Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજકોટમાં કશ્મીરી કલાકારો દ્વારા પહેલીવાર કશ્મીરી ભાષામાં ગુંજશે ભજન ''વૈષ્ણવ જન તો તેને રે કહીએ''

ગાંધી જયંતીથી શરૂ થશે ''નરસિંહ સે ગાંધી તક યાત્રા'' જેનું સમાપન ૬ ઓકટોબરે રાજકોટમાં થશે * કાર્યક્રમમાં વિનોબા ભાવેની કશ્મીર યાત્રામાં લોકો સાથે કરેલ સંવાદનું ગુજરાતી અનુંવાદ રૂપે પુસ્તક ''મહોબ્બત કા પૈગામ''નું વિમોચન થશે * કશ્મીરી અને બોડો ભાષામાં ગાંધીની આત્મકથાનું વિમોચન કરાશે

રાજકોટ, તા.૧: રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીને અતિ પ્રિય એવા ભજન ''વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાને રે..'' આપણે દરેકે સાંભળ્યું છે, ગાયું છે. કયારેય આપણે કલ્પના કરી છે કે આ ભજન ગુજરાતી કે હિન્દી સિવાય અન્ય ભાષા ઉપરાંત કશ્મીરી કલાકારો દ્વારા કશ્મીરી ભાષામાં પણ રજુ થઇ શકે? આગામી તા.૬ ઓકટોબરે રાજકોટના હેમુગઢવી મીનિ ઓડિટોરિયમમાં આ સુંદર કલ્પના સાકાર થવા જઇ રહી છે. કશ્મીરી કલાકારો દ્વારા કશ્મીરી ભાષામાં ભજન ''વૈષ્ણવ જન..'' રાજકોટમાં પહેલીવાર રજુ થશે.

આ શકય બન્યું છે સમાજસમર્પિત સંસ્થા ''વિશ્વગ્રામ''ના સૂત્રધાર તુલાબેન તેમજ સંજયભાઇ ભાવસાર (તુલા-સંજય) દ્વારા. ગાંધી જયંતી થી પાંચ દિવસ એક સુંદર કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેનું નામ અપાયું છે ''નરસિંહ સે ગાંધી તક.'' નરસિંહ અને ગાંધીના ભજન ''વૈષ્ણવજન..''ની પહેલી વખત કશ્મીરી ભાષામાં પ્રસ્તુતિ ઉપરાંત, કશ્મીરી અને બોડો ભાષામાં ગાંધીની આત્મકથાનું વિમોચન અને ''મહોબ્બત કા પૈગામ'' (વિનોબાજીએ કશ્મીરની ૮૦ દિવસની પદયાત્રા દરમિયાન લોકો સાથે કરેલ સંવાદ) પુસ્તકના ગુજરાતી અનુંવાદ ''મહોબ્બતનો પૈગામ'' નું વિમોચન યોજાશે. કાર્યક્રમની શરૂઆત ૨ ઓકટોબર ગાંધીજયંતીએ સાબરમતી આશ્રમ-અમદાવાદ થી થશે. જેમાં સંવાદકર્તા-વિમોચનકર્તા સુધીન્દ્ર કુલકર્ણી અને રાજેન્દ્રસિંહ રહેશે. ૩ ઓકટોબરે ભાવનગરમાં અને ૪ ઓકટોબરે બાબાપુર (અમરેલી) માં કાર્યક્રમ યોજાશે જેમાં કુમાર પ્રશાંત ઉપસ્થિત રહેશે. જયારે ૫ ઓકટોબરે જૂનાગઢ અને ૬ ઓકટોબરે રાજકોટમાં સમાપન થશે જેમાં મેગસેસ એવોર્ડ વિજેતા રાજેન્દ્રસિંહ ઉપસ્થિત રહેશે. આ તમામ જગ્યાએ કશ્મીરી ભાષામાં વૈષ્ણવજન.. સ્નેહ સંગીતની પ્રસ્તુતી આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહેમદ ગનાઇ દ્વારા કરાશે.

