Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

છ દાયકાથી ફિલ્મી દુનિયામાં કમાલ કરી રહેલું પાત્ર ફરીથી પડદે ધૂમ મચાવશે

જેમ્સ બોન્ડ : સિક્રેટ એજન્ટના દિલધડક 'સિક્રેટ'

જયારે પણ કોઈ જાસુસ કે ગુપ્તચરનું નામ લેવાય ત્યારે વિશ્વ વિખ્યાત સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડ ૦૦૭ આપણને અચૂક યાદ આવે જેના હેરત પમાડે તેવા સાહસ રોમાંચથી ભરપુર દિલધડક પરાક્રમો આપણી  નજર સમક્ષ આપોઆપ તરી આવે જેની ઓળખ સમું ટ્રેડમાર્ક થઇ ગયેલું તેનું ફેમસ વાકય માય નેમ ઇસ બોન્ડ...જેમ્સ બોન્ડ આપણા કાનોમાં અપોઆપ ગુંજી આવે.

બાઈક, બોટ કે કારથી માંડીને એરક્રાફટ, સબમરીન કે સ્પેસ શટલ સુધીના માનવ સર્જિત તમામ પ્રકારના વાહનો, યંત્રો અને ઉપકરણો ચલાવવાની કુશળતા ધરાવતો, કમનીય કોમલાંગીનીઓને માદક છટાથી ઈશારામાંજ પટાવી લેતો અને ઓચિંતી આવી પડતી અફતોનો સામનો કરવા ગન, ગર્લ અને ગેઝેટ (નાના યંત્રો) ના સથવારે હર હંમેશા તૈયાર રહેતા વિશ્વના સૌથી પ્રખ્યાત એવા જાસુસ જેમ્સ બોન્ડ ૦૦૭એ છેલ્લા કેટલાયે દાયકાઓથી વિશ્વના ફિલ્મ ઇતિહાસમાં તેમજ સીને રસિકોના દિલોદિમાગમાં પોતાની આગવી શૈલીથી એક અલગજ છાપ ઉપસાવી છે જેના પરિણામે બોન્ડની દરેક નવી ફિલ્મની આજેપણ વિશ્વભરમાં આતુરતાથી રાહ જોવાય છે.

દર વખતે એક પડકારરૂપ સિક્રેટ મિશન પાર પડવાની પેરવી કરતો, પહાડોની ચોટીઓ પર કે ભોયતળીયે, બર્ફીલા પ્રદેશોમાં કે રણવિસ્તારોમાં, સમુદ્રતળીયે કે નભમંડળમાં આવેલા દુશમનોના હાઈ ફાઈ અડ્ડાઓમાં યેનકેન પ્રકારે ઘુસી જઈ ગમે તેટલી હદે જોખમ ઉઠાવી યેન મોકા પરજ દુશમનોની મેલી મુરાદોને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવતો વિશ્વનો સૌથો લોકપ્રિય જાસુસ જેમ્સ બોન્ડ ૦૦૭ વિશ્વ સિને ઈતિહાસની એક દંતકથા બની ગયો છે જે સીનેમાંના રૂપેરી પરદા પર આવનારા વર્ષ ૨૦૨૨માં સફળતાપૂર્વક પોતાના ૬ દાયકાઓ એટલે કે ૬૦ વરસો વર્ષ પુરા કરશે.

આમ છેલ્લા ૬૦ વર્ષોથી જેમ્સ બોન્ડ તેના દર્શકોને એકધારું મનોરંજન પીરસી રહયો છે. બોન્ડની દરેક ફિલ્મમાં જોવા મળતા નીતનવા રમણીય લોકેશનો, દુશમનોના અતિ-ખર્ચાળ આધુનિક અડ્ડાઓ, ખોફનાક વિલનો, બોન્ડનો પીછો કરતા ખતરનાક ખાંધીયાઓ, સુંદર કામણગીરી સુંદરીઓ, જીવસટોસટીના દિલધડક સ્ટંટો, કાર, બાઈક કે બોટ ચેઇઝો, યંત્ર ઉપકરણોના આશ્ચર્ય પમાડે તેવા ઉપયોગ, હેરત પમાડે તેવા વૈજ્ઞાનિક પ્રયોગો ઈત્યાદી બોન્ડ ફિલ્મની સફળતા પાછળ છુપાયેલી ગેરંટેડ સિક્રેટ ફોર્મુલા છે જેના આધારે છેલ્લા ૬૦ વર્ષોમાં એકમાત્ર બોન્ડના પાત્ર પરથીજ બનેલી ૨૫ ફિલ્મોમાંથી અમુક અપવાદને બાદ કરતા બાકીની તમામ ફિલ્મોએ તેના નિર્માતાઓને ધીખતી કમાણી કરાવીને ન્યાલ કરી દીધા છે.

