Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

દેશભરમાં ૧ લાખની વસ્તી પર સરકારી હોસ્પિટલોમાં ફકત ૨૪ બેડ

કેન્દ્ર સરકારની ટોચની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં ચોંકાવનારા ખુલાસા : સ્વાસ્થ્ય સુવિધા આપવામાં સરકાર ફેલ : સૌથી ખરાબ સ્થિતિ બિહારની : ગુજરાતમાં પણ સ્થિતિ ભયંકર

નવી દિલ્હી તા. ૧ : કેન્દ્ર સરકારની ટોચની થિંક ટેંક નીતિ આયોગ દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાંથી જાણવા મળ્યુ છે કે, દેશની સરકારી હોસ્પિટલોમાં લોકો માટે બેડ્સની ભારે તંગી છે. અધ્યયનમાં સામે આવ્યુ છે કે, દેશની જિલ્લા હોસ્પિટલોમાં એક લાખની વસ્તી પર સરેરાશ ૨૪ બેડ્સ જ છે. તેમાંથી સૌથી ખરાબ સ્થિતી બિહારની છે. અને પુડુચેરી સૌથી સારી સ્થિતીમાં છે.

બિહારમાં સરકારી હોસ્પિટલમાં તેની સરેરાશ સંખ્યા માત્ર ૬ છે. જયારે પુડુચેરીમાં ૨૨૨ છે. જિલ્લા હોસ્પિટલોમાં કામકાજમાં સુધારાને લઈને નીતિ આયોગના રિપોર્ટમાંથી જાણકારી મળી છે કે, અમુક ખાસ સેવાઓ અંતર્ગત દેશના ૨૪ રાજયો અન કેન્દ્રશાસિત પ્રદેશોના ૭૫ જિલ્લા હોસ્પિટલોનું પરફોર્મેંસ ખૂબ સારૂ આવ્યું છે.

જો રાજયવાર આંકડા પર નજર કરીએ તો, નીતિ આયોગના જણાવ્યા અનુસાર ૧૫ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રતિ ૧ લાખ જનસંખ્યા પર બેડ્સની સંખ્યા ૨૨થી ઓછી છે. તેમાં બિહારમાં ૬, ઝારખંડમાં ૯, તેલંગણામાં ૧૦, યુપીમાં ૧૩, હરિયાણામાં ૧૩, મહારાષ્ટ્રમાં ૧૪, જમ્મુ કાશ્મીરમાં ૧૭, આસામમાં ૧૮, આંધ્ર પ્રદેશમાં ૧૮, પંજાબમાં ૧૮, ગુજરાતમાં ૧૯, રાજસ્થાનમાં ૧૯, પશ્ચિમ બંગાળમાં ૧૯, છત્તીસગઢમાં ૨૦ અને મધ્ય પ્રદેશમાં આ સંખ્યા ૨૦ છે.

એવા રાજયો જયાં સરેરાશ બેડ ૨૧ થી વધારે છેઃ પુડુચેરી (૨૨૨), આંદામાન અને નિકોબાર ટાપુઓ (૨૦૦), લદાખ (૧૫૦), અરૂણાચલ પ્રદેશ (૧૦૨), દમણ અને દીવ (૧૦૨), લક્ષદ્વીપ (૭૮), સિક્કિમ (૭૦), મિઝોરમ ( ૬૩), દિલ્હી (૫૯), ચંદીગઢ (૫૭), મેઘાલય (૫૨), નાગાલેન્ડ (૪૯), હિમાચલ પ્રદેશ (૪૬), કર્ણાટક (૩૩), ગોવા (૩૨), ત્રિપુરા (૩૦), મણિપુર (૨૪) ઉત્તરાખંડમાં (૨૪), કેરળ (૨૨), ઓડિશા (૨૨) અને તમિલનાડુ, સરેરાશ સંખ્યા એક લાખ વસ્તી દીઠ ૨૨ હોવાનું જણાયું હતું.

નીતિ આયોગે તેના અભ્યાસમાં હોસ્પિટલોમાં પથારીની ઉપલબ્ધતા, દર્દીઓ માટે ઉપલબ્ધ ચકાસણી સુવિધાઓ, પેરામેડિકલ સ્ટાફ તેમજ તબીબી સ્ટાફની સંખ્યા, ઉપચાર માટે ડોકટરોની ઉપલબ્ધતાનો આધાર બનાવ્યો છે. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલ, CEO અમિતાભ કાંત, ભારતમાં WHO ના પ્રતિનિધિ ડો.રોડેરિકો ઓફ્રિન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિમાં, દેશભરમાં એક લાખની વસ્તી માટે જિલ્લા હોસ્પિટલોમાં સરેરાશ માત્ર ૨૪ બેડ ઉપલબ્ધ છે.

દેશભરમાં કુલ ૭૦૭ જિલ્લા હોસ્પિટલોમાં હાથ ધરાયેલો આ અભ્યાસ ૨૦૧૭-૧૮ માટે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ (HMIS) ડેટા પર આધારિત છે. ડેટામાં જાણવા મળ્યું કે, કેટલીક હોસ્પિટલો એવી હતી જયાં એક લાખની વસ્તી માટે સરેરાશ માત્ર ૨૨ બેડ ઉપલબ્ધ છે.

(10:51 am IST)