વિશ્વગ્રામ એ અર્થઉપાર્જનની કોઈ પ્રવૃત્તિ કરવાને બદલે આ માતૃભૂમિના ગામડાના અને છેવાડાના માણસો માટે સમર્પિત થઈને ગામડામાં રહીને કામ કરતી સંસ્થા છે. વર્ષ ૧૯૯૩ની રામનવમીના દિવસે ''વિશ્વગ્રામ''

અંકુરિત થયું. તુલાબેન અને સંજયભાઇ કહે છે વિશ્વગ્રામ એ સુંદર જીવન જીવવા સમાજને સુંદર બનાવવા માટેની મથામણ માત્ર છે. કંઈક આવા મિજાજથી તેઓ મુખ્યત્વે (૧) સ્નેહ ગ્રામ (૨) યુવાગ્રામ (૩) કિતાબગ્રામ (૪) કરૂણાગ્રામ (પ) શાંતિગ્રામ.. જેવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. જેમાં ઘરવિહોણા બાળકોની ભણે-ગણે-રમે તે કાર્ય, બાળમેળાઓનું આયોજન. યુવાગ્રામ હેઠળ યુવા શિબિરોનું આયોજન જેમાં ૫૦૦ જેટલા યુવા શિક્ષકો જોડાયેલા છે. જીવનશાલા, બ્લડ ડોનેશન કેમ્પ, જંગલ ભ્રમણ-ટ્રેકિંગ વગેરે પ્રવૃતિઓ. જયારે કિતાબગ્રામ હેઠળ પુસ્તક સપ્તાહ, ફૂટપાથલાઈબ્રેરી, પુસ્તક પરબ, પુસ્તક મેળો, પુસ્તક પ્રદર્શન, પુસ્તક યાત્રા, વિચાર શિબિર, વિચાર ગોષ્ઠિ, વિચાર ફેરી, જ્ઞાનમંદિર ખોલો અને વાંચન પરબ જેવા કાર્યક્રમો યોજે છે. એજ રીતે કરુણાગ્રામ હેઠળ વિશ્વગ્રામ કુદરતી આફત વેળાએ મદદનું સદ્યળૂ કામ કરે છે. વિશ્વગ્રામને તેમની ઉમદા પ્રવૃતિઓ બદલ અનેક એવોર્ડ્સ પણ મળ્યા છે. જેમાં સંતબાલ એવોર્ડ, ઈન્ડિયન મર્ચન્ટસ ચેમ્બર્સ એવોર્ડ-મુંબઈ, અશોક ગોંધિયા એવોર્ડ, જાગૃતજન અભિવાદન એવોર્ડ, નીરૂભાઈ દેસાઈ સ્મૃતિ એવોર્ડ, માનભાઈ ભટ્ટ સ્મારક એવોર્ડ, ધરતી રત્ન એવોર્ડ, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ સમાજ ઉત્કર્ષ એવોર્ડ અને ગાંધી મિત્ર એવોર્ડ મુખ્ય છે.

છેલ્લા બે વર્ષથી કશ્મીરના લોક અને સૂફી ગાયક ગુલઝાર એહમદ ગન્હાઇ, કોઇ જ પુરસ્કાર લીધા વિના ગુજરાત આવે છે અને વિશ્વગ્રામ એમની સાથે સ્નેહ-સંગીતનો આ કાર્યક્રમ જુદી જુદી જગ્યાએ યોજે છે. આરીફ મોહમ્મદખાન પણ આ યાત્રામાં જોડાય છે. અત્યાર સુધીમાં આઠ કાર્યક્રમો વિશ્વગ્રામે યોજયા છે. સંગીત દ્વારા સ્નેહનું આદાન પ્રદાન આના દ્વારા થાય છે. કુસુમ કૌલ વ્યાસ કે જેઓ કશ્મીરી પંડિત છે અને ગુજરાતમાં પરણેલા છે તેઓએ ભજન વૈષ્ણવજન નું કશ્મીરી ભાષામાં અનુંવાદ કરાવ્યો છે. જે અનુંવાદ શાહબાસ હકબારીએ કર્યો છે અને ગુલઝાર અહમદ ગનાઇએ ગાયું છે. આનો પહેલો કાર્યક્રમ ગણપત યુનિવર્સિટીમાં થયેલો. એજ રીતે વિનોબા ભાવેના પુસ્તકના સંવાદનો અનુંવાદ મોહનભાઇ દાંડીકર અને કૈલાશભાઇ ઉપાધ્યાયે કર્યો છે.

રાજકોટમાં આ પ્રકારનો કાર્યક્રમ શ્રી અનામિકભાઇ શાહ ના પ્રયાસોથી શકય બન્યો છે. કશ્મીરી કલાકારો દ્વારા પહેલીવાર કશ્મીરી ભાષામાં ''વૈષ્ણવજન તો તેને રે કહીએ'' ગુંજશે જે ખરેખર ભાવવાહિ બની રહેશે.

સંપર્કઃ તુલા-સંજય, ''વિશ્વગ્રામ'' મુ.પો.બાસણા, તા.વિસનગર, જિ.મહેસાણા, ફોન : ૨૭૬૨-૨૩૦૩૩૫ મો. ૯૪૨૬૩ ૮૮૨૩૪ (૩૦.૩)

 પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫ ૫૮૪૬૯

(12:04 pm IST)