એક સમયે અત્યંત જંગી બજેટમાં બનેલી તથા એવીજ ધરખમ કમાણી કરાવી ગયેલી હોલીવૂડની એવરગ્રીન ફિલ્મો 'ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકઈતથા 'ગોન વિથ ધ વિન્ડ' કરતા પણ અનેક ગણી કમાણી બોન્ડ ફિલ્મોએ તેના નિર્માતાઓને કરાવી છે.

આમ જેમ્સ બોન્ડની દરેક ફિલ્મો બોક્ષ ઓફીસ પર ટંકળાસ પાડનારી, ધીખતી કમાણી કરનારી તેમજ અઢળક વેપલો કરનારી જેકપોટ સાબીત્ત્। થઈને તેના નીર્માંતાઓને ખુબજ ફળી છે.

અત્યાર સુધીમાં સતાવાર રીતે જેમ્સ બોન્ડની કુલ ૨૫ ફિલ્મો બની છે જે પચીસેય ફિલ્મોનું નિર્માણ લંડન સ્થીત ઈઓન (અ'વેરીથીંગ ઓર નથીંગ) પ્રોડકશન્સ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. ઇઓન પ્રોડકશન્સના કહેવા મુજબ વિશ્વભરની અડધાથી પણ વધુ વસ્તીએ જેમ્સ બોન્ડની કમ સે કમ એક ફિલ્મ તો નીહાળીજ છે.

જેમ્સ બોન્ડની સર્વ પ્રથમ ફિલ્મ ડોકટર નો. ૫ ઓકટોબર ૧૯૬૨ના રોજ તેના ભવ્ય પ્રિમીઅર શો સાથે લંડનના લંડન પેવેલિયન સિનેમાઘરમાં રિલીઝ કરાઈ હતી.

આમ વર્ષ ૧૯૬૨ થી આવનારા વર્ષ ૨૦૨૨ સુધીના છ દાયકાઓથી થાકયા વગર દુશમનોની સામે એકલા હાથે એકધારા લડી રહેલા જાંબાઝ જાસુસ જેમ્સ બોન્ડ ૦૦૭ આગામી વર્ષ ૨૦૨૨માં સીનેમાંના રૂપેરી પરદા પર તેના ૬૦ વર્ષો પુરા કરશે.

પરદા પર જેમ્સ બોન્ડ ભલેને ૬૦ વર્ષનો થવા જઈ રહયો હોઈ પરંતુ તેનો જન્મ આજથી ૬૮ વર્ષો પહેલા બ્રિટીશ લેખક ઇયાન ફલેમિંગની પ્રસિદ્ઘ થયેલી સુપરહિટ નવલકથા 'કેસીનો રોયલ' વખતે વર્ષ ૧૯૫૩માં થઇ ચુકયો હતો. તેમણે સર્જેલું જેમ્સ બોન્ડનું પાત્ર બ્રિટીશ સિક્રેટ સર્વીસ એજન્ટ ઉપરાંત એમ.આઈ.૬, કોડ નેમ ૦૦૭, ડબલ ઓ સેવન, મિ. બોન્ડ વગેરે જેવા ઉપનામોથી પણ વધારે જાણીતું છે.

કથામાં દર્શાવ્યા મુજબના સાહસિક પરાક્રમો કરતો ખુદ જેમ્સ બોન્ડ પોતે પણ ગ્રેટ બ્રિટનના રોયલ નેવલ વોલેન્ટર રિઝર્વ દળનો ભૂતપૂર્વ  કમાન્ડર હતો.

જેમ્સ બોન્ડના પાત્રએ ઇયાન ફલેમીંગને એટલી બધી સફળતા અને પ્રસિદ્ઘિ અપાવી કે પ્રખ્યાત મેગેઝીન 'ટાઇમ' દ્વારા થયેલા એક સર્વેમાં વર્ષ ૧૯૪૫થી વર્ષ ૨૦૦૮ સુધીના કાલ્પનિક કથાઓ લખનારા સર્વશ્રેષ્ઠ ૫૦ અંગ્રેજી લેખકોમાં ઇયાન ફલેમીંગને ૧૪માં નંબરે નવાજવામાં આવેલો અને કાલ્પનિક કથાઓના વેચાણમાં વિશ્વની બેસ્ટ સેલિંગ ફીકસ્નલ બુકસ (સૌથી વધુ વેચાનારી કાલ્પનિક કથાઓ) માં જેમ્સ બોન્ડની કથાઓ સદા અગ્રેસર હોઈ તેની અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક ૧૦૦ મિલિયન પુસ્તકો વહેચાઈ ચુકયા છે.

