Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પારસ ડિફેન્સના IPOનું ધમાકેદાર લિસ્ટિંગ : રોકાણકારો થયા માલામાલ

BSE પર પારસ ડિફેન્સનો શેર ૪૭૫ રૂપિયા પર એટલે કે ૧૭૧.૪૩% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે : કંપનીનો ઇશ્યૂ ૨૧ સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૨૩ સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતોઃ કંપનીનો ઇશ્યૂ ૩૦૪.૨૬ ગણો ભરાયો હતો

મુંબઇ, તા.૧: પારસ ડિફેન્સના આઈપીઓએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આજે BSE અને NSE પર કંપનીના શેરનું ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. બજાર નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો હતો તેના કરતા વધારે ભાવ પર પારસ ડિફેન્સનો શેર લિસ્ટ થયો છે. BSE પર પારસ ડિફેન્સનો શેર ૪૭૫ રૂપિયા પર એટલે કે ૧૭૧.૪૩% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે. એટલે કે રોકાણકારોને પ્રતિ શેર ૩૦૦ રૂપિયાનો ફાયદો થયો છે. NSE પર પારસ ડિફેન્સનો શેર ૪૬૯ રૂપિયા પર એટલે કે ૧૬૮% પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. એટલે કે રોકાણકારોને એક શેરે ૨૯૪ રૂપિયાનો ફાયદો થયો છે. કંપનીની ઇશ્યૂ કિંમત ૧૭૫ રૂપિયા હતી.

કંપનીનો ઇશ્યૂ ૨૧ સપ્ટેમ્બરના રોજ ખુલ્યો હતો અને ૨૩ સપ્ટેમ્બરના રોજ બંધ થયો હતો. કંપનીનો ઇશ્યૂ ૩૦૪.૨૬ ગણો ભરાયો હતો. ૨૦૧૭ પછી આ સૌથી વધારે સબ્સક્રિપ્શન છે. કંપનીને ૭૧.૪૦ લાખ શેરની સામે ૨૧૭.૨૬ કરોડ ઇકિવટ શેરની અરજી મળી હતી. ૧૭૫ રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપનીને ૩૮,૦૦૦ કરોડ રૂપિયાની બોલી મળી હતી. રિટેલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો ૧૧૨.૮૧ ગણો ભરાયો હતો. જયારે નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII અથવા HNI)નો હિસ્સો ૯૨૭.૭૦ ગણો ભરાયો હતો. જયારે કવોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો ૧૬૯.૬૫ ગણો ભરાયો હતો.

મુંબઈ સ્થિત પારસ ડિફેન્સ સ્પેસ ઓપ્ટિકસ, ડિફેન્સ ઇલેકટ્રોનિક, ઇલેકટ્રોમેગ્નેટિક પલ્સ પ્રોટેકશન સોલ્યૂશન અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં બિઝનેસ કરે છે. આ આઈપીઓથી મળનારી રકમનો ઉપયોગ કંપની મશીનરી ખરીદવા, ઇકિવપમેન્ટની ખરીદી, કંપનીની વર્કિગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા તેમજ દેવું ચૂકવવા માટે કરશે.

પારસ ડિફેન્સ એ આ સેકટરની સરકારી કંપની જેવી કે ભારત ઇલેકટ્રોનિક લિમિડેટ, ભારત ડાયનામિક લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિડેટને પોતાની સેવા આપે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના ઉત્પાદક યુનિટ આવેલા છે. કંપની બેલ્જિયમ, ઇઝરાયેલ અને દક્ષિણ કોરિયા જેવા દેશમાં પોતાની સેવા આપે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦માં કંપનીની કુલ આવક ૧૪૯.૦૫ કરોડ રૂપિયા હતી. જયારે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલા છ મહિના દરમિયાન કંપનીની કુલ આવક ૩૭.૯૪ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ ૨૦૨૦માં કંપનીનો નફો ૧૯.૨૫ કરોડ રૂપિયા હતો. જયારે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન કંપનીને ૧૪ લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

આઇપીઓનો ઇતિહાસ જોઈએ તો ૨૦૧૭માં સાલાસાર ટેકનોલોજી એન્જિીનયરિંગનો આઈપીઓ ૨૭૩ ગણો ભરાયો હતો. એ સમયે સૌથી વધારે સબ્સક્રિપ્સન મળવાનો રેકોર્ડ બન્યો હતો. જે આશરે ચાર વર્ષ સુધી રહ્યો હતો. ૨૩ સપ્ટેમ્બરના રોજ પારસ ડિફેન્સે આ રેકોર્ડ તોડ્યો છે. સાલાસારનો આઇપીઓ જુલાઈ ૨૦૧૭માં ૧૩૯.૩૫્રુ પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બીએસઈ પર આ કંપનીનો શેર ૨૫૯.૧૫ રૂપિયાના ભાવ પર લિસ્ટ થયો હતો. જયારે ઇશ્યૂ કિંમત ૧૦૮ રૂપિયા પ્રતિ શેર હતી.

આ જ રીતે જાન્યુઆરી ૨૦૧૮માં એપોલો માઇક્ર સિસ્ટમ્સનો આઇપીઓ ૨૪૮.૫૧ ગણો ભરાયો હતો. આ આઇપીઓ ૭૩.૮૨% પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. આ શેર બીએસઈ પર ૪૭૮ રૂપિયા પર લિસ્ટ થયો હતો. જયારે ઇશ્યૂ કિંમત ૨૭૫ રૂપિયા પ્રતિ શેર હતી.

આ જ રીતે એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલનો આઈપીઓ ડિસેમ્બર ૨૦૧૭માં ૨૪૩ ગણો ભરાયો હતો. જેમાં રોકાણકારોને ૧૩૦% લિસ્ટિંગ લાભ મળ્યો હતો. આ વર્ષે પણ ચાર આઈપીઓને ૧૬૦થી ૨૦૦ ગણી બીડ મળી હતી. જેમાં MTAR ટેકનોલોજીસ, તત્વ ચિંતન ફાર્મા, નઝારા ટેકનોલોજીસ અને ઈઝી ટ્રીપ પ્લાનર્સ સામેલ છે.

Happiest mind technologyનો આઈપીઓ સપ્ટેમ્બર ૨૦૨૦માં ૧૧૧%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. બર્ગર કિંગ (Burger King)નો આઇપીઓ ૯૨%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તમામ આંકડા જોતા પારસ ડિફેન્સરનો આઈપીઓ ખૂબ સારા પ્રીમિયમ પર લિસ્ટ થાય તેવી આશા જાગી છે.

(3:14 pm IST)