Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

તમામ દીકરાઓએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે, નહીં તો...', બિહારના સીતામઢી ખાતે અફવાના કારણે દુકાનો પર જામી ભીડ

પાર્લેજી નહિ ખાય તો પુત્ર સાથે થઇ શકે છે અઘટીત ઘટનાઃ ફેલાઇ અફવા : અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો

નવી દિલ્હી, તા.૧:  બિહારના સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટ સાથે સંકળાયેલી એક અફવા એટલી ઝડપથી ફેલાઈ ગઈ છે કે, ત્યાંની કરિયાણાની દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. હકીકતે સીતામઢી ખાતે પાર્લે જી બિસ્કિટને જીતિયા વ્રત સાથે જોડીને એક અફવા ફેલાવવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, દ્યરમાં જેટલા પણ દીકરાઓ છે તે બધાએ પાર્લે જી બિસ્કિટ ખાવાનું છે નહીં તો તેમના સાથે કશુંક અઘટિત બની શકે છે.

જીતિયા વ્રતના (જીવિત પુત્રિકા) દિવસે પુત્રના દીર્દ્ય, આરોગ્યવર્ધક અને સુખમયી જીવન માટે માતાઓ વ્રત રાખે છે. પછી તો શું, જોતજોતામાં દુકાનો પર પાર્લે જી બિસ્કિટ ખરીદવા માટે લોકોની ભીડ જ ઉમટી પડી. અફવાનો ડર એટલી હદે ભયાનક હતો કે, ત્યાંની દુકાનોમાંથી પાર્લે જી બિસ્કિટનો સ્ટોક જ ખતમ થઈ ગયો. જાણવા મળ્યા મુજબ હજુ પણ લોકો આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે.  સીતામઢી જિલ્લાના બૈરગનિયા, ઢેંગ, નાનપુર, ડુમરા, બાજપટ્ટી, મેજરગંજ સહિતના અનેક પ્રખંડોમાં આ અફવા ફેલાઈ ચુકી છે. અફવા કયારે અને કયાંથી ફેલાઈ તે વિશે કોઈ નથી જાણતું પરંતુ આ અફવાના કારણે બિસ્કિટના વેચાણમાં અચાનક જ તેજી આવી ગઈ હતી.

ગુરૂવારે મોડી રાત સુધી લોકો પાર્લે જી બિસ્કિટ ખરીદતા જોવા મળ્યા હતા. લોકોને તેઓ પાર્લે જી બિસ્કિટ શા માટે ખરીદી રહ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે પાર્લે જી બિસ્કિટ ન ખાવાથી કશુંક અદ્યટિત બની શકે છે તેમ જણાવ્યું હતું. દુકાનદારોએ પણ બધા લોકો ફકત પાર્લે જી બિસ્કિટ માગી રહ્યા છે તેની પૃષ્ટિ કરી હતી.

(3:05 pm IST)