વધુ પડતા શરાબના સેવનથી અને વધુ પડતી સિગારેટોને વારંવાર ફૂંકે રાખવાની જાનલેવા કુટેવથી ઇયાન ફલેમીંગ હૃદય રોગની ગંભીર બીમારીમાં જકડાઈ ગયા અને તારીખ ૧૨મી ઓગસ્ટ ૧૯૬૪ના રોજ જેમ્સ બોન્ડના કાલ્પનિક પાત્રને આજીવન અમરત્વ બક્ષનાર આ મહાન લેખકનું દુઃખદ અવસાન થયું.

તેમનું મૃત્યુ થયાના ૫૭ વર્ષો પછી આજની તારીખે જયારે પણ કોઈ બોન્ડ ફિલ્મનું નિર્માણ થાય છે ત્યારે તેમણે સર્જેલા આ અમર પાત્રની રોયલ્ટીની આવક પેટે ખુબજ જંગી રકમ તેમના વારસદારોને આજેપણ અચૂકપણે ચૂકવાય છે.

આમ જેમ્સ બોન્ડનું પાત્ર સર્જનારા બ્રિટીશ લેખક ઇયાન ફલેમીંગે જેમ્સ બોન્ડના પાત્ર સાથેની કુલ ૧૧ નવલકથાઓ, ૨ ટૂંકી વાર્તાઓના સંગ્રહો અને બાળ વાર્તા ચીટી ચીટી બેંગ બેંગનું સર્જન કર્યું છે જે તમામ પૈકીની 'કેસીનો રોયલ' પ્રસિદ્ઘ થયેલી તેમની સર્વપ્રથમ નવલકથા હતી જેના દ્વારા લોકો જેમ્સ બોન્ડના નામથી પરિચિત થઇ ચુકયા હતા.

ફલેમિંગ પોતાના આ વાર્તા સંગ્રહને કોઈ ટી.વી. સીરીયલ કે ફિલ્મ માટે વહેંચવા ઈચ્છતા હતા પણ ન તો તેમને કોઈની ઓફર મળી કે ન તેમની કોઈએ નોંધ સુદ્ઘા લીધી.

છેવટે અમેરીકન ટેલીવીઝન માટે પ્રોગ્રામ બનાવવા હેતુસર કોલમ્બિયા બ્રોડકાસ્ટિંગ કંપનીએ માત્ર એક હજાર ડોલરમાંજ તેના હક્કો ખરીદયા જેમાં અમેરીકન અભીનેતા બેરી નેલ્સને જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવી હતી.

ઇયાન ફલેમીંગની ત્યારબાદ આવેલી ડોકટર નો. નામની નવલકથા બેસ્ટ સેલર પુરવાર થઇ જેનાથી અલબર્ટ બ્રોકોલી (જે પછીથી કબીના નામથી વધુ પ્રખ્યાત થયેલા) નામનો એક અમેરીકન ખુબજ પ્રભાવિત થયેલો. તેણે આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો પણ ફલેમિંગની વાર્તાઓના હક્કો કેનેડીયન નિર્માતા હેરી સેલ્ત્જમેન પાસે હોવાથી બંનેએ ભેગા મળીને ૧૯૬૧માં ઈઓન(અ'વેરીથીંગ ઓર નથીંગ) નામથી એક પ્રોડકશન્સ કંપનીની સ્થાપના કરી.

આમ ઈઓન  કંપનીના બેનર હેઠળ પ્રથમ બોન્ડ ફિલ્મ ડોકટર નો. નું  નિર્માણ થયું જેનો કુલ નિર્માણ ખર્ચ હતો ૯ લાખ પાઉન્ડ અને તેનો વકરો ૮૦ લાખ પાઉન્ડને વટાવી ગયો જે ત્યારપછીના ભવિષ્યમાં જેમ્સ બોન્ડના નામે વાગનારા ડંકાની રણકાર માત્ર હતી.

ડોકટર નો. ની સફળતા પછી જેમ્સ બોન્ડે કદી પાછુ વળીને જોયું નથી. ડોકટર નો. ફિલ્મમાં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માટે સૌપ્રથમ પેટ્રિક મેકગુહાન  નામના અભિનેતાની વરણી થઇ હતી પણ ઇયાન ફલેમીંગની ઈચ્છા ન હોવા છતા છેલ્લી ઘડીએ તે વખત સફળ થયેલી 'ડર્બીઓ ગીલ' અને 'લીટલ પીપલ' ફિલ્મના હીરો સિન કોનેરી અનાયાસે ડોકટર નો. માં બોન્ડ તરીકે આવી ગયો જે પછીથી બોન્ડ ફિલ્મોની સફળતાનો સૌથી મહત્વનો હિસ્સો બની ગયો.

