Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનાર ત્રણ ઝડપાયા : ગ્રેનેડ-રાઇફલ અને IED મળી આવ્યા

ચાર ગ્રેનેડ, ચાર ડિટોનેટર, એક IED, એક IED વાયર, એક AK-47 રાઈફલ અને મેગેઝિન અને 30 કારતુસ મળ્યા

નવી દિલ્હી : કાશ્મીર વિભાગમાં કુલગામ પોલીસને આતંકવાદીઓના ત્રણ મદદગારોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. તેમની પાસેથી ચાર ગ્રેનેડ, ચાર ડિટોનેટર, એક IED, એક IED વાયર, એક AK-47 રાઈફલ અને મેગેઝિન અને 30 કારતુસ મળી આવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓના મદદગારોની હિલચાલ અંગે માહિતી મળી હતી. જેના આધારે પોલીસ, આર્મીની 1-RR (રાષ્ટ્રીય રાઇફલ્સ) અને CRPF ની 46 બટાલિયનની સંયુક્ત ટીમે કાઝીગુંડ પાર કરતા માલપોરા મીર બજારને નાકાબંધી કરી હતી.

સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોની નજર મોટરસાયકલ પર સવાર ત્રણ શકમંદો પર પડી હતી. સુરક્ષા દળોએ મોટરસાઇકલને રોકવાનો સંકેત આપ્યો, પરંતુ ત્રણેયે ભાગવાનો પ્રયાસ કર્યો. જે બાદ સુરક્ષા દળોએ પીછો કર્યો અને ત્રણેને પકડવામાં સફળતા મળી, તપાસ દરમિયાન હથિયારો અને દારૂગોળો મળી આવ્યા હતા,. મોટરસાઇકલ પર નકલી નંબર પ્લેટ લગાવવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ત્રણેયની ઓળખ આબેદ મુશ્તાકના પુત્ર મુશ્તાક અહમદ મીર, મોહમ્મદ જામલ ભટ પુત્ર આદિલ જામલ ભટ અને ગુલામ રસૂલ ભટ પુત્ર દાનિશ રસૂલ ભટ તરીકે કરવામાં આવી છે. પોલીસે ગુનામાં વપરાતા વાહનો પણ જપ્ત કર્યા છે. આ સાથે, સંબંધિત કલમો હેઠળ કાઝીગુંડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે.

(8:32 pm IST)