિબાનને અમે કોઈ પ્રકારની સૈન્ય સુરક્ષા પૂરી પાડી નથી.

દરમિયાન ઈમરાનખાન સરકારની વિરોધી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ કહ્યુ છે કે, પાકિસ્તાન સામે થઈ રહેલા દુષ્પ્રચારને ખાળવા માટે સરકારે કોઈ પગલા ભર્યા નથી તે બહુ નિરાશાજનક વાત છે. આપણી સંસદ પણ આ બાબતે કશું કરી રહી નથી. અમે જો પાકિસ્તાનની મદદ કરવાનો પ્રયત્ન કરીએ છે તો આ સરકાર અમને કહે છે કે, અમારા નેતા ભ્રષ્ટ છે.

(12:00 am IST)