સિન કોનેરીને બોન્ડ બનાવવા સામે શરૂઆતમાં વિરોધ કરતા ફલેમીંગને પાછળથી કબૂલવું પડેલું કે જેમ્સ બોન્ડના પાત્ર માટે સિન કોનેરીથી વધુ યોગ્ય બોન્ડ તેમને મળી શકયો ન હોત.

છ ફૂટ બે ઇંચ ઉંચાઈ ધરાવતા મૂળ સ્કોટલેન્ડના પરંતુ હીરો બન્યા પછી અમેરિકામાં સ્થાયી થયેલા સિન કોનેરીનું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું હતું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેણે ન્યૂડ મોડેલીંગનું કામ પણ મજબુરીમાં કર્યું હતું.

સિન કોનેરીને સૌપ્રથમ બોન્ડ ફિલ્મમાં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માટે તે સમયે માત્ર સવા લાખ ડોલરજ મળેલા જયારે પીયર્સ બ્રોસ્નનને તેની પ્રથમ બોન્ડ ફિલ્મ માટે ૪ મિલિયન ડોલર (લગભગ ૩૦ કરોડ રૂપિયા) મળેલા.

સિન કોનેરીનો સિતારો બોન્ડ સીરીઝની 'ગોલ્ડ ફીન્ગર' ફિલ્મથી એવો ચમકયો કે તેણે ત્યારપછી પછી પાછુ વળીને કયારેય જોયુંજ નથી.

'ગોલ્ડ ફિંગર' ફિલ્મની ગાંડી સફળતાએ સીન કોનેરીનો સિતારો બુલંદ કરી તેને સફળતાના સર્વોતમ શિખર પર બેસાડી દીધેલો અને રીલ લાઈફમાં જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનાર સીન કોનેરીને રીઅલ લાઇફમાં પણ બધા જેમ્સ બોન્ડ, મિ. બોન્ડ કે ૦૦૭ના વિવિધ નામોથી ઓળખવા લાગેલા.

કેટલાક લોકો તો તેને સિને મીલ્યોનરના હુલામણા નામથી પણ સંબોધતા. એક સમયે અતિ ગરીબીમાં જીવેલા સિન કોનેરી પર બોન્ડ ફિલ્મોએ ડોલરોનો વરસાદ વરસાવ્યો અને અન્ય ફિલ્મો માટે એ વખતે ૫ લાખ ડોલર મેળવતા સિનને બોન્ડ ફિલ્મમાં કામ કરવાના ૨૨ લાખ ડોલર ઉપરાંત નફાના હિસ્સામાં ૬ ટકા ભાગ મળતો થઇ ગયેલો.

આમ માત્ર બોન્ડ ફીલ્મોએજ સિન કોનેરીને અઢી કરોડ ડોલર્સ કમાવી આપ્યા છે. કોનેરીના માથા પર પડતી ટાલના સમાચાર એક અખબારમાં છપાઈ જવાથી  ચિંતિત થઇને બોન્ડ ફિલ્મના નિર્માતાઓએ નવા બોન્ડની શોધખોળ શરૂ કરી. આ વાતની જાણ થતા કોનેરી વીફર્યો અને બોન્ડ ફિલ્મના નિર્માતાઓ તેની નારાજગીનો ભોગ બન્યા.

અંતે બોન્ડ સિરીઝની 'ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ' ફિલ્મ માટે ઓસ્ટ્રેલિયન મોડેલ ટર્નડ અભિનેતા જયોર્જ લેઝેન્બીને બોન્ડ બનવાનો મોકો મળ્યો. પણ બોન્ડ તરીકે જયોર્જ જરાપણ ન ચાલ્યો.

બોન્ડ ફિલ્મના નિર્માતાઓ ફરીવાર સિન કોનેરી પાસે પાછા ફર્યા અને તેમણે કોનેરીને 'ડાયમન્ડ્સ આર ફોરએવર'  ફિલ્મમાં કામ કરવા માટે તેણ માંગેલી રકમમાં પરત ફેરવ્યો.

કોનેરીએ 'ડાયમન્ડ્સ આર ફોરએવર' ફિલ્મથી ફરીવાર બોન્ડ તરીકે પુનઃ પ્રવેશ કર્યો જે બોન્ડ તરીકેની તેની છેલ્લી ફિલ્મ હતી.

