Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કોમર્શિયલ બાટલો સસ્‍તો : સીએનજીના ભાવ વધ્‍યા

ઘરવપરાશના બાટલાના ભાવ યથાવત : કોમર્શિયલ સિલિન્‍ડરના ભાવમાં ૨૫.૫૦ રૂા.નો ઘટાડો : કુદરતી ગેસ ૪૦ ટકા મોંઘો : અદાણીએ સીએનજીના ભાવ ત્રણ રૂપિયા વધાર્યા : નવો ભાવ રૂા. ૮૬.૯૦

નવી દિલ્‍હી તા. ૧ : આગલા દિવસે કુદરતી ગેસના ભાવમાં રેકોર્ડ વધારો થયો હોવા છતાં આજે એટલે કે ૧ ઓક્‍ટોબરે એલપીજી સિલિન્‍ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્‍યો છે. જોકે, આ ઘટાડો ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં નહીં પરંતુ કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરના દરમાં થયો છે. રાજધાની દિલ્‍હીમાં આજથી ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્‍ડર ૨૫.૫૦ રૂપિયા સસ્‍તો થયો છે. આ સિવાય ઘણા શહેરોમાં ભાવમાં ઘટાડો થયો છે. ગત મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્‍યો હતો. એલપીજી સિલિન્‍ડરના નવા દર આજથી જાહેર કરવામાં આવ્‍યા છે. દરમિયાન અદાણીએ સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. એક કિલો સીએનજીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે, નવો ભાવ ૮૬.૯૦  થયો છે. હવે ગુજરાત ગેસ ગમે ત્‍યારે ભાવ વધારશે.

IOCL અનુસાર, ૧ ઓક્‍ટોબર, ૨૦૨૨ના રોજ દિલ્‍હીમાં ઈન્‍ડેનના ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ૨૫.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. તે જ સમયે, કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં કોલકાતામાં ૩૬.૫૦ રૂપિયા, મુંબઈમાં ૩૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૩૫.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્‍યો છે. આ કપાત બાદ રાજધાની દિલ્‍હીમાં આજથી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર ૧૮૫૯.૫૦ રૂપિયામાં ઉપલબ્‍ધ થશે.

કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર આજથી કોલકાતામાં ૩૬.૫૦ રૂપિયા સસ્‍તું થઈને ૧,૯૯૫.૫૦ રૂપિયામાં ઉપલબ્‍ધ થશે. એ જ રીતે મુંબઈમાં તેની કિંમત રૂ. ૧,૮૪૪ થી ઘટીને રૂ. ૩૫.૫૦ થી રૂ. ૧૮૧૧.૫૦ પર આવી ગઈ છે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર ૩૫.૫૦ રૂપિયા સસ્‍તું થયું છે. એલપીજી સિલિન્‍ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરનો મોટાભાગે હોટલ અને રેસ્‍ટોરન્‍ટમાં ઉપયોગ થાય છે.

નેચરલ ગેસના ભાવમાં રેકોર્ડ ૪૦ ટકાનો વધારો થયો છે. વધેલો દર ૧ ઓક્‍ટોબરથી લાગુ થશે અને ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. નેચરલ ગેસના દરમાં ભારે વધારાને કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ આવતા પેટ્રોલિયમ પ્‍લાનિંગ એન્‍ડ એનાલિસિસ સેલ (PPAC)ના આદેશ અનુસાર હાલમાં કુદરતી ગેસના એક યુનિટની કિંમત $૬.૧ (અંદાજે રૂ. ૫૦૦ પ્રતિ યુનિટ) છે, જે વધીને $૮.૫૭ થઈ ગઈ છે. (લગભગ રૂ. ૭૦૦) પ્રતિ યુનિટ છે. જેમ ક્રૂડ ઓઈલનું એકમ પ્રતિ બેરલમાં માપવામાં આવે છે, તેવી જ રીતે કુદરતી ગેસનું એકમ ‘બ્રિટીશ થર્મલ યુનિટ પ્રતિ મિલિયન' છે.

જે રીતે પેટ્રોલ અને ડીઝલ બનાવવા માટે તેલના કુવાઓમાંથી ક્રૂડ ઓઈલનું ઉત્‍પાદન કરવામાં આવે છે. એ જ રીતે ગેસ આધારિત પ્‍લાન્‍ટ ચલાવવાથી લઈને CNG અને PNG બનાવવા માટે કુદરતી ગેસનો ઉપયોગ થાય છે. આ પણ ઓઇલ ફિલ્‍ડમાંથી જ કાઢવામાં આવે છે.

(11:20 am IST)