Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

એશિયન ટેબલ ટેનિસમાં ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો

મનિકા બત્રાની ગેરહાજરીમાં ભારતની મહિલા ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાને રહી

દોહા ; ભારતની મેન્સ ટેબલ ટેનિસ ટીમે દોહામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતીય ટીમમાં ગુજરાતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો પણ સમાવેશ થાય છે. જ્યારે ટીમમાંથી પડતી મૂકાયેલી ટોપ રેન્ક ખેલાડી મનિકા બત્રાની ગેરહાજરીમાં ભારતની મહિલા ટીમ એશિયન ચેમ્પિયનશિપમાં પાંચમા સ્થાને રહી હતી.

દોહામાં ચાલી રહેલી એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાથી ચીનની ટીમ ખસી ગઈ હતી. પાવરહાઉસ ગણાતા ચીનની ગેરહાજરીમાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારતની મેન્સ ટીમે પ્રથમ મેચમાં ઈરાનને ૩-૧થી હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે ત્યાં ભારતને સાઉથ કોરિયા સામે ૦-૩થી હારનો સામનો કરવો પડયો હતો. ભારતના જી. સાથિયાનને વૂજીન જાંગે, શરથ કમલને લી સુન્ગસુએ અને હરમીત દેસાઈને સેઉન્ગમીન ચોએ હરાવ્યો હતો.

મનિકા બત્રાની ગેરહાજરીમાં રમવા ઉતરેલી ભારતની મહિલા ટીમનો પાંચમા ક્રમે રહી હતી. ભારત ક્વાર્ટર ફાઈનલમાં ૧-૩થી હાર્યું હતુ. જે પછી ભારતે ૫ થી ૮માં સ્થાન માટેની મેચમાં તાઈપેઈને ૩-૧થી હરાવ્યું હતુ. જે પછી થાઈલેન્ડ સામે ૩-૧થી જીત મેળવીને ભારતે પાંચમો ક્રમ હાંસલ કર્યો હતો

(12:46 am IST)