'ડાયમન્ડ્સ આર ફોરએવર' ફિલ્મ પણ કોનેરીની અન્ય ફિલ્મોની માફક બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ.

'ડાયમન્ડ્સ આર ફોરએવર' ફિલ્મમાંથી થયેલી તમામ આવક (એ વખતના લગભગ ૯ કરોડ ૩૦ લાખ રૂપિયા) સિન કોનેરીએ સ્કોટલેન્ડની ગરીબ શાળાઓના ઉધ્ધાર ખાતર દાનમાં આપી દીધેલા. 

સિન કોનેરીએ બોન્ડ સિરીઝની 'ડોકટર નો., 'ફ્રોમ રશીયા વિથ લવ', 'ગોલ્ડ ફિંગર', 'થન્ડર બોલ', 'યુ કેન ઓન્લી લીવ ટવાઇસ' તથા 'ડાયમન્ડ્સ આર ફોરએવર' મળીને કુલ છ ફિલ્મોમાં બોન્ડ તરીકે કામ કર્યું છે.

કોનેરીએ બોન્ડ બનવાની ના પાડતા બ્રોકોલી નવા જેમ્સ બોન્ડની શોધમાં હતા ત્યાં આકસ્મિક રીતે બધું આપોઆપ પતિ ગયુ. લંડનના સાઉથ હોલ વિસ્તારમાં રહેતા રોજર મુરેનો ભેટો બ્રોકોલીને ત્યાંની સુપર માર્કેટમાં અનાયાસેજ થઇ ગયો.

દરવાજો ખોલીને બહાર નીકળેલા સવા છ ફૂટના ઊંચા માંજરી આંખોવાળા આ બ્રિટીશ યુવાનમાં બ્રોકોલીને જેમ્સ બોન્ડના દર્શન થયા અને ન તો તેમણે અખબારમાં જાહેરાત આપવાની જરૂર પડી કે ન અન્ય કોઈ અભિનેતાનો સ્ક્રીન ટેસ્ટ લેવાની ફરજ પડી. તેમણે નવા બોન્ડની ટ્રાયલ વખતે વિતરકોને સુધ્ધા ન બોલાવ્યા.

આમ બ્રિટીશ એકટર રોજર મુરેને બોન્ડ સિરીઝની 'લીવ એન્ડ લેટ ડાય' ફિલ્મથી જેમ્સ બોન્ડ બનવાનો મોકો મળ્યો. ફિલ્મ સફળ થઇ અને ત્યાર પછી આવેલી 'ધ મેન વીથ ધ ગોલ્ડન ગન' પણ હીટ પુરવાર થઇ.

રોજર મુરે જેમ્સ બોન્ડ તરીકે પ્રસ્થાપિત થઇ ચુકયો હતો ત્યાંજ ૧૯૭૭માં બ્રોકોલીના ભાગીદાર (સહ નિર્માતા) હેરીએ પોતાના ભાગના શેરો યુનાઈટેડ આર્ટીસ્ટ નામની ફિલ્મ કંપનીને વહેંચી દીધા. (આ યુનાઈટેડ આર્ટીસ્ટ ફિલ્મ કંપનીનો લોગો ત્યાર પછીની બોન્ડની દરેક ફિલ્મ શરૂ થતાની સાથેજ જોવા મળે છે).  

હેરી ભાગીદાર તરીકે છુટો થયા પછી પણ બ્રોકોલીને કસોજ ફેર ન પડ્યો અને તેમણે પોતાનું નિર્માણ કાર્ય ચાલુજ રાખ્યું. બ્રોકોલીએ ત્યારપછી રોજર મુરેની સાથે 'ધ સ્પાય હુ લવ્ડ મી', 'મુન રેકર', 'ફોર યોર આઈઝ ઓન્લી', 'ઓકટોપસી' અને 'એ વ્યૂ ટુ અ કિલ' નામની ફિલ્મો બનાવી જે તમામ ફિલ્મો સુપરહીટ સાબિત થઇ.

સીન કોનેરી કરતા પરદા પર વધુ સેકસી હરકતો કરનાર રોજર મુરેએ તેર વરસોમાં જેમ્સ બોન્ડની સૌથી વધુ સાત ફિલ્મો કરી.

રોજર મુરેએ બોન્ડ તરીકે નિવૃત્ત્િ। લીધા બાદ કેટલાય વર્ષો સુધી જેમ્સ બોન્ડ પર એકપણ ફિલ્મ ન બની.

ફરીવાર નવા જેમ્સ બોન્ડ ની શોધ ખોળ શરૂ થઇ અને બ્રિટનના વેલ્સ પ્રદેશના રહેવાસી ટીમોથી ડાલ્ટનને બોન્ડ તરીકે અજમાવવામાં આવ્યો.

