Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

જાહેર મંચ પરથી દિગ્વિજયસિંહે અમિત શાહ અને RSSની કરી પ્રશંસા

અમિત શાહ અને આરએસએસ કાર્યકર્તાઓએ ચાર વર્ષ પહેલા 'નર્મદા પરિક્રમા યાત્રા' દરમિયાન મદદ કરી હતી : દિગ્વિજયસિંહ

ભોપાલ,તા.૧: કોંગ્રેસના પંજાબ યુનિટમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે પાર્ટી નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભાજપની પ્રશંસા કરી છે. વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ ગુરૂવારે અહીં આયોજીત કાર્યક્રમમાં જણાવ્યુ કે, કઈ રીતે અમિત શાહ અને આરએસએસ કાર્યકર્તાઓએ ચાર વર્ષ પહેલા 'નર્મદા પરિક્રમા યાત્રા' દરમિયાન તેમની મદદ કરી હતી. તેવા સમયે જયારે પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ મચેલું છે દિગ્વિજય સિંહનું નિવેદન ચોંકાવનારૂ છે. તેનું બીજુ કારણ છે કે દિગ્વિજય સિંહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કટ્ટર આલોચકોમાં સામેલ છે.

ભોપાલમાં એક ક્રાર્યક્રમમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, વર્ષ ૨૦૧૭માં નર્મદા પરિક્રમામાં જે દિવસે અમે ગુજરાતથી નિકળી રહ્યા હતા ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી. તે જંગલોમાં પસાર થવા માટે રસ્તો અને રોકાવાની વ્યવસ્થા નહતી. તે સમયે એક વન અધિકારી મારી પાસે આવ્યા અને તેમણે કહ્યું કે, મને અમિત શાહનો નિર્દેશ છે કે આ સમયે અમે તમારો સહયોગ કરીએ. સંદ્ય અને ભાજપના દ્યોર વિરોધી વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ તે પણ કહ્યુ કે, આજ સુધી મારી અમિત શાહ સાથે મુલાકાત થઈ નથી.

ભોપાલમાં નર્મદા પરિક્રમા પર લખેલા એક પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં દિગ્વિજય સિંહે કહ્યુ કે, અમિત શાહે અમારી મદદ કરવાના નિર્દેશ આપ્યા હતા, જયારે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી હતી. તે જાણતા કે દિગ્વિજય તેમના સૌથી મોટા આલોચક છે તેણે (શાહે) નક્કી કર્યુ કે, અમારી યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી ઉભી ન થાય. તેમણે પહાડો વચ્ચે અમારા માટે રસ્તો શોધ્યો અને અમારા બધા માટે ભોજનની વ્યવસ્થા કરી. દિગ્વિજય સિંહે આગળ કહ્યુ કે, આ અસલ રાજનીતિક તાલમેલ અને મિત્રતાનું પ્રમાણ છે જેને આપણે કયારેક-કયારેક ભૂલી જઈએ છીએ.

દિગ્વિજય સિંહે આગળ કહ્યુ કે, આરએસએસનો હું વિરોધી રહ્યો છું પરંતુ યાત્રા દરમિયાન આરએસએસના કાર્યકર્તા મને મળતા રહ્યા. તે સમયે મેં આરએસએસના સ્વયં સેવકોને પૂછ્યુ હતુ કે તમે બધા મારા માટે આટલી મુશ્કેલી કેમ ઉઠાવી રહ્યા છો તો તેણે મને કહ્યું કે, તેમને મને મળવાનો આદેશ મળ્યો છે. જયારે અમે ભરૂચ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા તો આરએસએસ કાર્યકર્તાઓએ એક દિવસ માંઝી સમાજ ધર્મશાળામાં અમારા બધા માટે રોકાવાની વ્યવસ્થા કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યુ જે હોલમાં અમને ઉતારો આપ્યો તેની દીવાલો પર આરએસએસના દિગ્ગજો કેશવ બલિરામ હેડગેવાર અને માધવરાવ સદાશિવરામ ગોલવલકરની તસવીરો લાગી હતી. 

(9:56 am IST)