Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

સફાઇકર્મી જ અસલ મહાનાયક

PM Modi એ સ્વચ્છ ભારત મિશન Urban ૨.૦ લોન્ચ કર્યુ

આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને વધુ સારી બનાવવાનું કામ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એ આજે સ્વચ્છ ભારત મિશન અર્બન ૨.૦ના શરૂઆત કરી. આ યોજના હેઠળ દેશના પાંચસો શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ મજબૂત કરવાનું, પીવાના પાણીની સુવિધાને વધુ સારી બનાવવાનું કામ કરવામાં આવશે. આ યોજનાને લોન્ચ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે દેશભરમાં શૌચાલયોનું નિર્માણ કરીને સફાઈ અભિયાન ચલાવી દેશે સ્વચ્છ ભારત મિશનનો પહેલો તબક્કો પૂરો કર્યો. હવે અમારું લક્ષ્ય શહેરોને કચરામુકત કરવાનું છે. અમૃત મિશન પણ આ સાથે કામ કરશે.

પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે દેશે સ્વચ્છ ભારત મિશનના માધ્યમથી જે મેળવ્યું તે એ ભરોસો અપાવે છે કે દરેક ભારતવાસી પોતાના કર્તવ્ય પ્રત્યે સંવેદનશીલ છે. આપણા સફાઈકર્મીઓ જ સાચા અર્થમાં આ અભિયાનના મહાનાયક છે. કોરોનાકાળમાં પણ તેમણે પોતાનું કામ પૂરું કર્યું. તેમણે કહ્યું કે તમામ શહેરોના મેયર, કમિશનર અને અન્ય ઓફિસર આ કામને મિશન તરીકે લે કારણ કે તેનાથી સીધો ફાયદો જમીન સ્તરે થશે.

પીએમ મોદીએ કહ્યું કે હવે લોકો દ્યરમાં ભીનો અને સૂકો કચરો અલગ રાખી રહ્યા છે. બીજા લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોનાકાળમાં ભલે થોડી સુસ્તી આવી ગઈ હોય પરંતુ દરેક રાજય, જિલ્લા, શહેર, ગામના પ્રશાસને ફરીથી જાગી જવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું કે 'સીવેજ અને સેપ્ટિક મેનેજમેન્ટ વધારવું, પોતાના શહેરોને Water secure cities’ બનાવવા અને એ સુનિશ્યિત કરવું કે આપણી નદીઓમાં કયાંયથી પણ કોઈ ગંદુ નાળું ન પડે. મહાત્મા ગાંધીની જયંતીના એક દિવસ પહેલા આપણે આ કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બાબા સાહેબ, અસમાનતાને દૂર કરવા માટે શહેરી વિકાસને એક મોટું માધ્યમ માનતા હતા. સારા જીવનની આકાંક્ષામાં ગામડાઓમાંથી અનેક લોકો શહેરોમાં આવે છે. આપણે જાણીએ છીએ કે તેમને રોજગાર તો મળી જાય છે પરંતુ તેમનું જીવનસ્તર  ગામડાઓ કરતા પણ મુશ્કેલ સ્થિતિમાં હોય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તેમના પર એક પ્રકારે બેવડા માર જેવું હોય છે. એક તો ઘરથી દૂર રહેવું અને બીજું એવી સ્થિતિમાં રહેવાનું. આ હાલાતને બદલવા, આ અસમાનતાને દૂર કરવા પર બાબા સાહેબનો ખુબ ભાર હતો. સ્વચ્છ ભારત મિશન અને મિશન અમૃતનો આગામી તબક્કો બાબા સાહેબના સપનાને પૂરા કરવાની દિશામાં પણ એક મોટું ડગલું છે.

(3:15 pm IST)