આજ ટીમોથી ડાલ્ટનને ૧૯૭૦ના દશકમાં બોન્ડ બનવાની તક મળેલી પણ એ વખતે એ પોતે હજુ યુવાન છે તેમ કહીને તેણે એ તક જતી કરેલી.

ટીમોથીએ 'ધ લિવિંગ ડે લાઈટસ ' તથા 'લાઇસન્સ ટુ કિલ' ફિલ્મોમાં જેમ્સ બોન્ડ તરીકે ભૂમિકા ભજવી પણ દર્શકોએ તેને બોન્ડ તરીકે ન સ્વીકાર્યો આથી ટીમોથીએ અર્કાળેજ બોન્ડ ફિલ્મોમાંથી ફરજીયાત વિદાય લેવી પડેલી.   

ફરીવાર નવા જેમ્સ બોન્ડની શોધખોળ શરૂ થઇ અને આ વખતે બોન્ડ તરીકેની પસંદગી ફરી એકવાર પીયર્સ બ્રોસ્નન સુધી આવીને અટકી ગઈ.

બોન્ડ ફિલ્મના નિર્માતાઓએ વર્ષ ૧૯૮૭માં ટીમોથી ડાલટનને બોન્ડ તરીકે રજુ કર્યો તે પહેલા વર્ષ ૧૯૮૬માં બોન્ડ બનવાની ઓફર પીયર્સ બ્રોસ્નનને કરેલી પરંતુ તે વખતે તે 'રેમીન્ગટન સ્ટીલ' નામની ટી.વી. સીરીયલના કરારમાં બંધાયેલો  હોવાથી તેણે તે ઓફરને જતી કરવી પડેલી.

વર્ષો બાદ ટીમોથી ડાલટનની બોન્ડ તરીકેની અકાળે થયેલી વિદાય પછી ફરી એકવાર બોન્ડ ફિલ્મના નિર્માતાઓએ વર્ષ ૧૯૯૪માં પીયર્સ બ્રોસ્નનને બોન્ડ બનવાની ઓફર કરી અને આ વખતે કોઈપણ પ્રકારના કરારના બંધનમાં નહિ હોવાથી તેણે તે ઓફરને સ્વીકારી લીધી.

બ્રોસ્નન બોન્ડ તરીકે એકદમ ફીટ બેસી ગયો અને બોન્ડ ફ્રેન્ચાઈસીની ૧૭મી ફિલ્મ 'ગોલ્ડેન આઈ' થકી તેણે બોન્ડ તરીકે એન્ટ્રી કરી.

'ગોલ્ડેન આઈ' ખુબજ સફળ સાબિત થઇ અને બ્રોસ્નન કોનેરી પછીનો શ્રેષ્ઠ બોન્ડ ગણાવા લાગ્યો.

વર્ષ ૧૯૯૬માં આલબર્ટ બ્રોકોલી (કબી) ના અવસાન બાદ તેમની પૂત્રી બાર્બરા  બ્રોકોલી તથા ઓરમાન પુત્ર માઈકલ જી. વિલ્સને બોન્ડ ફિલ્મોના નિર્માણની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે  પીયર્સ બ્રોસ્નનને બોન્ડ તરીકે ચમકાવતી ફિલ્મ 'ટુમોરો નેવર ડાઇસ' વર્ષ ૧૯૯૭માં રજુ કરી અને તેના પછીના વર્ષ ૧૯૯૯માં 'વર્લ્ડ ઇસ નોટ ઇનફ' ફિલ્મ બનાવી અને ત્યારબાદના વર્ષ ૨૦૦૨માં બનાવી 'ડાઈ અનધર ડે'  જે  બ્રોસ્નનની બોન્ડ તરીકેની સૌથી સફળ અને બોન્ડ તરીકેની તેની છેલ્લી ફિલ્મ બનીને રહી ગઈ.

