Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

વિશ્વના સૌથી સુરક્ષિત શહેરો જાહેર

વિશ્વના ૫૦ સલામત શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છેઃ જોકે કોપનહેગન ૮૨.૪ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે

નવી દિલ્હી, તા.૧: વિશ્વના ૫૦ સલામત શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે. જોકે કોપનહેગન ૮૨.૪ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તાજેતરમાં આ યાદી બહાર પાડવામાં આવી છે. અનેક પરિમાણો પર ગુણ આપવામાં આવ્યા હતા

ડેન્માર્કની રાજધાની કોપનહેગન સલામત શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે છે. આ શહેરને ૮૨ થી વધુ પોઇન્ટ મળ્યા છે અને આ અર્થમાં તે સૌથી સુરક્ષિત શહેર છે.

કેનેડાના સૌથી મોટા શહેરોમાંનું એક ટોરોન્ટો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટની રેન્કિંગમાં ૮૨.૨ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આ રેન્કિંગ ડિજિટલ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર, વ્યકિતગત અને પર્યાવરણીય સલામતી સહિત ૭૬ પરિમાણો પર આધારિત છે.

સિંગાપોર ૮૦.૭ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું છે. સેફ સિટીઝ ઈન્ડેકસ પહેલીવાર ૨૦૧૫ માં ૪૪ પરિમાણો સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેરોમાંનું એક સિડની પણ સુરક્ષિત શહેરોની યાદીમાં સામેલ છે. તેને ૮૦.૧ ગુણ મળ્યા છે અને તે ચોથા સ્થાને છે. શહેરોમાં પર્યાવરણીય સલામતી સંબંધિત રેન્કિંગમાં ભાર મૂકવામાં આવ્યો છે.

જાપાનની રાજધાની ટોકયો ૮૦ પોઈન્ટ સાથે પાંચમા નંબરે છે. રેન્કિંગમાં પ્રથમ વખત પર્યાવરણીય સલામતીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.

છઠ્ઠા સ્થાને યુરોપિયન શહેર એમ્સ્ટરડેમ છે. તેને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ૭૯.૩ પોઇન્ટ આપવામાં આવ્યા હતા અને તે સુરક્ષિત શહેરોમાં છઠ્ઠા ક્રમે છે.

ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન ૭૯ પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે.

હોંગકોંગ ૭૮.૬ પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.

ભારતની રાજધાની દિલ્હી સુરક્ષિત શહેરોની યાદીમાં ૪૮ માં નંબરે છે. તેને ૫૬.૧ નંબર મળ્યા છે.

ભારતની આર્થિક રાજધાની મુંબઈએ ૫૪.૪ પોઈન્ટ્સ મેળવીને ૫૦ મો સ્થાન મેળવ્યું છે. ભારતના અન્ય કોઈ શહેરને ટોચના ૬૦ સલામત શહેરોમાં સમાવવામાં આવ્યું નથી.

(3:49 pm IST)