Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કેરળ પોલીસે જપ્ત કરી કરીના કપૂરના નામે રજિસ્ટર્ડ પોર્શે કારઃ કરોડોની ઠગાઈનો છે મામલો

કેરળના ૫૨ વર્ષના એક ઠગ પાસેથી પોલીસે ૨૦ જેટલી કાર જપ્ત કરી છેઃ જેમાં કરીના કપૂરના નામે રજિસ્ટર્ડ લકઝરી કાર પોર્શે બોકસટર પણ સામેલ છેઃ આ ઠગે છેલ્લા ૧૦ વર્ષમાં એન્ટીક વસ્તુઓના નામ પર ઘણા લોકોને ચૂનો લગાવ્યો છે

તિરૂવનંતપુરમ્,તા. ૧:  મોનસન માવુંકલની ઉંમર ૫૨ વર્ષ છે. આ નામથી તમે ભલે પરિચીત ન હોય, પરંતુ ગત લગભગ એક સપ્તાહમાં આ શખસ કેરળના મીડિયામાં ઘણો ચર્ચામાં રહ્યો છે. આ શખસ એક ઠગ છે, જેણે કથિત રીતે ગત લગભગ ૧૦ વર્ષમાં એન્ટીક વસ્તુઓના નામ પર લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો છે. મોનસન માવુંકલ કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. તેની પાસેથી જપ્ત કરાયેલી ૨૦ કારમાંથી એક પોર્શે બોકસટર લકઝરી કાર કરીના કપૂરના નામે રજિસ્ટર્ડ છે. જોકે, પોલીસ હજુ એ બાબતની તપાસ કરી રહી છે કે, કારના દસ્તાવેજ અસલી છે કે નકલી. પરંતુ, એટલું ચોક્કસ છે કે, આ ઠગાઈ અને છેતરપિંડીના કેસમાં એકટ્ર્રેસનું નામ જાણે-અજાણે સામેલ થઈ ગયું છે.

પોલીસ જયારે મોનસન માવુંકલની સંપત્ત્િ।ની તપાસ કરી રહી હતી, ત્યારે તેમાંથી એક પોર્શે બોકસટર લકઝરી કાર પણ જપ્ત કરાઈ હતી. આ કાર હાલમાં ચેરથલા પોલીસ સ્ટેશનમાં છે. ખાસ વાત એ છે કે, જયારે આ કારના કાગળો તપાસવામાં આવ્યા તો પોલીસને તેના પર કરીના કપૂરનું નામ મળ્યું. એટલું જ નહીં, તેમાં કરીના કપૂરના પિતાનું નામ પણ રણધીર કપૂર લખેલું છે અને એડ્રેસ હિલ રોડ, બાંદ્રા, મુંબઈનું છે. પોલીસે મોનસન પાસેથી આવી ૨૦ કાર જપ્ત કરી છે.

પોલીસે જે પોર્શે કાર પોતાના કબજામાં લીધી છે, તેનો રજિસ્ટ્ર્રેશન નંબર મહરાષ્ટ્રનો છે. આ કાર ૨૦૦૭માં ખરીદાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, કરીના કપૂરે જયારે આ કાર વેચી હશે, તો નવા માલિકે કદાચ પોતાના નામે કાર ટ્રાન્સફર નહીં કરી હોય અને કેરળનો રજિસ્ટ્રેશન નંબર નહીં લીધો હોય. ગત દિવસોમાં બેંગલુરુમાં પણ આવો જ મામલો સામે આવ્યો હતો, જયાં એક રોલ્સ રોયલ કાર અમિતાભ બચ્ચનના નામ પર હતી.

મોનસન માવુંકલ ગત કેટલાક દિવસોથી દ્યણી જાણીતી હસ્તીઓ, રાજકારણીઓ અને ઘણા ટોચના પોલીસ અધિકારીઓ સાથે ઠગાઈ કરવાના કારણે ચર્ચામાં છે. આરોપ છે કે, તે નકલી એન્ટીક વસ્તુઓનો ધંધો કરતો હતો. એટલે કે, તે એન્ટીક વસ્તુ હોવાનું જણાવી લોકોને લોકલ સામાન પધરાવી દેતો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે દાવો કર્યો હતો કે, તેની પાસે યહૂદાના ૩૦ ચાંદીના સિક્કા છે. ટીપુ સુલ્તાનના શાહી સિંહાસન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ છે. માવુંકલ સામે વર્ષ ૨૦૧૭માં ફરિયાદ કરાઈ હતી. તેમાં ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવાયો હતો.

(9:55 am IST)