પીયર્સ બ્રોસ્નનને બોન્ડ તરીકે ચમકાવતી ચારેય ફિલ્મોની ફી પેટે તેને ૪૮ મિલિયન ડોલર (ભારતના અધધ.. ૩ અરબ ૫૭ કરોડ રૂપિયા) આપવામાં આવેલા   જયારે તેની બોન્ડ તરીકેની ચારેય ફિલ્મોએ બોક્ષ ઓફીસ પર ધૂમ મચાવવાની સાથે તેના નિર્માતાઓને ૧૮૮૭ મિલિયન ડોલર (ભારતના અધધ.. ૧ ખર્વ અને ૪૨ અબજ રૂપિયા) ની ધીખતી કમાણી કરાવી છે. બોન્ડ ફ્રેન્ચાઈસીના સર્વ પ્રથમ બોન્ડ સિન કોનેરીને બોન્ડની કુલ છ ફિલ્મો કરવા માટે જેટલા નાણા મળેલા તેટલા નાણા પીયર્સ બ્રોસ્નનને માત્ર બેજ બોન્ડ ફિલ્મોની ફી પેટે મળેલા. આમ પીયર્સ બ્રોસ્નન રૂપેરી પરદા પર બોન્ડ તરીકેનો રોલ કરવા માટે તેના સમયનો સૌથો મોંઘો અદાકાર હતો.

ફિલ્મ 'ડાઈ અનધર ડે' એ બોક્ષ ઓફીસ પર કરેલા વકરાને ધ્યાને લઈને બોન્ડ ફિલ્મના નિર્માતાઓએ ફરી એક વખત પીયર્સ બ્રોસ્નનને બોન્ડ બનવાની ઓફર કરેલી પરંતુ વિશ્વભરમાં 'ડાઈ અનધર ડે' ફિલ્મએ કરેલી ધીખતી કમાણીને ધ્યાને લઈને પીયર્સ બ્રોસ્નનને ફિલ્મમાં કામ કરવા માટે ફિલ્મના નિર્માતાઓ પાસે જે મસ મોટી રકમ માંગી તે સંભાળીને તેમને ધોળે દિવસે તારા દેખાય ગયા. તેમણે પીયર્સ બ્રોસ્નનને તેના મોઢા પરજ તેને બોન્ડ બનવાની સીધી ના પાડવાને બદલે તેની પાસે વિચારવા માટેનો થોડો સમય માંગ્યો અને કહ્યું કે અમો તમોને પછી કહેવડાવીશું?

પીયર્સ બ્રોસ્નન ફિલ્મના નિર્માતાઓના જવાબની રાહ જોતો રહયો અને આ તરફ તેઓ બીજો બોન્ડ શોધવાના કામમાં લાગી ગયા. સમય વીતતો ગયો અને અંતે એક દિવસ પીયર્સ બ્રોસ્નન બહામાસ ખાતે તેના સસરા પક્ષના ઘરે હતો ત્યારે બોન્ડ ફિલ્મના નિર્માતાઓનો તેને ફોન આવ્યો. ફોન પર બોન્ડ ફિલ્મના નિર્માત્રી બાર્બરા બ્રોકોલી ખુબજ રડી રહ્યા હતા અને કહેતા હતા કે અમને માફ કરી દો.  અમારે ના છુટકે નવો બોન્ડ શોધવો પડ્યો છે. ફોન પર માઈકલ જી. વિલ્સને બ્રોસ્નનના બોન્ડ તરીકેના ખુબજ વખાણ કરીને તેનો ખુબજ આભાર માન્યો અને સામે પક્ષે બ્રોસ્નનને પણ તેમનો આભાર માન્યો.

બધું માત્ર એક ફોન કોલ પરજ પતિ ગયું અને બ્રોસ્નનને આગામી બોન્ડ ફિલ્મમાંથી કાઢી મુકાયો હતો. બ્રોસ્નનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને એટલો બધો આઘાત લાગ્યો કે તે આઘાતની ઘાતમાંથી નીકળતા તેને ચોવીસ કલાક જેટલો સમય લાગ્યો અને પછી તેણે જીવનની વાસ્તવિકતા હસતા મોઢે સ્વીકારી લીધી. 

પછીથી મીડિયામાં એવી અફવાઓ વહેતી થઇ કે બ્રોસ્નન હવે વૃદ્ઘ થઇ ગયો છે અને તેની ઉમર હવે દેખાવા લાગી છે. બોન્ડની હવે પછીની ફિલ્મ હતી 'કેસીનો રોયલ' જે ઇઆન ફેલ્મીન્ગે લખેલી સૌપ્રથમ જાસુસી નવલિકા હતી. સૌપ્રથમ બોન્ડની કથા હોવાથી તેમાં કામ કરનાર બોન્ડની ઉમર નાની હોવી જોઈએ જયારે બ્રોસ્નન હવે ૫૦ ની ઉમર વટાવી ચૂકવા આવ્યો હતો.

