Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

દબાણમાં આવ્યું કોંગ્રેસ હાઇકમાન્ડ : જલદી બોલાવશે CWCની બેઠક

જી-૨૩ના વિરોધી સુરથી સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે કે પાર્ટી બે ભાગમાં વહેંચાઇ ગઇ છે

નવી દિલ્હી,તા. ૧: જી-૨૩ નેતાઓના ચારેય તરફથી શાબ્દિક પ્રહાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ દબાણમાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠક જલદી બોલાવવાની જાહેરાત કરી છે. જી-૨૩ નેતા પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણીની માગ કરી રહ્યા છે.

ગત વર્ષે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ કોંગ્રેસના ૨૩ સીનિયર નેતાઓએ પાર્ટીની કાર્યશૈલી, સંસ્કૃતિ અને હાઈકમાનના મુદ્દે સવાલ ઉઠાવતા ચિઠ્ઠી લખી હતી. આ નેતાઓમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, ભૂપેન્દ્ર હુડ્ડા, શશી થરૂર જેવા દિગ્ગજ નેતા સામેલ હતા. તેઓને જી-૨૩ કહેવામાં આવે છે.

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ ગુરુવારે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જી-૨૩ નેતા પાર્ટીમાં સંગઠનાત્મક ચૂંટણીની માગ કરી રહ્યા છે. આ માગને જોતા કોંગ્રેસ કાર્યસમિતિ એટલે કે CWC ની બેઠક જલદી જ બોલાવાશે.

કોંગ્રેસ તરફથી કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠક બોલાવાની જાહેરાત તે સમયે કરવામાં આવી કે જયારે કપિલ સિબ્બલે પાર્ટી હાઈકમાન્ડ પર તીખો હુમલો કર્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું હતું કે હું એક એવી પાર્ટી સાથે જોડાયેલો છું કે જેની ઐતિહાસિક વિરાસત છે અને જેણે દેશને આઝાદી અપાવી. હું મારી પાર્ટીને તે સ્થિતિમાં નથી દેખી શકતો જે સ્થિતિમાં પાર્ટી આજે છે.

કપિલ સિબ્બલના આ નિવેદન બાદ કોંગ્રેસીઓએ જ તેઓ પર તીખો હુમલો કર્યો હતો. તેમના દ્યરની સામે વિરોધ પ્રદર્શન થયું હતું. ટામેટા પણ ફેંકવામાં આવ્યા હતા. જયારે ગુરુવારે કપિલ સિબ્બલના પક્ષમાં જી-૨૩ના તમામ દિગ્ગજ નેતા ઉતરી આવ્યા. તેમણે ખુલીને કપિલ સિબ્બલનો પક્ષ લીધો. જેમાં શશી થરુર, આનંદ શર્મા, મનીષ તિવારી જેવા નેતા સામેલ હતા.

કોંગ્રેસ હાઈકમાન્ડ દબાણમાં છે કારણકે તેઓમાં પાર્ટી તૂટવાનો ડર છુપાયો છે. જી-૨૩ના વિરોધી સુરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. એક જેઓ ગાંધી પરિવારના સમર્થનમાં છે અને બીજા કે જેઓ સુધારની માગ પર અડી ગયા છે.

(9:56 am IST)