Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટરાઈડર્સને પાંચ વિકેટથી હરાવ્યું

રાહુલની ૫૫ બોલમાં ૪ચોગ્ગા અને બે છગ્ગા સાથેની ૬૭ રનની કેપ્ટન્સ ઈનિંગ

દુબઈ : રાહુલની ૫૫ બોલમાં ૪ચોગ્ગા અને બે છગ્ગા સાથેની ૬૭ રનની કેપ્ટન્સ ઈનિંગ તેમજ અગ્રવાલના ૪૦ અને શાહરૃખ ખાનના ૯ બોલમાં અણનમ ૨૨ રનની મદદથી પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટરાઈડર્સ સામેની આઇપીએલ ટી-૨૦માં પાંચ વિકેટથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૬૬ના ટાર્ગેટ સામે પંજાબે ૧૯.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૬૮ રન કર્યા હતા. આ જીત સાથે પંજાબના ૧૨ મેચમાં પાંચ વિજય સાથે ૧૦ પોઈન્ટ થઈ ગયા છે અને તેમણે પ્લે ઓપમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. તેઓ ચેન્નાઈ (૧૮ પોઈન્ટ), દિલ્હી (૧૬), બેંગ્લોર (૧૪) અને કોલકાતા (૧૦) પછી પાંચમા ક્રમે આવી ગયા છે. જ્યારે મુંબઈ ૧૦ પોઈન્ટ છતાં નબળા રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે.

અગાઉ ઓપનર વેંકટેશ ઐયરે શાનદાર ફોર્મ જારી રાખતાં ૪૯ બોલમાં ૬૭ રન ફટકારતાં કોલકાતા નાઈટરાઈડર્સે પંજાબ કિંગ્સ સામેની આઇપીએલ ટી-૨૦માં સાત વિકેટે ૧૬૫ રન કર્યા હતા. ઐયરનો સાથ આપતાં રાહુલ ત્રિપાઠીએ ૩૪ અને નિતિશ રાણાએ ૩૧ રન નોંધાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી અર્ષદીપ સિંઘે ત્રણ અને રવિ બિશ્નોઈએ બે વિકેટ ઝડપી હતી.

પંજાબ કિંગ્સના કેપ્ટન રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. કોલકાતાનો ઓપનર શુબ્મન ગિલ ૭ રને આઉટ થયો હતો. જોકે સામેના છેડેથી વેંકટેશ ઐયરે આક્રમક બેટીંગ જારી રાખી હતી. તેણે ૯ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકાર્યો હતો. ઐયર અને ત્રિપાઠીની જોડીએ ૭૨ રનની ભાગીદારી કરી હતી. ત્રિપાઠી ૩૪ રને આઉટ થયો હતો. જે પછી નિતિશ રાણાએ ૧૮ બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૧ રન નોંધાવ્યા હતા. જે પછી કોલકાતાએ વિકેટો ગુમાવી હતી. અર્ષદીપે ૩૨ રનમાં ત્રણ અને બિશ્નોઈએ ૨૨ રનમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા.

(12:16 am IST)