મીડિયામાં આવી ઘણી વાતો વહેતી થઇ અને અંદરખાને નવા બોન્ડ બનવા આવેલા ઘણા અદાકારોના સ્ક્રીન ટેસ્ટ લેવાયા પછી છેવટે સ્ક્રીન ટેસ્ટ પાસ થયેલા ચેસ્ટર, ઇંગ્લેન્ડના રહેવાસી બ્રિટીશ એકટર ડેનિઅલ ક્રેગને બોન્ડ બનવાનો અવસર પ્રાપ્ત થયો. ઘણાએ એ બાબતનો વાંધો કાઢ્યો કે આગળના બોન્ડ લાંબી હાઈટવાળા હતા જયારે ક્રેગ તેમનાથી ઓછી હાઈટવાળો લાગે છે. પરંતુ બોન્ડ ફિલ્મના નિર્માતાઓયે તેની આ ખામીને ગણકાર્યા વગર તેને બોન્ડ તરીકે પ્રસ્થાપિત કરી દીધો અને તેણે ઈતિહાસ રચી દીધો.

ડેનિઅલ ક્રેગની વર્ષ ૨૦૦૬માં આવેલી 'કેસીનો રોયલ' ફિલ્મે વિશ્વભરમાંથી ૬૦૬,૦૯૯,૫૮૪ ડોલર (ભારતના અધધ.... ૪૫ અરબ રૂપિયા) ની ધીખતી કમાણી કરીને બોન્ડની સૌથી વધુ વકરો કરાવનારી ફિલ્મ બનીને બોક્ષ ઓફીસ પર નવા કીર્તીમાનો  સ્થાપિત કર્યા.

ડેનિઅલ ક્રેગની 'કેસીનો રોયલ' બાદ વર્ષ ૨૦૦૮ માં આવી તેની 'કવોન્ટમ ઓફ સોલાસ', પછીના વર્ષ ૨૦૧૨માં આવી 'સ્કાઈફોલ' અને ત્યારબાદના વર્ષ ૨૦૧૫માં આવી 'સ્પેકટ્રે'. ક્રેગની આ તમામ ફિલ્મોએ રેકોર્ડ બ્રેક કમાણીઓ કરી પરંતુ 'સ્કાઈફોલ' બોન્ડ ફ્રેન્ચાઇસીની અત્યાર સુધીની સૌથી સફળ બોન્ડ ફિલ્મ સાબિત થઇ જેણે વિશ્વભરમાંથી ૧.૧૦૯ બિલિયન ડોલર (ભારતના આશરે ૮૧ અરબ ૬૨ કરોડ રૂપિયા) ની કમાણી કરાવી બોન્ડના નામના ડંકા ચારેય બાજુ વગાડી દીધા.

હવે પછી જેની આતુરતાથી સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે ડેનિઅલ ક્રેગની જેમ્સ બોન્ડ તરીકેની ૫મી ફિલ્મ 'નો ટાઇમ ટુ ડાય' વિશ્વભરની બોક્ષ ઓફિસોને છલકાવવા માટે તારીખ ૩૦મી સપ્ટેમ્બરથી વિશ્વભરમાં રજૂઆત પામી રહી છે જે બોન્ડ ફ્રેનચાઇસીની ૨૫મી અને ડેનિઅલ ક્રેગની બોન્ડ તરીકેની છેલ્લી ફિલ્મ બની રહેશે.

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ભારતની સ્પોર્ટ્સ પર્સ્નાલીટી, મોડેલો તથા કલાકારોને પણ નાની-નાની ભૂમિકાઓ કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે.

બોન્ડની 'ધ સ્પાઈ હુ લવ્ડ મી' ફિલ્મમાં દેવાનંદની ગેમ્બલર ફિલ્મની હિરોઈન ઝાહીરાએ એકસટ્રા તરીકેની ભૂમિકા ભજવી છે તો ભારતમાં જેનું શુટિંગ થયેલું એ 'ઓકટોપસી' ફિલ્મમાં ટેનીસ સ્ટાર વિજય અમૃતરાજ, એકટર કબીર બેદી, મોડેલ શ્યામલી વર્મા ઉપરાંત એક સમયની ટોચની હિરોઈન અને એ વખતની મોડેલ રહી ચુકેલી જુહી ચાવલાએ પણ બોન્ડ ની ફિલ્મમાં એકસટ્રા તરીકેનો રોલ કર્યો છે.

જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવનારા કેટલાયે અભિનેતાઓ બદલાતા ગયા અને ભવિષ્યમાં પણ બદલાતા રહેશે પણ એ હકીકત છે કે ગન-ગેઝેટ અને ગર્લના સથવારે શરૂ થયેલો જેમ્સ બોન્ડનો આ ફિલ્મી સફર સદાયને માટે ચાલુજ રહેશે.

આલેખન :

કમલ ફુલસિંહ જારોલી

૪-મનહર પ્લોટ, રાજકોટ.

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

(12:06 pm IST)