Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

દિલ્હીમાં લેવામાં આવ્યા તે નિર્ણયો ખોટા હતા, અને કોંગ્રેસમાં અસંતોષનું કારણ બન્યા: નટવર સિંહે કોંગ્રેસ પર હુમલો કર્યો

કપિલ સિબ્બલ બાદ પૂર્વ વિદેશ મંત્રીએ ઉઠાવ્યા સવાલો : અમરિંદરને હટાવી દેવાયા. એ તેમનું અપમાન

નવી દિલ્હી : વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં રાજકીય સંકટથી કોંગ્રેસ હાઈકમાન્ટ ચિંતિત છે. કપિલ સિબ્બલ બાદ હવે પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહે કોંગ્રેસ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, જે નિર્ણયો દિલ્હીમાં લેવામાં આવ્યા તે ખોટા હતા, આ જ કોંગ્રેસમાં અસંતોષનું કારણ છે.

નટવર સિંહે કહ્યું, પંજાબના સીએમ અમરિંદરને હટાવી દેવામાં આવ્યા. તેમનું અપમાન કરવામાં આવ્યું. તેઓ 52 વર્ષથી કોંગ્રેસમાં કામ કરી રહ્યા છે. આ રીતે તેમનું અપમાન કરવામાં આવ્યું તો જાહેર છે તેઓ રાજીનામું આપી જ દેત, આ પછી પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સિદ્ધુને પસંદ કરવામાં આવ્યા. આ આઈડિયા કોનો હતો, આ આઈડિયા પ્રિયંકા વાડ્રાનો હતો.

તેમણે કહ્યું કે, અમરિંદર સિંહે કહ્યું હતું કે સિદ્ધુને ન મોકલો, હુ તેને જાણુ છુ, કંઈ કામ નથી કરતા. દિલ્હીના કહેવાથી સિદ્ધુને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને તે પણ સીએમની નારાજગી હોવા છતા. પછી ચન્નીને સીએમ બનાવવામાં આવ્યા. સિદ્ધુ ઈચ્છતા હતા કે એક મંત્રી તેમની પસંદગીનો હોય, બીજા પદ પર તેમની પસંદગીના લોકો રહે, જ્યારે તેમ ન થયું ત્યારે તેમણે રાજીનામું આપી દીધુ. સિદ્ધુનું આ કામ જવાબદારી ભર્યું નથી, પરંતુ આખરે તેમને મોકલ્યા કોણે હતા. દિલ્હીથી મોકલવામાં આવ્યા હતા.

નટવર સિંહે કહ્યું, કોંગ્રેસમાં બધા નિર્ણયો કોણ લે છે? સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી. કોઈ ચોથો નિર્ણય કોઈ લેતું નથી. કોણ નથી જાણતું કે શું થઈ રહ્યું છે? કોંગ્રેસ હાઈકમાન્ડ કોઈની પરવા કરતું નથી. આ બધા માટે જવાબદાર કોણ? અને કોઈ કંઈ કહેતું નથી. વર્કિંગ કમિટીની બેઠક નથી થતી. પરામર્શ કોણ કરે છે? કોઈને ખબર નથી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી 21 વર્ષથી કોંગ્રેસના અધ્યક્ષ છે. રાહુલ ગાંધી થોડા દિવસો માટે બનાવવામાં આવ્યા હતા. પછી રાહુલ ગાંધી સાહેબે છોડી દીધુ.

(12:00 am IST)