Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સપ્ટેમ્બર મહિનાનું કલેકશન ૧,૧૭,૦૧૦ કરોડ

સરકારને 'જલ્સા હી જલ્સા' : રેકોર્ડબ્રેક GST કલેકશન

ગયા વર્ષનો રેકોર્ડ તોડયો : ૨૩ ટકા વધુ કલેકશન : સતત ત્રીજા મહિને કલેકશન ૧ લાખ કરોડની ઉપર

નવી દિલ્હી તા. ૧ : જીએસટી રેવેન્યુ કલેકશનમાં એકવાર ફરી જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૧ના મહીનામાં ગ્રોસ જીએસટી રેવન્યુ કલેકશન ૧ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયા છે. સરકારી આંકડાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના ગ્રોસ કલેકશનમાં સીજીએસટી ૨૦,૫૭૮ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૬,૭૬૭ કરોડ રૂપિયા, આઇજીએસટી ૬૦,૭૧૧ કરોડ રૂપિયા અને સેસ ૮,૭૫૪ કરોડ રૂપિયા સામેલ છે. આ કલેકશન ગયા વર્ષના આ મહિનામાં જીએસટી રાજસ્વથી ૨૩ ટકા વધ્યું છે. બીજીબાજુ સતત ત્રીજો મહીનો છે. જ્યારે કલેકશનમાં ૧ લાખ કરોડ રૂપિયાના સ્તરને પાર કર્યો છે.

અગાઉ ઓગસ્ટ ૨૦૨૧માં ગ્રોસ જીએસટી રેવેન્યુ કલેકશન ૧,૧૨,૦૨૦ કરોડ રૂપિયા રહ્યું. તેમાં સીજીએસટી ૨૦,૫૨૨ કરોડ રૂપિયા, એસજીએસટી ૨૬,૬૦૫ કરોડ રૂપિયા, આઇજીએસટી ૫૬,૨૪૭ કરોડ રૂપિયા અને સેસ ૮૬૪૬ કરોડ રૂપિયા સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, જીએસટી સંગ્રહ સતત ૯ મહીના સુધી ૧ લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યા બાદ જૂન ૨૦૨૧માં ઘટીને ૧ લાખ કરોડ રૂપિયાના સ્તરથી નીચે આવી ગયું હતું. જો કે કોરોના પ્રતિબંધોમાં છૂટછાટ આપ્યા બાદ જીએસટી કલેકશન જુલાઇ અને ઓગસ્ટમાં ૨૦૨૧માં ફરી ૧ લાખ કરોડથી વધુ થયું. હવે સપ્ટેમબરના મહિનામાં પણ કલેકશન ૧ લાખ કરોડ રૂપિયાની પાર છે.

આર્થિક વૃધ્ધિ અને ટેકસ ચોરી પર સખ્તી, ખાસ કરીને બનાવટી વીલ બનાવતા વિરૂધ્ધ કાર્યવાહીથી જીએસટી કલેકશનમાં વધારો થયો છે. એટલું જ નહી આવનારા મહિનામાં પણ જીએસટી કલેકશન દમદાર બની રહેવાની શકયતા છે.

(3:06 pm IST)