Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અબજપતિ ઇલોન મસ્કની સ્પેસએક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિન્ક ભારતમાં થશે એન્ટ્રી

મસ્કની એન્ટ્રી મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને ભારતી મિત્તલની એરટેલની મુશ્કેલી વધારી શકે

નવી દિલ્હીઃ અમેરિકન અબજપતિ ઇલોન મસ્કની આગેવાની હેઠળની સ્પેસએક્સની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિન્ક ભારતમાં પ્રવેશવાની છે. કંપનીના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ સ્ટારલિંક ડિસેમ્બર ૨૦૨૨માં ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ રજૂ કરવાનો ઇરાદો ધરાવે છે.

આમ મસ્કની એન્ટ્રી મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને ભારતી મિત્તલની એરટેલની મુશ્કેલી વધારી શકે છે. કંપની હાલમાં ટર્મિનલ્સ માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. સ્ટારલિંકના કન્ટ્રી ડાયરેક્ટર હેડ સંજય ભાર્ગવે જણાવ્યું હતું કે કંપનીને ભારતમાં પહેલેથી જ પાંચ હજાર પ્રી-ઓર્ડર મળી ચૂક્યા છે. અમે બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવા ગ્રામીણ ક્ષેત્રોમાં કારોબાર કરવા ઇચ્છુક છીએ.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીના લીધે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને મિત્તલની ભારતી એરટેલ માટે માટે નવો હરીફ આવશે. સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ દ્વારા બંને વચ્ચે ટક્કર થશે. ઇન્ટરનેટનો પ્રસાર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવા અને સસ્તા પ્લાન્સ દ્વારા પહોંચાડવા હરીફાઈ થશે. તેનો ફાયદો ગ્રાહકોને મળશે.

ઇલોન મસ્ક પાસે 213 અબજ ડોલરની સંપત્તિ છે. જ્યારે મુકેશ અંબાણી પાસે 98.6 કરોડ ડોલરની સંપત્તિ છે. તે વિશ્વના અબજપતિઓમાં 11માં સ્થાને છે. જ્યારે ભારતીના માલિક મિત્તલ 12.3 અબજ ડોલરની સંપત્તિ સાથે 177માં સ્થાને છે.

(12:08 am IST)