Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સ્ટાર રૃપિન્દર પાલ સિંઘ અને બિરેન્દ્ર લાકરાએ નિવૃત્તિ જાહેર કરી

રુપિન્દર અને બિરેન્દ્રએ થોડા કલાકોના અંતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરતાં હોકી જગતે અને ચાહકોએ આંચકો અનુભવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સ્ટાર ડ્રેગ ફ્લિકર રૃપિન્દર પાલ સિંઘ અને બિરેન્દ્ર લાકરાએ આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. રુપિન્દર અને બિરેન્દ્રએ થોડા કલાકોના અંતરમાં જ નિવૃત્તિની જાહેરાત કરતાં હોકી જગતે અને ચાહકોએ આંચકો અનુભવ્યો હતો.

૩૦ વર્ષના રૃપિન્દરે સોશિયલ મીડિયામાં તેની નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતુ કે , હું ઈચ્છું છું કે , હવે ટીમમાં યુવા ખેલાડીઓને તક મળે. આ કારણથી હું વિદાય લઈ રહ્યો છું. જ્યારે બિરેન્દ્ર લાકરાની નિવૃત્તિને હોકી ઈન્ડિયાએ સમર્થન આપ્યું હતુ. હોકી ઈન્ડિયાએ ભારતીય ડિફેન્ડર બિરેન્દ્રની નિવૃત્તિ અંગે ટ્વીટ કરી હતી.

રૃપિન્દર ભારતીય હોકીના દિગ્ગજ ડ્રેગ ફ્લિકર્સમાં સ્થાન ધરાવે છે. તેણે ૨૨૩ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. 'બોબ' ના હૂલામણા નામથી ઓળખાતા રૃપિન્દરે કહ્યું કે, હું છેલ્લા ૧૩ વર્ષથી ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છું. મને લાગે છે કે, હવે યુવા ખેલાડીઓને તક મળવી જોઈએ.

૩૧ વર્ષના બિરેન્દ્ર લાકરાએ હજુ તેની નિવૃત્તિ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકે હોકી ઇન્ડિયાએ આ અંગે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમના વાઈસ કેપ્ટન તરીકે લાકરા જ હતો. તે ૨૦૧૪ની ઈન્ચેઓન એશિયન ગેમ્સમા ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતો. ૨૦૧૮માં તેણે ટીમની સાથે એશિયાડમાં કાંસ્ય પણ જીત્યો હતો.

(12:00 am IST)