Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સોનિયા ગાંધીને મળવા ગયેલા અશોક ગેહલોતની નોટ્‍સમાં ‘સચિન પાયલટ કોંગ્રેસ છોડશે' તેવો ઉલ્લેખ

સચિન પાસે માત્ર ૧૮ ધારાસભ્‍યો હોવાનો ઉલ્લેખ : સચિન પાયલટ પર એવો પણ આરોપ લગાવ્‍યો છે કે, ‘પહેલો પાર્ટી અધ્‍યક્ષ, જેણે સરકારને પાડી દેવા પૂરતો પ્રયત્‍ન કર્યો'

નવી દિલ્‍હી, તા.૧: કોંગ્રેસ અધ્‍યક્ષ પદ અને મુખ્‍યમંત્રી પદ વચ્‍ચેની કશ્‍મકશ બાદ આખરે રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના સર્વોચ્‍ય પદની રેસમાંથી બહાર થવાનું સ્‍વીકાર્યું હતું. અશોક ગેહલોત પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી સાથેની બેઠકમાં માફીનામા સાથે પહોંચ્‍યા હતા પરંતુ તેઓ ખૂબ જ દુઃખી થઈને બહાર નીકળ્‍યા હતા તે સ્‍પષ્ટ છે.
સોનિયા ગાંધી અને અશોક ગેહલોત વચ્‍ચે ગુરૂવારના રોજ યોજાયેલી બેઠક રાજસ્‍થાનના મુખ્‍યમંત્રીના કોંગ્રેસ અધ્‍યક્ષ પદની રેસમાંથી બહાર થવાના ‘પ્રતીકાત્‍મક સમર્પણ' સાથે સંપન્ન થઈ હતી પરંતુ ગેહલોતની મીટિંગ સેશન દરમિયાનની નોટ્‍સ એક અલગ જ વાત રજૂ કરે છે.
ફોટોમાં ગેહલોત બેઠકમાં પોતાના સાથે જે ચીટશીટ લઈને ગયા હતા તે દેખાય છે. આ તસવીરથી એ મુદ્દાઓ સ્‍પષ્ટ થાય છે જેને શકયતઃ ગેહલોતે સોનિયા ગાંધી સમક્ષ રજૂ કર્યા હતા.
આ તસવીર ગેહલોતનો તેમના યુવાન પ્રતિદ્વંદી સચિન પાયલટ વિરૂદ્ધનો આરોપપત્ર હોવાનું પણ જણાઈ આવે છે. નોટ્‍સમાં સચિન પાયલટનો SP તરીકે ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે અને અનેક આરોપો સાથે ગેહલોતે એવો દાવો કર્યો છે કે, તેમને પોતાના પ્રતિદ્વંદી પાસે રહેલા ૧૮ની સરખામણીએ ૧૦૨ ધારાસભ્‍યોનું સમર્થન મળેલું છે. આ ઉપરાંત યુવાન નેતા રાજકીય લાભ માટે પાર્ટી છોડી દે તેવી શકયતા પણ દર્શાવવામાં આવેલી છે. તેમણે સચિન પાયલટ પર રાજ્‍ય કોંગ્રેસ પ્રમુખ તરીકે ભાજપ સાથે હાથ મિલાવીને કોંગ્રેસ સરકારને પાડી દેવા પ્રયત્‍ન કરવામાં આવશે તેવો પણ આરોપ લગાવ્‍યો છે. જેમાં ૧૦થી ૫૦ કરોડ રૂપિયા આપીને કથિત રીતે ધારાસભ્‍યોને ખરીદવાના પ્રયત્‍નનો પણ ઉલ્લેખ કરાયો છે.
ફોટો પરથી જણાઈ આવે છે કે, ગેહલોતે પોતાની વાતની શરૂઆતમાં સોનિયા ગાંધીને કહ્યું હશે કે, જે બન્‍યું, ખૂબ દુઃખદ છે. હું પણ ખૂબ ઘવાયો છું. સાથે જ ધારાસભ્‍યોનો બચાવ કરતા લખ્‍યું છે કે, ‘રાજકારણમાં હવા બદલાતી જોઈને સાથ છોડી દે છે પણ અહીં એમ ન બન્‍યું. SP પાર્ટી છોડી દેશે, ઓબ્‍ઝર્વર પહેલા સાચો રિપોર્ટ આપતાં તો પાર્ટી માટે સારૂં રહેત.
સાથે જ સચિન પાયલટ પર એવો પણ આરોપ લગાવ્‍યો છે કે, ‘પહેલો પાર્ટી અધ્‍યક્ષ, જેણે સરકારને પાડી દેવા પૂરતો પ્રયત્‍ન કર્યો.
જોકે હાલ કોંગ્રેસ અને અશોક ગેહલોત દ્વારા આ પત્ર મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.

 

(3:50 pm IST)